06 February, 2025 02:18 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
અમ્રિત ભારત સ્ટેશન સ્કીમ હેઠળ કાયાપલટ પછી આવું દેખાશે પરેલ સ્ટેશન.
સેન્ટ્રલ રેલવેના પૅસેન્જરોને વધુ ટ્રેન-સર્વિસની સુવિધા મળી રહે તેમ જ દાદર અને છત્રપતિ શિવાજી મહારાજ ટર્મિનસ (CSMT) સ્ટેશન પર બહારગામની ટ્રેનોનો જે બોજ છે એ ઓછો કરવાના આશય સાથે રેલવે મિનિસ્ટ્રીએ પરેલ સ્ટેશનને નૅશનલ રેલવે હબ બનાવવાની જાહેરાત કરી છે.
એક વાર પરેલ ટર્મિનસ શરૂ થઈ જશે ત્યાર બાદ ત્યાંથી બહારગામની અમુક ટ્રેન શરૂ કરવામાં આવશે જેને લીધે CSMT અને દાદર સ્ટેશનનું બર્ડન ઓછું થશે. આ સિવાય પરેલને કુર્લા સ્ટેશન સુધી પાંચમી અને છઠ્ઠી લાઇન સાથે જોડવામાં આવશે અને આ બે લાઇન પર જ મેલ/એક્સપ્રેસ ટ્રેન દોડાવવામાં આવશે. આને લીધે ફાસ્ટ ટ્રૅક પરનો બોજો ઓછો થશે અને સેન્ટ્રલ રેલવેના પ્રવાસીઓને વધારે લોકલ ટ્રેનની સર્વિસ મળી શકશે. આ પ્રોજેક્ટની યોજના આમ તો ૨૦૧૬માં બનાવવામાં આવી હતી, પણ ત્યારે યુનિયનના વિરોધને લીધે એને હોલ્ડ પર રાખવામાં આવી હતી. હવે ગયા અઠવાડિયે જાહેર થયેલા બજેટમાં આની જાહેરાત કરવામાં આવી છે. હવે આ કામ ૫૦૦ કરોડ રૂપિયામાં થઈ જવાની શક્યતા છે અને પ્લાનને પણ એ મુજબ રિવાઇઝ કરવામાં આવ્યો છે.
પબ્લિક પૉલિસી (ટ્રાન્સપોર્ટ)ના એક્સપર્ટ પરેશ રાવલે કહ્યું હતું કે ‘પરેલમાં ટર્મિનસ બનાવવાની રેલવેની પહેલ આવકારવા જેવી છે. પાંચમી અને છઠ્ઠી લાઇનને લીધે એની સબર્બન સર્વિસ પર કોઈ અસર નહીં થાય. ઊલટું આને લીધે CSMTનું બર્ડન ઓછું થશે. મને લાગે છે એ આ પ્રોજેક્ટ પૂરો થઈ ગયા બાદ ફાસ્ટ લાઇનની સર્વિસમાં જરૂર વધારો થશે.’