રાજકારણમાં ગરમાટો લાવી દીધો એક બર્થ-ડે પાર્ટીએ

31 March, 2026 07:13 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

BJPના નેતા માહિત કંબોજની દીકરીના જન્મદિવસના જલસામાં શિવસેના (UBT)ના આદિત્ય ઠાકરેની ઉપસ્થિતિને પગલે અટકળોનું બજાર ગરમ : પાર્ટીમાં રાજ ઠાકરે પણ હતા, પરંતુ ઉદ્ધવસેના સાથેના મોહિત કંબોજના ભૂતકાળના કટ્ટર વેરને કારણે મામલો વધુ ગાજી રહ્યો છે

મોહિત કંબોજની પાર્ટીમાં રાજ ઠાકરે અને આદિત્ય ઠાકરે.

હાલની રાજકીય ચર્ચા ભારતીય જનતા પાર્ટી (BJP)ના મોહિત કંબોજ અને આદિત્ય ઠાકરેની મુલાકાતને લઈને છે. શનિવારે મોહિત કંબોજે તેમની દીકરીના જન્મદિવસ માટે એક પાર્ટીનું આયોજન કર્યું હતું. મોહિત કંબોજે જન્મદિવસ માટે ઘણા રાજકીય નેતાઓ, સેલિબ્રિટીઝ અને ઉદ્યોગપતિઓને આમંત્રણ આપ્યું હતું. જોકે આદિત્ય ઠાકરેનું નામ આમંત્રિતોમાં હોવાથી અને આદિત્ય ઠાકરે જન્મદિવસ માટે મોહિત કંબોજના ઘરે પહોંચ્યા પછી ઘણા લોકોએ આશ્ચર્ય વ્યક્ત કર્યું હતું. મોહિત કંબોજે મહા વિકાસ આઘાડી સરકાર દરમ્યાન ઘણા આરોપ લગાવ્યા હતા. શું મોહિત કંબોજ અને શિવસેના (UBT) વચ્ચેના સંઘર્ષનો અંત આવ્યો છે કે આ પ્રસંગે રાજકીય દુશ્મનાવટનો અંત આવ્યો છે એવા સવાલ ઊભા થઈ રહ્યા છે. બન્ને વચ્ચેનો આ સંઘર્ષ જોકે શિવસેનાનું વિભાજન થયું એ પહેલાંથી છે.

હકીકતમાં એકબીજા પરના આરોપ અને માતોશ્રીની બહાર થયેલી બોલાચાલીને વર્ષો વીતી ગયાં છે. જોકે કાર્યકરો મોહિત કંબોજ અને શિવસેના (UBT) વચ્ચેના સંઘર્ષને ભૂલી શક્યા નથી. હવે મોહિત કંબોજની દીકરીના જન્મદિનની પાર્ટીમાં આદિત્ય ઠાકરેની હાજરી ચર્ચાનો વિષય બની છે, કારણ કે મોહિત કંબોજ અને શિવસેના (UBT)ના નેતાઓ વચ્ચે ઘણા આરોપ હતા. શિવસેનામાં ભાગલા પડ્યા ત્યારે પણ મોહિત કંબોજ એકનાથ શિંદેની શિવસેના સાથે જોવા મળતા હતા. હવે આ બધી રાજકીય દુશ્મનાવટ પછી, આ બધું ભૂલીને, આદિત્ય ઠાકરેએ મોહિત કંબોજની દીકરીના જન્મદિનની પાર્ટીમાં હાજરી આપી હતી.

મોહિત કંબોજની દીકરીના જન્મદિનની પાર્ટીમાં ફક્ત આદિત્ય ઠાકરે જ હાજર નહોતા, શિવસેના(UBT)ના વિધાનસભ્ય મિલિંદ નાર્વેકર પણ હાજર હતા. તેમની સાથે મહારાષ્ટ્ર નવ નિર્માણ સેના (MNS)ના પ્રમુખ રાજ ઠાકરે, મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસ, આશિષ શેલાર, અમીત સાટમ, સુપ્રિયા સુળે, શ્રીકાંત શિંદે, રિતેશ દેશમુખ, રણવીર સિંહ, સંજય દત્ત, શાહરુખ ખાન અને અનંત અંબાણી જેવી હસ્તીઓ પણ આ જન્મદિનની પાર્ટીમાં હાજર હતાં. જોકે આ બધા હાજર લોકો વચ્ચે ફક્ત આદિત્ય ઠાકરેની ચર્ચા થઈ હતી.

આદિત્ય ઠાકરેની હાજરી વિશે અનેક અર્થઘટન થઈ રહ્યાં છે. સોશ્યલ મીડિયા પર તેમને ટ્રોલિંગનો સામનો કરવો પડી રહ્યો છે અને સવાલ થઈ રહ્યો છે કે શિવસેના(UBT)શું BJPના નેતાઓની નજીક આવી રહી છે. જ્યારે એકનાથ શિંદેની શિવસેના BJPથી નારાજ છે કે શું એ વિશે પણ ચર્ચા થઈ રહી છે.

mumbai news mumbai bhartiya janta party bjp bharatiya janata party aaditya thackeray raj thackeray uddhav thackeray political news maharashtra political crisis