07 August, 2025 12:05 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
એકનાથ શિંદે, દેવેન્દ્ર ફડણવીસ
બૃહન્મુંબઈ ઇલેક્ટ્રિક સપ્લાય ઍન્ડ ટ્રાન્સપોર્ટ (BEST)ના જનરલ મૅનેજરપદેથી મંગળવારે એસ. વી. આર. શ્રીનિવાસ રિટાયર થયા હતા. ત્યાર બાદ આ પદનો ચાર્જ બે લોકોને સોંપાયો હતો. મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસની અધ્યક્ષતા હેઠળના જનરલ ઍડ્મિનિસ્ટ્રેશન ડિપાર્ટમેન્ટે GST કમિશનર આશિષ શર્માને પદભાર સોંપ્યો હતો, જ્યારે નાયબ મુખ્ય પ્રધાન એકનાથ શિંદેના અર્બન ડેવલપમેન્ટ ડિપાર્ટમેન્ટે મુંબઈના ઍડિશનલ કમિશનર અશ્વિની જોશીને આ પદભાર સોંપ્યો હતો.
વિરોધ પક્ષ આ વાત પર ફડણવીસ અને શિંદેની યુતિમાં તિરાડ હોવાના દાવા કરવા લાગ્યો હતો. કૉન્ગ્રેસના રાજ્યાધ્યક્ષ હર્ષવર્ધન સપકાળે સોશ્યલ મીડિયા પર લખ્યું હતું કે ‘૧ પોસ્ટ, બે ઑર્ડર, ૨ લીડર, ડબલ એન્જિન સરકારની આ ડબલ ગૅન્ગવૉર છે.’
શરદ પવારની રાષ્ટ્રવાદી કૉન્ગ્રેસના નેતા રોહિત પવારે પોસ્ટમાં જણાવ્યું હતું કે ‘બેસ્ટના જનરલ મૅનેજરની પોસ્ટ ખાલી થઈ કે તરત જ મુખ્ય પ્રધાન અને નાયબ મુખ્ય પ્રધાને પોતાના માણસોને ગોઠવવાનું શરૂ કરી દીધું.’
એક સરકારી અધિકારીએ આ બાબતે સ્પષ્ટતા કરી હતી કે ઑલ ઇન્ડિયા સર્વિસિસને સંબંધિત બાબત હોય તો બિઝનેસના નિયમ પ્રમાણે મુખ્ય પ્રધાનનો નિર્ણય આખરી ગણાય એટલે અર્બન ડેવલપમેન્ટ ડિપાર્ટમેન્ટનો આદેશ માન્ય રાખવામાં આવશે નહીં.