14 December, 2024 04:15 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
સુનંદા પવાર રાજેન્દ્ર પવારનાં પત્ની અને રોહિત પવાર
નૅશનલિસ્ટ કૉન્ગ્રેસ પાર્ટી (NCP)ના સ્થાપક શરદ પવારનો ગુરુવારે ૮૪મી વર્ષગાંઠ હતી ત્યારે તેમના ભત્રીજા અજિત પવારે પરિવાર સાથે શરદ પવારના ઘરે જઈને શુભેચ્છા આપી હતી. આથી શું કાકા અને ભત્રીજા ફરી સાથે આવવાના છે એવી ચર્ચાએ જોર પકડ્યું છે. એવામાં ગઈ કાલે રોહિત પવારનાં મમ્મી સુનંદા પવારે કહ્યું હતું કે ‘કાર્યકરોની ઇચ્છા છે કે બન્ને NCP ફરી એકસાથે આવે. કાર્યકરોનું સન્માન કરવું જોઈએ. આ મારો વ્યક્તિગત મત છે. આ બાબતે આખરી નિર્ણય પવારસાહેબ અને અજિતદાદા લેશે. બન્ને પેઢી વર્ષોથી એકસાથે રહી છે. ગઈ કાલે શરદ પવારસાહેબનો જન્મદિવસ હતો. આવા સમયે પારિવારિક મેળમિલાપ કરવામાં કંઈ ખોટું નથી. આપણે વિખેરાઈ જવાને બદલે એકસાથે આવવું જોઈએ.’
શરદ પવારના ભાઈ અપ્પાસાહેબના બે પુત્ર રાજેન્દ્ર અને રણજિત પવાર છે. સુનંદા પવાર રાજેન્દ્ર પવારનાં પત્ની અને રોહિત પવારનાં મમ્મી છે. સુનંદા પવારનું કાકા-ભત્રીજાએ ફરી સાથે આવવાનું નિવેદન મહત્ત્વનું માનવામાં આવે છે.