29 January, 2026 11:56 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
આનંદ કે. વ્યાસ
જન્મભૂમિ પત્રોના નવી દિલ્હી ન્યુઝ બ્યુરોના વડા આનંદ કે. વ્યાસની પ્રાર્થનાસભા શુક્રવાર, ૩૦ જાન્યુઆરી ૨૦૨૬ના રોજ મુંબઈ ખાતે સાંજે પાંચથી સાત વાગ્યા દરમિયાન શ્રી મુંબઈ પાટીદાર સમાજ, ૬, ફ્રેન્ચ બ્રિજ, મફતલાલ બાગ, મુંબઈ-૭ ખાતે તેમના પરિવાર દ્વારા રાખવામાં આવી છે.
આનંદ કે. વ્યાસનું ગયા શુક્રવારે મોડી રાતે હૃદયરોગના તીવ્ર હુમલાથી અવસાન થયું હતું. તેઓ ૫૬ વર્ષના હતા. જન્મભૂમિ અખબાર જૂથના મૅનેજિંગ એડિટર કુન્દનભાઈ વ્યાસના વચલા પુત્ર આનંદભાઈ ૨૦૦૦ના વર્ષથી નવી દિલ્હીના બ્યુરોમાં કાર્યરત હતા. એ દરમ્યાન તેઓ નિયમિત સંસદની કાર્યવાહીનું રિપોર્ટિંગ કરવા ઉપરાંત દેશના રાજકારણમાં થતી ઊથલપાથલ અને ઘટનાઓના અહેવાલ સાથે સાંપ્રત સ્થિતિનું સચોટ વિશ્લેષણ કરવા માટે જાણીતા હતા. LLB થયેલા આનંદભાઈએ પત્રકારત્વમાં આવ્યા એ પહેલાં પાંચ વર્ષ સિનિયર ઍડ્વોકેટ તરીકે નવી દિલ્હીમાં પ્રૅક્ટિસ કરી હતી. સૌરાષ્ટ્ર ટ્રસ્ટના તત્કાલીન મૅનેજિંગ ટ્રસ્ટીના આગ્રહથી તેઓ નવી દિલ્હીના ન્યુઝ બ્યુરોમાં જોડાયા હતા. મિલનસાર આનંદભાઈ સ્વસ્થ હતા. શુક્રવારે રાત્રે અચાનક આવેલા હૃદયરોગના હુમલાને પગલે તેમનું અવસાન થયું હતું. તેમના નિધનથી પત્રકારજગતને મોટી ખોટ પડી છે.