Prabha Atre No More: શાસ્ત્રીય ગાયિકા પ્રભા અત્રેએ લીધા અંતિમ શ્વાસ, મુંબઈના કાર્યક્રમ પહેલા જ વસમી વિદાય

13 January, 2024 01:54 PM IST  |  Mumbai | Gujarati Mid-day Online Correspondent

Prabha Atre No More: પીઢ ગાયિકા પ્રભા અત્રેનું આજે સવારે નિધન થયું છે. તેમણે 92 વર્ષની વયે અંતિમ શ્વાસ લીધા હતા.

પ્રભા અત્રેની ફાઇલ તસવીર

Prabha Atre No More: મ્યુઝિક ઈન્ડસ્ટ્રીમાંથી આજે દુખદ સમાચાર સામે આવી રહ્યા છે. પીઢ ગાયિકા પ્રભા અત્રેનું આજે સવારે નિધન થયું છે. તેમણે 92 વર્ષની વયે અંતિમ શ્વાસ લીધા હતા. પ્રાપ્ત માહિતી અનુસાર હૃદયરોગના હુમલાને કારણે તેમનું મૃત્યુ થયું છે. હાર્ટ એટેક આવ્યા બાદ તેમને પુણેની દીનાનાથ મંગેશકર હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા. પરંતુ હોસ્પિટલ પહોંચે તે પહેલા જ તેઓએ મોતને વ્હાલું કર્યું હતું. 

પીડા થતાં જ તેઓને તાત્કાલિક નજીકની હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા. જ્યાં સવારે 5.30 વાગ્યે તેને મૃત (Prabha Atre No More) જાહેર કરવામાં આવ્યા હતા. સૂત્રોના જણાવ્યા અનુસાર પ્રભા અત્રેના પરિવારના કેટલાક નજીકના સભ્યો વિદેશમાં રહે છે. તેના પરિવારના સભ્યોના આગમન બાદ ગાયિકાના અંતિમ સંસ્કાર (Prabha Atre No More) કરવામાં આવશે.

જોકે, એવા પણ સમાચાર છે કે મુંબઈમાં તેમનો એક કાર્યક્રમ હતો. પરંતુ તેઓ આ કાર્યક્રમમાં ભાગ લે તે પહેલા જ હાર્ટ એટેકને કારણે દુનિયાને અલવિદા (Prabha Atre No More) કહી ચૂક્યા છે. 

પ્રભા અત્રેને 3 પદ્મ પુરસ્કારોથી સન્માનિત કરવામાં આવ્યા હતા.

કહેવાય છે કે બાળપણથી જ તેઓને સંગીતનો શોખ હતો. તેમને વર્ષ 1990માં પદ્મશ્રી, વર્ષ 2002માં પદ્મ ભૂષણ અને વર્ષ 2022માં પદ્મ વિભૂષણથી નવાજવામાં આવ્યા હતા. તેમની કારકિર્દીના શરૂઆતના દિવસોમાં એક સિંગિંગ સ્ટેજ-એક્ટ્રેસ તરીકે કામ કર્યું હતું. તેમણે મરાઠી થિયેટર ક્લાસિકમાં પણ ભૂમિકાઓ ભજવી હતી, જેમાં સન્યાસ-કલ્લોલ, મનપામન, સૌભદ્ર અને વિદ્યાહરણ જેવા સંગીત નાટકોનો સમાવેશ થાય છે.

1991માં તેમને સંગીત નાટક અકાદમી પુરસ્કારથી નવાજવામાં આવ્યા હતા. આ સિવાય તેમને રાષ્ટ્રીય કાલિદાસ સન્માન, ટાગોર એકેડેમી રત્ન એવોર્ડ, દીનાનાથ મંગેશકર એવોર્ડ, હાફિઝ અલી ખાન જેવા પુરસ્કારોથી પણ સન્માનિત કરવામાં આવ્યા હતા.

બહુમુખી પ્રતિભાથી સમૃદ્ધ એવા પ્રભા અત્રેનો જન્મ 13 સપ્ટેમ્બર 1932ના રોજ થયો હતો. શાસ્ત્રીય ગાયિકા સાથે જ તેઓ એક ઉત્તમ વિદ્વાન, સંશોધક, સંગીતકાર અને લેખક પણ હતા. વિજ્ઞાન અને કાયદામાં સ્નાતક થયેલા અત્રેએ સંગીતમાં ડોક્ટરેટની પદવી મેળવી હતી. 

પ્રભા અત્રેના નામે તો આટલા વર્લ્ડ રેકોર્ડ છે

એક જ તબક્કામાં 11 પુસ્તકો બહાર પાડવાનો વિશ્વ રેકોર્ડ પ્રભા અત્રેના નામે બોલાય છે. તેમણે 18 એપ્રિલ 2016ના રોજ નવી દિલ્હીમાં ઈન્ડિયા હેબિટેટ સેન્ટર ખાતે સંગીત પર લખેલા 11 હિન્દી અને અંગ્રેજી ભાષાના પુસ્તકો લોન્ચ કર્યા હતા. 

પ્રભા અત્રેએ ભારતીય શાસ્ત્રીય ગાયક સંગીતને વિશ્વભરમાં લોકપ્રિય બનાવવામાં વિશેષ યોગદાન આપ્યું હતું. ખયાલ, ઠુમરી, દાદરા, ગઝલ, ગીત, નાટ્યસંગીત અને ભજન જેવી ઘણી સંગીત શૈલીઓમાં તે નિપુણ હતાં. પ્રભા અત્રેએ ગુરુ-શિષ્ય પરંપરામાં સંગીતની તાલીમ લીધી હતી. તેઓ કિરાણા ઘરાનાના સુરેશબાબુ માને અને હીરાબાઈ બરોદકર પાસેથી શાસ્ત્રીય સંગીત શીખ્યા હતાં.

mumbai news mumbai pune indian classical music indian music celebrity death