ગિરીશ બાપટ ખૂબ વિનમ્ર અને મહેનતુ નેતા હતા : વડા પ્રધાન

30 March, 2023 10:31 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

પુણેની કસબાપેઠ વિધાનસભામાંથી પાંચ વખત વિજયી થયા બાદ ૨૦૧૯માં અહીંના સંસદસભ્ય બનેલા

ગઈ કાલે પુણેમાં અવસાન પામેલા સાંસદ ગિરીશ બાપટને મુખ્ય પ્રધાન એકનાથ શિંદે અને નાયબ મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસે શ્રદ્ધાંજલિ આપી હતી.

બીજેપીના પુણેના ૭૨ વર્ષના સાંસદ ગિરીશ બાપટનું ગઈ કાલે લાંબી બીમારી બાદ હૉસ્પિટલમાં સારવાર દરમ્યાન અવસાન થયું હતું. ગિરીશ બાપટ પુણેની કસબાપેઠ વિધાનસભા બેઠક પરથી પાંચ વખત ચૂંટાઈ આવ્યા બાદ ૨૦૧૯ની લોકસભામાં તેમને ઉમેદવારી સોંપાતાં તેઓ સાંસદ તરીકે ચૂંટાયા હતા. વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ તેમને શ્રદ્ધાંજલિ આપતાં ટ્વીટ કર્યું હતું કે ‘ગિરીશ બાપટ ખૂબ જ વિનમ્ર હોવાની સાથે ખૂબ મહેનત કરનારા હતા. તેમણે પુણેના વિકાસ માટે ખૂબ જ જહેમત ઉઠાવી હતી. તેમનું અવસાન દુ:ખદ છે. તેમના પરિવાર અને સમર્થકોને ભાવભરી શ્રદ્ધાંજલિ. ઓમ શાંતિ’.

સાંસદ ગિરીશ બાપટ પુણેમાં આવેલી દીનાનાથ મંગેશકર હૉસ્પિટલમાં દોઢ વર્ષથી આઇસીયુમાં ઍડ્મિટ હતા. તેમની બંને કિડની કામ કરતી ન હોવાથી તેઓ લાંબા સમયથી ડાયાલિસિસ પર હતા અને બે મહિનાથી તેમને શ્વાસ લેવામાં તકલીફ થતી હતી એટલે વેન્ટિલેટર પર રાખવામાં આવ્યા હતા. ગિરીશ બાપટ જબરદસ્ત જનસમર્થન ધરાવતા નેતા હતા એટલે તેઓ નગરસેવકથી લઈને વિધાનસભ્ય અને સંસદસભ્ય તરીકે સતત ચૂંટાઈ આવ્યા હતા. એનસીપીના સુપ્રીમો શરદ પવારે પણ તેમના અવસાનથી દુ:ખ વ્યક્ત કર્યું છે.

ગિરીશ બાપટના અવસાનના સમાચાર મળ્યા બાદ નાયબ મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસ ચંદ્રપુરમાં અયોધ્યાના રામમંદિર માટેના સાગનાં લાકડાંનું પૂજન અને શોભાયાત્રામાં સામેલ યા બાદ પુણે પહોંચ્યા હતા. તેમણે કહ્યું હતું કે પંદર વર્ષ તેઓ ગિરીશ બાપટ સાથે એમએલએ હૉસ્ટેલમાં રહ્યા હતા. બીજેપી અને પુણેની જનતાએ એક સાચા સેવકને ગુમાવ્યો છે.

૧૦ એપ્રિલે ચૂંટણી સંબંધી સુનાવણી
ગ્રામ પંચાયતથી લઈને મહાનગરપાલિકાઓની ચૂંટણીઓ સંબંધી સુપ્રીમ કોર્ટમાં દાખલ કરવામાં આવેલી અરજીની સુનાવણી ૧૦ એપ્રિલે હાથ ધરવામાં આવશે. રાજ્યમાં અસંખ્ય ગ્રામ પંચાયત, જિલ્લા પંચાયત, નગરપરિષદ, નગરપાલિકા અને મુંબઈ સહિત થાણે મહાનગરપાલિકાઓની ચૂંટણીની મુદત પૂરી થઈ ગઈ હોવા છતાં ચૂંટણી પંચ દ્વારા ચૂંટણીઓની જાહેરાત નથી કરાતી. આથી આ સંબંધે જનહિતની એક અરજી સુપ્રીમ કોર્ટમાં કરવામાં આવી છે. આ અરજી દાખલ થયાને પાંચ મહિના થઈ ગયા છે અને સુનાવણી માટે તારીખ પર તારીખ પડી રહી છે. ગઈ કાલે સુપ્રીમ કોર્ટમાં આ સંબંધે જાહેર કરવામાં આવ્યું હતું કે આગામી સુનાવણી ૧૦ એપ્રિલે હાથ ધરવામાં આવશે.

જિતેન્દ્ર આવ્હાડના ગાર્ડનું મૃત્યુ શંકાસ્પદ?
એનસીપીના વિધાનસભ્ય જિતેન્દ્ર આવ્હાડના બૉડીગાર્ડ વૈભવ કદમે ગઈ કાલે આત્મહત્યા કરી લીધી હોવાનું જાણવા મળ્યું હતું. ઘટનાસ્થળેથી એક સુસાઇડ-નોટ પણ મળી આવી હતી, જેમાં તેણે પત્ની, પુત્રી અને માતા-પિતાની માફી માગી છે. મૃત્યુ પામતાં પહેલાં બૉડીગાર્ડે વૉટ્સઍપ સ્ટેટ્સમાં લખ્યું હતું કે પોલીસ અને મીડિયાને વિનંતી છે કે હું આરોપી નથી. મહાવિકાસ આઘાડી સરકારના સમયમાં તત્કાલીન પ્રધાન જિતેન્દ્ર આવ્હાડના બૉડીગાર્ડ તરીકે કૉન્સ્ટેબલ વૈભવ કદમને નિયુક્ત કરાયો હતો. એન્જિનિયર અનંત કરમુસેની મારપીટ જિતેન્દ્ર આવ્હાડના બંગલામાં કરવામાં આવી હોવાની ફરિયાદ પોલીસમાં નોંધાઈ હતી એમાં વૈભવ કદમને પણ આરોપી બનાવાયો છે. આ મામલામાં બાદમાં વૈભવ કદમે પોલીસના સાક્ષીદાર થવાનો નિર્ણય લીધો હતો. આથી તેનું મૃત્યુ શંકાસ્પદ બની જાય છે એમ બીજેપીના નેતા મોહિત કમ્બોજે કહ્યું હતું. આ મામલામાં એફઆઇઆર નોંધીને તપાસ કરવામાં આવે એવી માગણી તેમણે કરી છે.

mumbai mumbai news maharashtra shiv sena bharatiya janata party pune pune news narendra modi devendra fadnavis eknath shinde