11 June, 2025 10:48 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
રાજ્યના મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસ અને બન્ને નાયબ મુખ્ય પ્રધાન એકનાથ શિંદે અને અજિત પવાર બન્ને આ પ્રસંગે તેમની સાથે હતા
પિંપરી-ચિંચવડ મ્યુનિસિપલ કૉર્પોરેશન ( PCMC)એ ગઈ કાલે બૉમ્બે સ્ટૉક એક્સચેન્જ (BSE)માં લિસ્ટિંગ મેળવીને ગ્રીન બૉન્ડ બહાર પાડ્યાં હતાં અને આમ PCMC હવે BSEમાં લિસ્ટિંગ મેળવનારી દેશની પહેલી સુધરાઈ બની છે. રોકાણકારોએ એમાં રસ લઈ લિસ્ટિંગ કર્યાની એક જ મિનિટમાં ૧૦૦ કરોડ રૂપિયાનું રોકાણ કર્યું હતું અને એ પછી ૫૧૩ કરોડ રૂપિયાની બિડ મળી હતી. રાજ્યના મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસ અને બન્ને નાયબ મુખ્ય પ્રધાન એકનાથ શિંદે અને અજિત પવાર બન્ને આ પ્રસંગે તેમની સાથે હતા. ૧૦૦ કરોડની ધારણા સામે ૫૧૩ કરોડ રૂપિયા ઊભા થયા હતા.
મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસે લિસ્ટિંગની પરંપરાગત પદ્ધતિને અનુસરી શૅરબજારનો ઘંટ વગાડીને લિસ્ટિંગ શરૂ કર્યું હતું. આ પ્રસંગે તેમણે કહ્યું હતું કે ‘PCMCએ બહાર પાડેલાં ગ્રીન બૉન્ડ પાંચ વર્ષની મુદતનાં છે અને એના પર ૭.૫ ટકાનું ક્યુમ્યુલેટિવ ઇન્ટરેસ્ટ આપવામાં આવશે. બૉન્ડ બહાર પાડવાની પ્રક્રિયા બહુ જટિલ હોય છે અને એ માટેના નિયમ-કાયદા પણ બહુ કડક હોય છે છતાં PCMCએ એ સફળતાપૂર્વક પાર પાડી છે. રોકાણકારોએ એમાં વિશ્વાસ દાખવ્યો છે. આ ગ્રીન બૉન્ડ દ્વારા ઊભું કરાયેલું ફન્ડ ઇકો-ફ્રેન્ડલી અને સસ્ટેનેબલ ડેવલપમેન્ટ પ્રોજેક્ટ માટે વાપરવામાં આવશે.’
આ ગ્રીન બૉન્ડ માર્કેટમાં લાવવા કેન્દ્ર સરકારે PCMCને પહેલાં ૨૦ કરોડ રૂપિયાની મદદ કરી હતી.