મહારાષ્ટ્રની કૅબિનેટમાં ગુજરાતીઓનું હવે પ્રતિનિધિત્વ કરશે યોગેશ સાગર

17 June, 2019 11:42 AM IST  |  મુંબઈ | પ્રકાશ બાંભરોલિયા

મહારાષ્ટ્રની કૅબિનેટમાં ગુજરાતીઓનું હવે પ્રતિનિધિત્વ કરશે યોગેશ સાગર

યોગેશ સાગર

રવિવારે મહારાષ્ટ્રના પ્રધાનમંડળમાં ૧૩ નવા પ્રધાનોનો સમાવેશ કરવામાં આવ્યો હતો જેમાં કાંદિવલીના ચારકોપના ગુજરાતી વિધાનસભ્ય યોગેશ સાગરે પણ રાજ્યપ્રધાન તરીકે શપથ લીધા હતા. મુંબઈના ૨૦ લાખ જેટલા ગુજરાતીઓની સંખ્યાને ધ્યાનમાં રાખીને બીજેપીએ ઘાટકોપરના વિધાનસભ્ય પ્રકાશ મહેતાને કૅબિનેટ પ્રધાન બનાવ્યા હતા, પરંતુ તેમની સામે ભ્રષ્ટાચારની તપાસ ચાલી રહી હોવાથી તેમને દૂર કરવામાં આવ્યા છે. શહેરમાં ગુજરાતીઓનું પ્રધાનમંડળમાં પ્રતિનિધિત્વ કાયમ રહે એ માટે યોગેશ સાગરને પ્રધાનમંડળમાં સામેલ કરવામાં આવ્યા હોવાનું મનાય છે. જોકે ૨૦૧૧થી ૨૦૧૩ દરમ્યાન સતત ત્રણ વખત બેસ્ટ એમએલએનો અવૉર્ડ મેળવનારા ચારકોપના આ વિધાનસભ્યની કામગીરીથી પણ તેમને પ્રધાનપદ અપાયું હોવાનું કહી શકાય.

૧૦૮ વર્ષથી પરિવાર મુંબઈમાં

પરજિયા સોની જ્ઞાતિના યોગેશ સાગરનું મૂળ વતન ભાવનગર જિલ્લાનું ગામ, પણ તેમનો પરિવાર ૧૦૮ વર્ષથી મુંબઈમાં રહે છે. એ વિશે તેમણે ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘સોનીનો વ્યવસાય કરવા માટે અમારા વડીલો આજથી એક સદી પહેલાં મુંબઈ આવી ગયેલા. હું ૧૯૮૯થી કામધંધા સાથે રાજકારણમાં સક્રિય છું.’

કારર્કિદી

૧૯૮૯માં રામ નાઈક પહેલી વખત લોકસભાની ચૂંટણી લડ્યા ત્યારે યોગેશ સાગર કાર્યકર તરીકે બીજેપીમાં જોડાયા હતા. ૨૦૦૦માં મુંબઈ મહાનગરપાલિકાની પેટાચૂંટણીમાં વિજયી થઈને તેઓ નગરસેવક બન્યા. તેઓ સતત ત્રણ વખત નગરસેવક બન્યા. એ સમયે તેમને સ્વચ્છતા માટે મેયરનો બેસ્ટ નગરસેવકનો અવૉર્ડ મળેલો. ૨૦૦૯માં પહેલી વખત ચારકોપ વિધાનસભામાં ચૂંટાઈને તેઓ વિધાનસભ્ય બન્યા હતા.

૨૩ ગામમાં જળયુક્ત શિવારનું કામ

મહારાષ્ટ્રના સાતારા, સાંગલી અને અકોલા જિલ્લાનાં કુલ ૨૩ ગામમાં જલયુક્ત શિવારની સરકારની યોજના લોકોના સહયોગથી ચલાવવા બદલ તેમને ૨૦૧૧થી ૨૦૧૩ સુધી સતત ત્રણ વખત પ્રજા ફાઉન્ડેશનનો બેસ્ટ વિધાનસભ્યનો અવૉર્ડ મળ્યો હતો.

આ પણ વાંચો : એક રાજકીય ક્ષેત્રના વરિષ્ઠ નેતાના દીકરા હોવું એટલે શું?

વિધાનસભાની ચૂંટણીને ચારેક મહિના બાકી છે ત્યારે યોગેશ સાગરને પ્રધાનપદ મળતાં આગામી સરકારમાં તેમને કૅબિનેટ પ્રધાનપદ મળવાની શક્યતા નકારી ન શકાય.

રાજભવનમાં ગઈ કાલે પ્રધાન તરીકે શપથ લઈ રહેલા યોગેશ સાગર. તસવીર : બિપિન કોકાટે

mumbai mumbai news