23 August, 2026 07:55 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
શુક્રવારે છત્રપતિ સંભાજીનગરમાં એક ટીનેજરે ડુંગર પરથી ઝંપલાવીને જીવન ટૂંકાવ્યું હતું અને તેને બચાવવા જતાં તેના પિતા નીચે પટકાયા બાદ મમ્મીએ પણ નીચે ઝંપલાવીને મોત વહાલું કર્યું
શુક્રવારે છત્રપતિ સંભાજીનગરમાં એક ટીનેજરે ડુંગર પરથી ઝંપલાવીને જીવન ટૂંકાવ્યું હતું અને તેને બચાવવા જતાં તેના પિતા નીચે પટકાયા બાદ મમ્મીએ પણ નીચે ઝંપલાવીને મોત વહાલું કર્યું એ ઘટનાની ચર્ચા ચોમેર છે. જોકે ફક્ત આઇફોન 15 પ્રો ન અપાવવાને કારણે ટીનેજર કુણાલ ચાંદવડેએ આત્મહત્યા કરી હોવાનું માની ન શકાય એવું પોલીસ ખાતાનું માનવું છે.
છત્રપતિ સંભાજીનગરના ડેપ્યુટી કમિશનર ઑફ પોલીસ (DCP) રત્નાકર નવલેએ જણાવ્યું હતું કે ‘આ મામલાની તપાસ હજી પ્રાથમિક તબક્કામાં છે એટલે ફક્ત આઇફોનની જીદના કારણે ટીનેજરે આ પગલું ભર્યું હોવાની વાત માની ન શકાય. એક બાજુ એવી વિગતો પણ સામે આવે છે કે તેણે આઇફોન લઈ લીધો હતો અને એના હપ્તા ભરવાના મુદ્દે ઘરમાં કંકાસ થયો હતો. પોલીસ-અધિકારીઓ આત્મહત્યા કરવાનું કારણ શું હતું એ જાણવાનો પ્રયાસ કરી રહ્યા છે. ટીનેજર ખરેખર હતાશામાં હતો એ વાત સ્પષ્ટ છે અને કોઈ બાબતે તેનો તેની મમ્મી અથવા તો પપ્પા સાથે ઝઘડો થયો હોવાનું તપાસમાં જણાયું છે. જોકે એ કારણ ખરેખર શું હતું એ હજી સ્પષ્ટ નથી.’
DCP રત્નાકર નવલેએ વધુમાં જણાવ્યું હતું કે ‘દુર્ભાગ્યપણે આ ઘટના પાછળનું કારણ જાણવા કે પછી કુણાલ શા માટે હતાશામાં સરી પડ્યો હતો એ જણાવવા માટે કુટુંબનો કોઈ પણ સભ્ય જીવતો નથી એટલા માટે તપાસમાં વિલંબ થઈ રહ્યો છે. જોકે પ્રાથમિક તપાસમાં હજી સુધી આઇફોન ન અપાવવાને કારણે આખી ઘટના બની હોવાનું સ્પષ્ટ થયું નથી. આ મામલે આગળ તપાસ ચાલી રહી છે. હજી ઘટનાને ૨૪ કલાક જ થયા હોવાથી કોઈ પણ કારણ સ્પષ્ટ કરવું મુશ્કેલ છે.’
મમ્મીનો તો લાડકવાયો, પછી કેમ લગાવી મોતની છલાંગ?
કુણાલનો મમ્મી-પપ્પા સાથે કોઈ બાબતે ઝઘડો થયો હોવાથી હતાશામાં તેણે આ પગલું લીધું હોવાની શક્યતા પોલીસ ચકાસી રહી છે. આ દરમ્યાન કુણાલ અને તેની મમ્મી સંગીતા વચ્ચે ખૂબ જ સુમેળભર્યા સંબંધો હતા એવું પુરવાર કરતા વિડિયો સામે આવ્યા છે. એક વિડિયોમાં તે પોતાની મમ્મી સંગીતાના પગ ધોઈને પૂજા કરતો હોવાનું દેખાય છે.
કુણાલનો ડૉગી એકલો પડ્યો, ખાવા-પીવાનું પણ છોડી દીધું
કુટુંબના ત્રણેય સભ્યોનાં ડુંગર પરથી નીચે પટકાતાં મૃત્યુ થવાની ઘટનાને પગલે આખા ગામમાં માતમનો માહોલ છે ત્યારે તેમના ઘરમાં પાળેલા ડૉગીની સ્થિતિ સૌથી વધુ દયનીય છે. પોતાના સ્વજનોની ગેરહાજરીથી અકળાયેલા અને ઘરમાં પુરાયેલા ડૉગીને સ્થાનિક લોકોએ ખાવા-પીવાનું આપવાનો પ્રયાસ પણ કર્યો હતો. જોકે એ સતત ભસીને એની ફૅમિલીની રાહ જોઈ રહ્યો છે અને કંઈ પણ ખાતો-પીતો નથી. પાડોશીઓએ જણાવ્યા અનુસાર તે શુક્રવારથી સતત ભસી રહ્યો છે અને સૂતો પણ નથી.