માગી ટિકિટ, મળ્યો પંચ : ટિકિટ વિના પ્રવાસ કરતા પ્રવાસીએ ટિકિટચેકર પર હુમલો કર્યો, આવ્યા ૭ ટાંકા

11 September, 2026 07:59 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

૫૦૦ રૂપિયાનો દંડ ભરવાનો હતો અને ખિસ્સામાં હતા માત્ર ૧૦૦ રૂપિયા, કાર્યવાહીથી બચવા ટિકિટચેકરને ચહેરા પર મારીને લોહીલુહાણ કરી દીધો

હુમલામાં જખમી થયેલો ટિકિટચેકર આશિષ ગુપ્તા.

જોગેશ્વરી સ્ટેશન પર ટિકિટ વિના મુસાફરી કરી રહેલા એક પ્રવાસીને ટિકિટચેકરે રોકતાં પ્રવાસીએ ટિકિટચેકર પર હુમલો કર્યો હોવાની ઘટના બુધવારે બની હતી. આ ઘટનામાં ટિકિટચેકર આશિષ ગુપ્તાને ગંભીર ઈજા થઈ હતી, જ્યારે હુમલો કરનારા પ્રવાસી વિરુદ્ધ ગવર્નમેન્ટ રેલવે પોલીસ (GRP)એ ગુનો નોંધ્યો છે.

ઘટનાની વિગત મુજબ આશિષ ગુપ્તા સાંજે પાંચ વાગ્યાની આસપાસ જોગેશ્વરીના પ્લૅટફૉર્મ-નંબર ૩-૪ પર ચેકિંગ કરી રહ્યા હતા ત્યારે તેણે એક પ્રવાસીને રોકીને તેની પાસે ટિકિટ માગી હતી. તેની પાસે ટિકિટ ન હોવાથી આશિષે તેને ૫૦૦ રૂપિયાનો સત્તાવાર દંડ ચૂકવવા જણાવ્યું હતું. જોકે મુસાફર પાસે ફક્ત ૧૦૦ જ રૂપિયા હોવાથી તેણે દંડ ભરવાનો ઇનકાર કર્યો હતો. 

એને પગલે આશિષ ગુપ્તાએ મુસાફરને આગળની કાર્યવાહી માટે રેલવે પ્રોટેક્શન ફોર્સ (RPF)ની ઑફિસમાં આવવા કહ્યું હતું અને તેના ખભા પર હાથ મૂક્યો હતો. એટલામાં જ તેણે ટિકિટચેકર પર હુમલો કરીને તેના મોં પર પંચ માર્યો હતો. એમાં આશિષનાં ચશ્માં તૂટી ગયાં હતાં અને આંખની નીચે, આંખ પર અને મોં પર માર વાગ્યો હતો અને લોહી વહેવા માંડ્યું હતું. આરોપીએ ત્યાંથી ભાગી છૂટવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ ટિકિટચેકરે તેને પકડીને GRP-RPFના હવાલે કર્યો હતો. આરોપી વિરુદ્ધ ફર્સ્ટ ઇન્ફર્મેશન રિપોર્ટ (FIR) નોંધી તેને નોટિસ ઇશ્યુ કરીને છોડી મૂકવામાં આવ્યો હતો. આશિષ ગુપ્તાને નજીકની હૉસ્પિટલમાં લઈ જવાયા હતા, જ્યાં તેમને ૭ ટાંકા લેવા પડ્યા હતા.

mumbai news mumbai jogeshwari indian railways