13 December, 2025 08:21 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
ફાઇલ તસવીર
સ્ટેટ ઇલેક્શન કમિશન (SEC)એ બૃહન્મુંબઈ મ્યુનિસિપલ કૉર્પોરેશન (BMC)ની ચૂંટણી માટે શહેરની હાઉસિંગ સોસાયટીઓમાં પોલિંગ-બૂથ ગોઠવવાની મંજૂરી આપી છે. લગભગ ૮૫૦ જેટલાં બૂથ હાઉસિંગ સોસાયટીઓ અને રેસિડેન્શિયલ કૉમ્પ્લેક્સમાં ઊભાં કરવામાં આવે એવો અંદાજ છે.
SECએ અગાઉ આ માટે મંજૂરી નહોતી આપી. BMCના અધિકારીઓ સાથે વાતચીત કરીને SEC આ માટેનો આદેશ બહાર પાડશે. આ નિર્ણયનો સૌથી મુખ્ય હેતુ હાઉસિંગ સોસાયટીઓમાં મતદાનની ટકાવારી વધારવાનો છે. અત્યાર સુધીનાં મોટા ભાગનાં ઇલેક્શન્સમાં મુંબઈમાં મતદાનની ટકાવારી મહારાષ્ટ્રના અન્ય વિસ્તારો કરતાં ઓછી રહે છે.
નવેમ્બર ૨૦૨૪માં યોજાયેલી મહારાષ્ટ્ર વિધાનસભાની ચૂંટણીમાં મુંબઈમાં ૫૪.૮ ટકા વોટિંગ થયું હતું, જે પાછલાં ૩૦ વર્ષનાં ઇતિહાસમાં હાઇએસ્ટ હતું. વિધાનસભાના ઇલેક્શનમાં ૬૫૦ જેટલી સોસાયટીઓમાં પોલિંગ-બૂથને મંજૂરી આપવામાં આવી હતી અને એ નિર્ણયને મતદાનની ટકાવારીમાં થયેલા વધારા માટે કારણભૂત ગણવામાં આવે છે. એ પછી લોકસભાની ચૂંટણીમાં પણ હાઉસિંગ સોસાયટીઓમાં પોલિંગ-બૂથ ગોઠવવામાં આવ્યાં હતાં.