મહારાષ્ટ્ર દિન નિમિત્તે રાજ્યની ભવ્ય સંસ્કૃતિ દર્શાવતી ખાઈ શકાય એવી કેક બનાવી પુણેની આ કેક-આર્ટિસ્ટે

02 May, 2025 07:54 AM IST  |  Pune | Gujarati Mid-day Correspondent

આ પહેલાં પણ પ્રાચીએ અનેક ઐતિહાસિક સ્થાપત્યોની કેક બનાવી છે.

કેક-આર્ટિસ્ટ પ્રાચી ધાબલ દેબે મહારાષ્ટ્રની સમૃદ્ધ સંસ્કૃતિ અને વારસાને કેકમાં વણ્યો

ગઈ કાલે મહારાષ્ટ્ર રાજ્યનો સ્થાપનાદિન હતો એ નિમિત્તે પુણેની કેક-આર્ટિસ્ટ પ્રાચી ધાબલ દેબે મહારાષ્ટ્રની સમૃદ્ધ સંસ્કૃતિ અને વારસાને કેકમાં વણીને એક માસ્ટરપીસ તૈયાર કર્યો હતો. કેકને ભવ્ય અને રૉયલ લુક આપવા માટે વપરાયેલું આઇસિંગ વીગન હતું. આ કેકમાં ટ્રેડિશનલ મહારાષ્ટ્રિયન સ્ત્રીના શૃંગારનાં વિવિધ એલિમેન્ટ્સ રજૂ કરવામાં આવ્યાં હતાં. મહારાષ્ટ્રની પૈઠણી સાડી, વજ્રાતિક નેકપીસ, ચિંચપેટી, ઝૂમખા, બૅન્ગલ્સ, સિંદૂર-બૉક્સ અને નથ જેવી તમામ ચીજો કેક પર જાણે સાચી હોય એ રીતે ઉપસાવવામાં આવી હતી.

આ કેકમાં જે પૈઠણી સાડીની બૉર્ડર તૈયાર કરવામાં આવી છે એમાં વાઇબ્રન્ટ મોરની પ્રતિકૃતિઓ બનાવવા માટે ૨૫,૦૦૦ આઇસિંગ બિંદુઓનો ઉપયોગ કરવામાં આવ્યો છે. ચાર ફુટ ઊંચી આ કેકનું વજન ૫૦ કિલો જેટલું છે. કેકની ઉપર ન્યુ કોલ્હાપુર પૅલેસ અને મહારાષ્ટ્રના ઐતિહાસિક સ્થાપત્ય વારસાને પણ દર્શાવવામાં આવ્યો છે.

આ પહેલાં પણ પ્રાચીએ અનેક ઐતિહાસિક સ્થાપત્યોની કેક બનાવી છે. એમાં મિલાનના કથીડ્રલની ૧૦૦ કિલોની વીગન રૉયલ કેક અને ભારતીય આર્કિટેક્ચરલ પૅલેસ દર્શાવતી ૨૦૦ કિલોની કેકનો સમાવેશ થાય છે.

mumbai news mumbai pune news pune maharashtra news maharashtra day