ઇલેક્શનની ડ્યુટી પર ખડેપગે હાજર રહેનાર પોલીસફોર્સને રોજનું માત્ર ૫૦૦ રૂપિયા ભથ્થું મળ્યું

22 January, 2026 07:18 AM IST  |  Mumbai | Shirish Vaktania, Samiullah Khan

પટાવાળાને ૧૫૦૦ રૂપિયા, પોલીસોએ આને અપમાનજનક ગણાવીને આંદોલનની તૈયારી બતાવી

મહારાષ્ટ્ર પોલીસ બૉય્ઝ અસોસિએશનના ચૅરમૅન અર્જુન દુબાળે.

ચૂંટણી દરમ્યાન ખડેપગે ફરજ પર હાજર રહીને સુવ્યવસ્થા જાળવનાર પોલીસફોર્સને આટલી મહત્ત્વની જવાબદારી નિભાવવા બદલ રોજનું માત્ર ૫૦૦ રૂપિયાનું વધારાનું ભથ્થું મળ્યું છે. આ વાતથી નારાજ મહારાષ્ટ્ર પોલીસ બૉય્ઝ અસોસિએશને સ્ટેટ ઇલેક્શન કમિશન (SEC) પર આકરા પ્રહારો કર્યા છે. તેમણે ઇલેક્શનની ડ્યુટીના ભથ્થાને અપમાનજનક ગણાવ્યું છે અને જો આ મુદ્દાનો તાત્કાલિક ઉકેલ નહીં આવે તો મુંબઈમાં મોટા પાયે વિરોધ-પ્રદર્શન કરવાની તૈયારી બતાવી છે.

૧૬ જાન્યુઆરીએ અસોસિએશનના સ્થાપક અને અધ્યક્ષ રાહુલ દુબાળે દ્વારા દાવો કરવામાં આવ્યો હતો કે ઇલેક્શનની ડ્યુટી માટે તહેનાત પોલીસ-અધિકારીઓ અને કર્મચારીઓને માત્ર ૫૦૦ રૂપિયા ચૂકવવામાં આવ્યા હતા, જ્યારે અન્ય સરકારી વિભાગોના કર્મચારીઓને આના કરતાં ત્રણથી દસગણું વધારે ભથ્થું મળ્યું હતું.

રાહુલ દુબાળેએ કહ્યું હતું કે ‘આ અમારી સાથે અન્યાય જ નહીં, અપમાનજનક છે. પોતાનો જીવ જોખમમાં મૂકતા પોલીસ-કર્મચારીઓનું મૂલ્ય ફક્ત ૫૦૦ રૂપિયા છે.’ રાહુલ દુબાળેએ ઓછામાં ઓછું ૫૦૦૦ રૂપિયા ભથ્થું મળવું જોઈએ એવી માગણી કરી છે.

આચારસંહિતા લાગુ થાય ત્યારથી નેતાઓ જીતની ઉજવણી કરે ત્યાં સુધી બૂથ સિક્યૉરિટી, ભીડનું નિયંત્રણ, ઇલેક્ટ્રૉનિક વોટિંગ મશીન (EVM)ની સુરક્ષા અને શહેરમાં વ્યવસ્થા જાળવવાની જવાબદારી પૂરી કરવા માટે પોલીસો ઘણી વાર ૩૬થી ૪૮ કલાક સતત ફરજ પર હાજર રહે છે, એવું રાહુલ દુબાળેએ ચૂંટણીપંચને લખેલા પત્રમાં જણાવ્યું હતું.

રાહુલ દુબાળેએ ‘મિડ-ડે’ને જણાવ્યું હતું કે ‘જનસંપર્ક અધિકારીઓને ૨૦૦૦ રૂપિયા પગાર મળે છે, પટાવાળાઓને ૧૫૦૦ રૂપિયા પગાર મળે છે અને કેટલાક કિસ્સાઓમાં ચૂંટણીભથ્થું ૨૫૦૦થી ૫૦૦૦ રૂપિયાની વચ્ચે આપવામાં આવે છે, જ્યારે સુરક્ષાની પ્રાથમિક જવાબદારી નિભાવતા પોલીસ-કર્મચારીઓને માત્ર ૫૦૦ રૂપિયા મળે છે.’

રાજ્યભરમાં ૨.૫ લાખથી વધુ પોલીસ-કર્મચારીઓ અને તેમના પરિવારના સભ્યો આ અસોસિએશન સાથે જોડાયેલા છે. અસોસિએશને સ્પષ્ટ અલ્ટિમેટમ આપીને SECને બે દિવસમાં નિર્ણય લેવા કહ્યું છે અને જો તેમની માગણી પૂરી નહીં થાય તો મોટા પાયે આંદોલન કરવાની ચેતવણી આપી છે. મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન અને ગૃહપ્રધાનને પણ આ બાબતે પત્ર મોકલવામાં આવ્યો છે.

સોમવારથી પ્રતીકાત્મક આંદોલનની તૈયારી
પોલીસોનું આંદોલન પ્રતીકાત્મક રહેશે. મોટા ભાગે સોમવારથી પોલીસના હજારો જવાનો SECની ઑફિસની બહાર ગુલાબ લઈને પહોંચશે અને દરેક અધિકારીને ગુલાબ આપીને તેમની માગણી અને પોલીસને મળવા જોઈતા સન્માનની યાદ કરાવશે.

શું કહે છે SEC અને પોલીસ-કમિશનર?
રાજ્યના ચૂંટણી-કમિશનર દિનેશ વાઘમારેએ ‘મિડ-ડે’ને જણાવ્યું હતું કે ચૂંટણીભથ્થું મ્યુનિસિપલ કૉર્પોરેશન આપે છે. આ વિવાદાસ્પદ પરિસ્થિતિનો જવાબ આપતાં પોલીસ-કમિશનર (કાયદો અને વ્યવસ્થા) મનોજકુમાર શર્માએ ‘મિડ-ડે’ને જણાવ્યું હતું કે ‘આ મામલાની તપાસ કરવામાં આવી રહી છે. અમે ચકાસી રહ્યા છીએ કે સંબંધિત કર્મચારીઓને મુખ્ય ફરજ સોંપવામાં આવી હતી કે પૅરિફેરલ ફરજ. ત્યાર બાદ જ કોઈ ટિપ્પણી કરી શકશે.’

mumbai news mumbai bmc election municipal elections mumbai police maharashtra government election commission of india