લોકસભાની આગામી ચૂંટણીમાં વડા પ્રધાન નરેન્દ્ર મોદી તમામ રેકૉર્ડ તોડશે

28 January, 2023 07:33 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

થાણેમાં ‘પરીક્ષા પે ચર્ચા કાર્યક્રમ’ના સાક્ષી બનેલા મુખ્ય પ્રધાન એકનાથ શિંદેએ કહ્યું કે એનડીએ ફરી સત્તામાં આવશે

લોકસભાની આગામી ચૂંટણીમાં વડા પ્રધાન નરેન્દ્ર મોદી તમામ રેકૉર્ડ તોડશે


મુંબઈ ઃ આવતા વર્ષે યોજાનારી લોકસભાની ચૂંટણીમાં વડા પ્રધાન નરેન્દ્ર મોદી તમામ રેકૉર્ડ તોડશે અને એનડીએ ફરી ભારે બહુમતીથી સત્તામાં આવશે એવું રાજ્યના મુખ્ય પ્રધાન એકનાથ શિંદેએ ગઈ કાલે કહ્યું હતું. વડા પ્રધાનના ‘પરીક્ષા પે ચર્ચા’ કાર્યક્રમનું ગઈ કાલે લાઇવ પ્રસારણ કરવામાં આવ્યું હતું એના થાણેમાં સાક્ષી બનેલા મુખ્ય પ્રધાને પત્રકારો સાથેની વાતચીતમાં આવું કહ્યું હતું.
તાજેતરમાં રાજકીય સર્વે કરવામાં આવ્યો છે એ વિશે મુખ્ય પ્રધાન એકનાથ શિંદેએ કહ્યું હતું કે ‘આવતા વર્ષે યોજાનારી લોકસભાની ચૂંટણીમાં વડા પ્રધાન નરેન્દ્ર મોદી અગાઉના તમામ રેકૉર્ડ તોડશે અને એનડીએ ફરી ભારે બહુમતીથી વિજયી બનશે. સર્વેમાં અમુક લોકોનાં જ મંતવ્યો લેવામાં આવ્યાં હોવાથી એનાથી જમીન પરની હકીકત જાણી ન શકાય. સર્વેમાં રાજ્યમાં તાજેતરમાં યોજાયેલી ગ્રામપંચાયતની ચૂંટણીનાં પરિણામોને નજરઅંદાજ કરવામાં આવ્યાં છે. આ ચૂંટણીમાં બીજેપી અને બાળાસાહેંબાચી શિવસેનાનું પ્રદર્શન ઘણું સારું રહ્યું હતું. રાજકારણમાં કાયમ બે વત્તા બે નથી થતા. રાજ્યમાં અઢી વર્ષ નકારાત્મક સરકાર હતી. સત્તા-પરિવર્તન બાદ હકારાત્મક બની છે. અગાઉની સરકાર વખતે રાજ્યમાં ભારે અસંતોષ હતો. અમે સરકારમાં આવ્યા બાદ વિકાસનાં અનેક કામોની શરૂઆત કરી છે એટલે રાજ્યનું રાજકીય વાતાવરણ બદલાયું છે.’
શરદ પવારની શકુનિમામાની રમતથી અજિતદાદા ‌બકરો બન્યા
દેવેન્દ્ર ફડણવીસ અને અજિત પવારની વહેલી સવારની શપથ‌વિધિ એ શરદ પવારની રમત હોઈ શકે એવું એનસીપીના પ્રદેશાધ્યક્ષ જયંત પાટીલે કહ્યું હતું. તેમના આ નિવેદન બાદ બીજેપી દ્વારા એનસીપી અને ઉદ્ધવ ઠાકરેની શિવસેનાની ટીકા થઈ રહી છે. બીજેપીના પ્રદેશાધ્યક્ષ ચંદ્રશેખર બાવનકુળેએ ગઈ કાલે નાગપુરમાં કહ્યું હતું કે ‘શરદ પવારની શકુનિમામા જેવી રમતને લીધે અજિત પવાર બકરો બન્યા. વહેલી સવારની શપથવિધિના કાવતરામાં ઉદ્ધવ ઠાકરેનો પણ હાથ હતો. એનસીપીના પ્રદેશાધ્યક્ષ જયંત પાટીલે શરદ પવારનું નામ લઈને તેમણે રમત કરી હોવાનો દાવો કર્યો છે. એના પરથી સ્પષ્ટ થાય છે કે બહુમત મેળવનારા દેવેન્દ્ર ફડણવીસને ફરી સત્તામાં ન આવવા દેવા માટે કાવતરું ઘડવામાં આવ્યું હતું. શરદ પવાર દેવેન્દ્ર ફડણવીસ ફરી મુખ્ય પ્રધાન બને એ નહોતા ઇચ્છતા. આથી તેમણે રમત માંડી હતી. તેમની આ શકુનિમામા જેવી રમતથી પોતાના જ ઘરના અજિત પવારને બલિનો બકરો બનાવવામાં આવ્યા હતા.’
નાશિકમાં સત્યજિત તાંબેને બીજેપી સમર્થન આપશે

આ પણ વાંચો:Maharashtra Politics: મુખ્યપ્રધાન અકનાથ શિંદેએ આ મામલે કરી શરદ પવારની પ્રશંસા

નાશિકમાં વિધાન પરિષદની ગ્રૅજ્યુએટ્સ બેઠક માટેની ચૂંટણીમાં કૉન્ગ્રેસને છોડીને અપક્ષ ઉમેદવારી નોંધાવનારા સત્યજિત તાંબેને બીજેપીએ સમર્થન જાહેર કર્યું હોવાનું જાણવા મળ્યું હતું. બીજેપીના પ્રદેશાધ્યક્ષ ચંદ્રશેખર બાવનકુળેએ નાશિકના બીજેપીના જિલ્લાધ્યક્ષ સાથે આ બાબતે ચર્ચા કરી હોવાનું સૂત્રોએ કહ્યું હતું. આવતી કાલે નાયબ મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસ નાશિકની મુલાકાતે આવવાના છે ત્યારે આ બાબતે અધિકૃત જાહેરાત થવાની શક્યતા છે. નાશિકમાં બીજેપીએ પોતાનો ઉમેદવાર જાહેર નથી કર્યો એટલે તે અપક્ષ ઉમેદવારી નોંધાવનારા સત્યજિત તાંબેને સમર્થન આપે એવા સંકેત મળી રહ્યા છે. આથી હવે સ્પષ્ટ થઈ ગયું છે કે અહીં નાશિકમાં સત્યજિત સાંબે અને સુભાંગી પાટીલ વચ્ચે સીધી લડત થશે.
નવા રાજ્યપાલ માટે ત્રણ નામ ચર્ચામાં 
ભગત સિંહ કોશ્યારીએ મહારાષ્ટ્રનું રાજ્યપાલપદ છોડવાની વિનંતી કરી છે ત્યારે તેમના ગયા પછી કોણ રાજ્યપાલ બનશે એની ચર્ચા ચાલી રહી છે. અત્યારે રાજ્યપાલપદ માટે ત્રણ નામ ચર્ચામાં છે. લોકસભાનાં ભૂતપૂર્વ અધ્યક્ષ અને બીજેપીનાં ઇન્દોરનાં આઠ વખત સંસદસભ્ય રહી ચૂકેલાં સુમિત્રા મહાજન; બીજેપીના છત્તીસગઢના પ્રભારી, રાજસ્થાનના ભૂતપૂર્વ પ્રદેશાધ્યક્ષ અને મહારાષ્ટ્ર-ઉત્તર પ્રદેશના પ્રભારી રહી ચૂકેલા તેમ જ રાજસ્થાનના ભૂતપૂર્વ સાંસદ ઓમ માથુર અને પંજાબના ભૂતપૂર્વ મુખ્ય પ્રધાન અમરિંદર સિંહ. આ ત્રણમાંથી કોઈ એક મહારાષ્ટ્રના રાજ્યપાલપદે ભગત સિંહ કોશ્યારીનું સ્થાન લઈ શકે છે એવી ચર્ચા ચાલી રહી છે. 

mumbai news narendra modi eknath shinde