Mumbai Tragedy: એક જ પરિવારનાં ચાર જણનાં મોત પછી શંકાના ઘેરામાં તરબૂચ

27 April, 2026 01:40 PM IST  |  Mumbai | Gujarati Mid-day Online Correspondent

સાંજે પરિવારે તરબૂચ ખાધું હતું. રવિવાર સવારથી જ પરિવારના સભ્યોની તબિયત લથડવા લાગી હતી. તેમને સતત ઉલટી, ચક્કર અને પેટમાં અસહ્ય દુખાવાની ફરિયાદ થઈ હતી. પોલીસે અત્યારે તપાસ આદરી છે પણ શક્યતાઓ છે કે ફળ પર છાંટેલી જંતુ નાશક દવાથી ફૂડ પોઈઝનિંગ થયું હોઈ શકે

પ્રતીકાત્મક તસવીર (તસવીર સૌજન્યઃ એઆઇ)

તરબૂચ ખાવાથી મૃત્યુ થયાની આશંકા વચ્ચે દક્ષિણ મુંબઈના પાયધોની વિસ્તારમાં એક જ પરિવારના ચાર સભ્યોના કરૂણ મોતે સમગ્ર વિસ્તારમાં ચકચાર મચાવી દીધી છે. આ ઘટના પાયધોનીની ગીચ વસ્તી ધરાવતી ઘાટી ગલીમાં બની હતી, જ્યાં એક હસતા-રમતા પરિવારનો અચાનક અંત આવ્યો છે. મૃતકોની ઓળખ 40 વર્ષીય અબ્દુલ્લા ડોકાડિયા, તેમના પત્ની નસરીન ડોકાડિયા (35) અને તેમની બે પુત્રીઓ આયશા (16) તથા ઝૈનબ (13) તરીકે થઈ છે. આ પરિવાર મુઘલ બિલ્ડિંગમાં રહેતો હતો. અહેવાલો મુજબ, શનિવારે રાત્રે ઘરે એક નાના જમણનું પ્લાનિંગ હતું, જેમાં પરિવારે તરબૂચ ખાધું હતું. રવિવાર સવારથી જ પરિવારના સભ્યોની તબિયત લથડવા લાગી હતી. તેમને સતત ઉલટી, ચક્કર અને પેટમાં અસહ્ય દુખાવાની ફરિયાદ થઈ હતી.

રહસ્યમય સંજોગોમાં મોત


સ્થાનિક મીડિયા રિપોર્ટ્સ અનુસાર, રવિવારે સવારે બંને પુત્રીઓ બેભાન અવસ્થામાં મળી આવી હતી. પરિસ્થિતિ ગંભીર જણાતા પાડોશીઓની મદદથી તેમને તાત્કાલિક  જે.જે. હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. કમનસીબે, એક પુત્રીને હોસ્પિટલ પહોંચતા જ મૃત જાહેર કરવામાં આવી હતી, જ્યારે બીજી પુત્રીએ સારવાર દરમિયાન દમ તોડ્યો હતો. ટૂંક સમયમાં જ માતા-પિતાની હાલત પણ અત્યંત નાજુક બની ગઈ અને તેઓ પણ મૃત્યુ પામ્યા. પ્રાથમિક દ્રષ્ટિએ આ કિસ્સો `ફૂડ પોઈઝનિંગ`નો હોવાનું મનાઈ રહ્યું છે. તરબૂચમાં કોઈ ઝેરી રસાયણ હતું કે કેમ તે અંગે અનેક તર્ક-વિતર્ક થઈ રહ્યા છે. જોકે, પોલીસ અને ડોક્ટરો અત્યારે કોઈ ચોક્કસ નિષ્કર્ષ પર પહોંચ્યા નથી.


પોલીસ કાર્યવાહી અને તબીબી મંતવ્ય


મુંબઈ પોલીસે આ મામલે તપાસ શરૂ કરી છે. ચારેય મૃતદેહોનું પોસ્ટમોર્ટમ કરવામાં આવ્યું છે અને તેમના વિસેરા (Viscera) નમૂના ફોરેન્સિક તપાસ માટે મોકલવામાં આવ્યા છે. પોલીસ એ જાણવાનો પ્રયાસ કરી રહી છે કે શું તરબૂચમાં કોઈ ઝેરી કેમિકલ અથવા જંતુનાશક દવાનો ઉપયોગ કરવામાં આવ્યો હતો કે કેમ. આ ઘટનાએ સ્થાનિક રહેવાસીઓમાં ફાળ પાડી છે. લોકોમાં ફળ-શાકભાજીમાં વપરાતા કેમિકલ્સ અંગે પણ ભય જોવા મળી રહ્યો છે. હાલમાં આખું પાયધોની શોકમગ્ન છે અને પોલીસના રિપોર્ટની રાહ જોઈ રહ્યું છે.  આ ઘટના બાદ સ્થાનિક રહેવાસીઓમાં ભય અને અનિશ્ચિતતાનું વાતાવરણ છવાઈ ગયું છે. ખાસ કરીને ખાદ્યપદાર્થોની સલામતી અંગે લોકોમાં અનેક પ્રશ્નો ઊભા થયા છે. રોજિંદા જીવનમાં ઉપયોગમાં લેવાતા ફળો અને શાકભાજીમાં કેમિકલ્સના વધતા ઉપયોગ અંગે પણ ચર્ચા તેજ બની છે. નિષ્ણાતો માને છે કે આવા કિસ્સાઓમાં ખોરાકની સાચી તપાસ અને યોગ્ય સંગ્રહ ખૂબ મહત્વનો હોય છે. હાલમાં પોલીસે તમામ એંગલથી તપાસ હાથ ધરી છે અને નજીકની દુકાનો તથા સપ્લાય ચેઇન વિશે પણ માહિતી એકત્રિત કરી રહી છે. પોસ્ટમોર્ટમ અને ફોરેન્સિક રિપોર્ટ આવ્યા બાદ જ ઘટનાનાં ચોક્કસ કારણ બહાર આવી શકશે.

mumbai news mumbai police mumbai mumbai crime news jj hospital