09 October, 2025 07:03 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
ગઈ કાલે નવી મુંબઈ અૅરપોર્ટનું ઉદઘાટન કરતા નરેન્દ્ર મોદી. તસવીર : અતુલ કાંબળે
ભારતની એવિયેશન ઇન્ડસ્ટ્રી માટે અને મુંબઈના ઇન્ફ્રાસ્ટ્રક્ચર પ્રોજેક્ટ્સમાં માઇલસ્ટોન ગણાતા નવી મુંબઈ ઇન્ટરનૅશનલ ઍરપોર્ટના પહેલા ફેઝનું બુધવારે વડા પ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે ઉદ્ઘાટન થયું હતું. નરેન્દ્ર મોદીએ આ પ્રોજેક્ટને એશિયાનું સૌથી મોટું કનેક્ટિવિટી હબ ગણાવ્યું હતું, જે ભારતના વિકાસ અને ટેક્નૉલૉજિકલ ક્ષમતાને દુનિયા સમક્ષ રજૂ કરે છે એમ તેમણે કહ્યું હતું.
બુધવારે બપોરે નવી મુંબઈ ઍરપોર્ટ પહોંચ્યા ત્યારે મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસ, બન્ને નાયબ મુખ્ય પ્રધાનો એકનાથ શિંદે અને અજિત પવારે નરેન્દ્ર મોદીનું સ્વાગત કર્યું હતું. રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે વડા પ્રધાનને આવકાર્યા હતા. પરંપરા અને ટેક્નૉલૉજીના તાલમેલ સાથે ઊભા કરાયેલા સુંદર આર્કિટેક્ચર ધરાવતા ઍરપોર્ટની ડિઝાઇન અને સુવિધાઓની ઝાંખી મેળવ્યા બાદ વડા પ્રધાને નવી મુંબઈ ઇન્ટરનૅશનલ ઍરપોર્ટનું લોકાર્પણ કર્યું હતું. દેશના સૌથી પહેલા ફુલ્લી ડિજિટલ ઍરપોર્ટનું ઉદ્ઘાટન વડા પ્રધાને રિમોટથી બટન દબાવીને ડિજિટલી કર્યું હતું.
મુંબઈ વન ઍપ અને STEP પ્રોગ્રામ્સ પણ વડા પ્રધાને લૉન્ચ કર્યાં
નરેન્દ્ર મોદીએ ઍરપોર્ટના ઉદ્ઘાટન પછી વરલીના આચાર્ય અત્રે ચોકથી કફ પરેડ સુધી ફુલ્લી અન્ડરગ્રાઉન્ડ મેટ્રો 3ના અંતિમ તબક્કાનું ઉદ્ઘાટન કર્યું હતું અને ૧૧ પબ્લિક ટ્રાન્સપોર્ટ ઑપરેટર્સ (PTO) માટે કૉમન મોબિલિટી ઍપ – મુંબઈ વન વર્ચ્યુઅલી લૉન્ચ કરી હતી. શૉર્ટ ટર્મ એમ્પ્લૉયેબિલિટી પ્રોગ્રામ (STEP) આજના યુવાનો માટે ખૂબ જ ઉપયોગી સાબિત થશે અને ભારતનું ભવિષ્ય આ યુવાનો જ છે એમ જણાવતાં નરેન્દ્ર મોદીએ STEP પ્રોગ્રામ્સ લૉન્ચ કર્યા હતા.
૮ NOCને વડા પ્રધાને એક દિવસમાં મંજૂરી આપીઃ દેવેન્દ્ર ફડણવીસ
મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસે તેમનું સંબોધન ભૂમિપુત્રોના હક માટે લડનારા ડી. બી. પાટીલને યાદ કરીને કર્યું હતું. તેમણે કહ્યું હતું કે ‘આ પ્રોજેક્ટનો સૌથી પહેલો વિચાર ૧૯૯૦માં કરવામાં આવ્યો હતો. ત્યાર બાદ દાયકાઓ સુધી નવી મુંબઈ ઍરપોર્ટનો પ્રોજેક્ટ ખોરંભે ચડી ગયો હતો. નરેન્દ્ર મોદીએ ચાર્જ હાથમાં લીધા બાદ ઍરપોર્ટના કામને વેગ મળ્યો છે. ૬ વર્ષથી પેન્ડિંગ ૮ નો ઑબ્જેક્શન સર્ટિફિકેટ (NOC)ને વડા પ્રધાને એક જ દિવસમાં મંજૂરી આપી દીધી હતી.’ નાયબ મુખ્ય પ્રધાન એકનાથ શિંદેએ મહા વિકાસ આઘાડી સરકારને કારણે આવા મહત્ત્વના પ્રોજેક્ટ્સ લંબાઈ ગયા હોવાનો તેમના સંબોધનમાં ઉલ્લેખ કર્યો હતો.