શ્રીકાંત શિંદેના માથા પર લખ્યું છે મેરા બાપ ગદ્દાર હૈ

10 May, 2024 07:13 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

ઉદ્વવ ઠાકરે ગ્રુપનાં નેતા પ્રિયંકા ચતુર્વેદીના વિવાદાસ્પદ નિવેદનને પગલે મહારાષ્ટ્રમાં રાજકીય તોફાન

ગઈ કાલે ઘાટકોપરની ચૂંટણીસભામાં પ્રિયંકા ચતુર્વેદી.

એની સામે શિવસેનામાં હમણાં જ જોડાયેલા સંજય નિરુપમનો પલટવાર : આદિત્ય ઠાકરેના માથા પર લખવું જોઈતું હતું કે મારો બાપ મહા ગદ્દાર છે

શિવસેના (ઉદ્ધવ બાળાસાહેબ ઠાકરે-UBT)નાં રાજ્યસભાનાં સંસદસભ્ય પ્રિયંકા ચતુર્વેદીએ બુધવારે સાંજે ઘાટકોપરમાં મુખ્ય પ્રધાન એકનાથ શિંદેના પુત્ર અને કલ્યાણ લોકસભા મતદારસંઘના શિવસેનાના ઉમેદવાર શ્રીકાંત શિંદે વિશે આપેલા વિવાદાસ્પદ નિવેદનને કારણે મહારાષ્ટ્રના રાજકારણમાં તોફાન મચી ગયું છે. આ મુદ્દે હવે મહારાષ્ટ્રમાં વિવિધ રાજકીય નેતાઓ નિવેદનો આપી રહ્યા છે.

મુંબઈ નૉર્થ ઈસ્ટ બેઠકના શિવસેના-UBTના ઉમેદવાર સંજય દિના પાટીલની પ્રચારરૅલીમાં પ્રિયંકા ચતુર્વેદીએ મુખ્ય પ્રધાન એકનાથ શિંદેના પુત્ર શ્રીકાંત શિંદે પર વિવાદાસ્પદ નિવેદન કર્યું હતું. તેમણે ચૂંટણીસભામાં કહ્યું હતું કે ‘૧૯૭૫માં એક ફિલ્મ આવી હતી, ‘દીવાર’. એમાં અમિતાભ બચ્ચનના હાથ પર લખેલું હતું કે મેરા બાપ ચોર હે. શ્રીકાંત શિંદેના માથા પર લખ્યું છે મેરા બાપ ગદ્દાર હૈ. એકનાથ શિંદે કોણ છે? એક ગદ્દાર, આ અવાજ થાણે સુધી પહોંચવો જોઈએ.’

આ મુદ્દે કૉન્ગ્રેસ છોડીને શિવસેના શિંદે જૂથમાં સામેલ થયેલા સંજય નિરુપમે કહ્યું હતું કે ‘શિવસેના-UBTની મહિલા સંસદસભ્યએ મુખ્ય પ્રધાન એકનાથ શિંદેના સુપુત્ર અને કલ્યાણ લોકસભા મતદારસંઘના ઉમેદવાર શ્રીકાંત શિંદે પર બેહદ અભદ્ર ટિપ્પણી કરી છે. તેમણે કહ્યું છે કે શ્રીકાંતના માથા પર લખ્યું છે કે મારો બાપ ગદ્દાર છે. જો તેમને પોતાના નિવેદન પર શબ્દશ: વિશ્વાસ છે તો આદિત્ય ઠાકરેના માથા પર લખવામાં આવવું જોઈતું હતું કે મારો બાપ મહા ગદ્દાર છે. શા માટે? કારણ કે ગદ્દારી તો તેમના પિતા ઉદ્ધવ ઠાકરેએ કરી હતી. ભારતીય  જનતા પાર્ટી (BJP) સાથેની યુતિ તોડીને. મહા ગદ્દારી તો તેમના પિતાજીએ કરી હતી બાળાસાહેબના વિચારોને તિલાંજલિ આપીને. બાળાસાહેબ આજીવન કૉન્ગ્રેસના વિરોધક રહ્યા હતા અને ઉદ્ધવે કૉન્ગ્રેસની સાથે હાથ મિલાવ્યા હતા. આ મહા ગદ્દારીની વાત પર ઉદ્ધવ બાળાસાહેબ ઠાકરેને કેમ સાપ સૂંઘી જાય છે?’

mumbai news mumbai shiv sena uddhav thackeray eknath shinde Lok Sabha Election 2024