03 February, 2022 08:20 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
ગઈ કાલે યુથ કૉન્ગ્રેસ અને બીજેપીના કાર્યકરો દાદાસાહેબ ફાળકે રોડ પર આમનેસામને આવી જતાં પરિસ્થિતિ તંગ થઈ ગઈ હતી અને ધમાલ થવાના ડરે વેપારીઓએ શટર પાડી દીધાં હતાં
કેન્દ્ર સરકારે ઇઝરાયલનો જાસૂસી સૉફ્ટવેર પેગાસસ ખરીદી એનો ગેરકાયદે ઉપયોગ કરીને કૉન્ગ્રેસના નેતા રાહુલ ગાંધી સહિત અન્ય લોકોની જાસૂસી કરી હોવાનો આક્ષેપ કરીને ગઈ કાલે મુંબઈ યુથ કૉન્ગ્રેસના અધ્યક્ષ અને બાંદરા (પૂર્વ)ના વિધાનસભ્ય ઝીશાન સિદ્દીકીની આગેવાની હેઠળ દાદર (ઇસ્ટ)માં સ્વામીનારાયણ મંદિર સામે આંદોલન કર્યું હતું. જોકે, આંદોલન દરમ્યાન જ તેમણે ત્યાંથી થોડે દૂર દાદાસાહેબ ફાળકે રોડ પર આવેલી મુંબઈ બીજેપીની ઑફિસ વસંત સ્મૃતિની દિશામાં આગેકૂચ કરતાં ત્યાં હાજર બીજેપીના કાર્યકરો પણ ગુસ્સે ભરાયા હતા અને બન્ને રસ્તા પર એકબીજાની સામે આવી ગયા હતા. એક સમયે તો મામલો એટલી હદે બીચકી ગયો હતો કે ગમે ત્યારે મોટું દંગલ થવાની શક્યતા દેખાતા સ્થાનિક દુકાનદારોએ ડરના માર્યા થોડા સમય માટે પોતાની દુકાનો બંધ કરી દીધી હતી. જોકે, પોલીસે કાર્યવાહી કરતા મામલો વધુ વણસતા રહી ગયો હતો.
બીજેપીના સ્થાનિક નેતાઓ પ્રસાદ લાડ, મંગલ પ્રભાત લોઢા અને અન્ય ઘણાબધા સમર્થકો દાદર-ઈસ્ટના દાદાસાહેબ ફાળકે રોડ પર આવેલા બીજેપીના કાર્યાલય વસંત સ્મૃતિમાં વડા પ્રધાન નરેન્દ્ર મોદીનું ભાષણ સાંભળવા એકઠા થયા હતા. યુથ કૉન્ગ્રેસ દ્વારા આંદોલન કરાયું છે એવી ખબર પડતાં જ બીજેપીના નેતાઓ પણ રસ્તા પર ઊતરી આવ્યા હતા અને સ્વામીનારાયણ મંદિર તરફ આગળ વધ્યા હતા એટલે મામલો ગરમ થઈ ગયો હતો. જોરદાર નારાબાજી થઈ હતી અને તંગદિલી વ્યાપી ગઈ હતી. આના કારણે એ વિસ્તારના વેપારીઓમાં પણ ગભરાટ ફેલાઈ ગયો હતો. જોકે પોલીસે સમયસર બંને પક્ષોના કાર્યકર્તાઓને રોકીને કંઈ ગરબડ થાય એ પહેલાં જ તેમને અટકાવી દીધા હતા. બીજેપીના પ્રસાદ લાડ, મંગલ પ્રભાત લોઢા અને અન્ય લોકોને પણ પોલીસે તાબામાં લીધા હતા.
કૉન્ગ્રેસના પ્રવક્તા અતુલ લોંઢેને પૂછવામાં આવ્યું કે અત્યારે કોરોનાનું આટલું મોટું જોખમ છે ત્યારે લોકોને ભેગા કરીને આવું આંદોલન કરવાનું કારણ શું? ત્યારે તેમણે કહ્યું હતું કે ‘દેશની લોકશાહીને બીજેપી જોખમમાં મૂકી રહી છે. તેઓ સંસદમાં પણ જવાબ આપતા નથી. એથી રસ્તા પર ઊતરીને તેમની જે ભૂલો છે એ લોકોને દેખાડવી બહુ જરૂરી છે. જ્યાં સુધી કોરોનાનો સવાલ છે તો એ તો છે જ, પણ અમારી પાસે બીજા કોઈ વિકલ્પ જ બચ્યો નથી. હવે જ્યારે દેશ જ ડૂબી રહ્યો હોય ત્યારે પોતાના જીવની દરકાર કરવા જેવું કશું બચ્યું જ નથી.’
અલતુ લોંઢેએ વધુમાં કહ્યું હતું કે ‘પેગાસસ એક એવો જાસૂસી સૉફ્ટવેર છે જે તમારા મોબાઇલમાં એન્ટર થઈને એની માહિતી અન્યોને પહોંચાડે છે. એથી આ રાઇટ ટુ પ્રાઇવસીનો ભંગ છે. બીજેપીએ વિરોધ પક્ષના જ મોબાઇલ હૅક કર્યા છે એવું નથી. પોતાના પક્ષના નેતાઓની પણ તે જાસૂસી કરાવે છે.’
એના જવાબમાં બીજેપીના પ્રવક્તા અતુલ ભાતખળકરે આ આંદોલન બાબત કહ્યું હતું કે ‘રાજ્યમાં સત્તા શિવસેના, કૉન્ગ્રેસ અને રાષ્ટ્રવાદીની છે. શું રાજ્યના ગૃહપ્રધાન ઊંઘે છે? બે જ દિવસ પહેલાં ધારાવીમાં વિદ્યાર્થીઓનું આંદોલન થયું હતું. પોલીસને એ વિશે પણ ખબર નહોતી? નાગપુરમાં પણ વિદ્યાર્થીઓનું આંદોલન થયું. કૉન્ગ્રેસ આ આંદોલન કરી રહી છે એની શું રાજ્યની અને મુંબઈ પોલીસને જાણ નહોતી? રાજ્યમાં કાયદો અને વ્યવસ્થા પૂરી રીતે ભાંગી પડી છે એ આપણે વાંરવાર જોઈ રહ્યા છીએ, પછી એ ધારાવીનો લાઠીચાર્જ હોય કે આજનું આંદોલન. રાજ્યના ગૃહપ્રધાન જ કહી રહ્યા છે કે આ મોટું કારસ્તાન છે. તો અમારું એ જ કહેવું છે કે જો આ કારસ્તાન છે તો તમે શું ઊંઘી રહ્યા છો? મુંબઈમાં આંદોલન કરવું હોય તો એ માટે આઝાદ મેદાનમાં ખાસ જગ્યા ફાળવવામાં આવી છે. શું સરકારને એની જાણ નથી? એથી જ આ આંદોલનમાં સરકાર પણ સામેલ હતી. એટલે સરકાર સામે એ બદલ કાર્યવાહી થવી જોઈએ એવી મારી માગણી છે.’
મહિલા એસીપીએ બજાવી પ્રશંસનીય કામગીરી
આ આંદોલનને કાબૂમાં લેવામાં મહિલા અસિસ્ટન્ટ કમિશનર ઑફ પોલીસ નીતા ફડકેએ બહુ મહત્ત્વની કામગીરી બજાવી હતી. તેમણે અને તેમની મહિલા પોલીસ કર્મચારીઓની ટીમે ઉશ્કેરાઈ ગયેલા આંદોલનકારીઓને સમયસર રોકી લીધા હતા અને ગરબડ થતી અટકાવી દીધી હતી. યુથ કૉન્ગ્રેસના સમર્થકો દ્વારા તેમને અને તેમની ટીમને ધક્કે ચડાવાયાં હતાં અને તેઓ બૅરિકેડ્સને હટાવીને આગળ તરફ ધસી જતા હતા. ત્યારે તેમણે અને તેમની ટીમે હિંમતથી ઝીશાન સિદ્દીકીને તાબામાં લીધા હતા અને આંદોનકારીઓને વીખેરી નાખ્યા હતા. એસીપી નીતા ફડકેએ કહ્યું હતું કે ‘મારી ટીમની મહિલા પોલીસ કર્મચારીઓએ મને સારો સાથ આપ્યો હતો. તેમણે વાઘણની જેમ જરા પણ ડર્યા વગર તેમની ફરજ નિભાવી હતી.’