હવે AC લોકલમાં પણ ઘૂસી જાય છે ફેરિયાઓ

28 April, 2024 11:32 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

રેલવે-પોલીસે આ વિશે ધ્યાન આપીને કાર્યવાહી કરવી જોઈએ

ચર્ચગેટ જતી AC લોકલમાં સામાન વેચી રહેલો ફેરિયો. (પ્રીતિ ખુમાણ ઠાકુર)

ભીષણ ગરમીથી રાહત મળે એટલા માટે પ્રવાસીઓ હાલમાં ઍર-કન્ડિશન્ડ (AC) લોકલની પસંદગી વધુ કરવા લાગ્યા છે એટલે વેસ્ટર્ન રેલવેની AC લોકલમાં પ્રવાસીઓની સંખ્યામાં વધારો થયો છે. જોકે સામાન્ય લોકલમાં જેમ ફેરિયાઓનો ત્રાસ પ્રવાસીઓ સહન કરી રહ્યા છે એમ હવે AC લોકલમાં પણ ફેરિયાઓ ચડતા જોવા મળે છે. એની સામે પ્રવાસીઓએ નારાજગી બતાવી છે તેમ જ ટિકિટ વગરના પ્રવાસીઓ સામે રેલવે ઝુંબેશ ચલાવે છે એમ ફેરિયાઓ સામે કોઈ કાર્યવાહી કરશે કે કેમ એ‍વો પ્રશ્ન કર્યો છે.

ફેરિયાઓ રેલવે-પોલીસથી કેવી રીતે બચવું એ જાણતા હોય છે એટલે સારા થેલામાં સામાન લઈને આવે છે અને સ્ટેશન જાય એટલે એ વેચતા હોય છે એમ જણાવીને વેસ્ટર્ન રેલવેના પ્રવાસી દીપક સાગ​​ઠિયાએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘ટિ​કિટ ચેક કરવા રેલવે જેમ ઝુંબેશ ચલાવે છે એમ ફેરિયાઓ સામે કાર્યવાહી કરવી જોઈએ. સામાન્ય લોકલમાં આ લોકો દાદાગીરી કરીને પોતાનો ધંધો કરતા હોય છે એટલે AC લોકલમાં પણ આ રીતે ધંધો કરે એ પહેલાં કાર્યવાહી કરવી જરૂરી છે.’

રેલવે-પોલીસે આ વિશે ધ્યાન આપીને કાર્યવાહી કરવી જોઈએ એમ જણાવીને રેલ યાત્રી પ​રિષદના અધ્યક્ષ સુભાષ ગુપ્તાએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘AC લોકલમાં અનુશાસનમાં પ્રવાસ કરતા પ્રવાસીઓ હોય છે, પરંતુ ફેરિયાઓ આવતાં એ તૂટી જશે. રેલવે AC લોકલનાં ભાડાં બમણાં લે છે તો એની સામે સુવિધા પણ એવી આપવી જરૂરી છે.’

mumbai news mumbai AC Local mumbai local train