પરેલના જ્વેલરના ચાર કિલો સોનાના દાગીના તેમનો જ કર્મચારી તફડાવી ગયો

10 September, 2025 12:07 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

દુકાનમાં જ સૂતા જીતુ ચૌધરીએ સોમવારે દુકાન બંધ હોવાનો ફાયદો ઉઠાવ્યો

સોમવારે લૂંટાયેલી પરેલની એ. દલીચંદ જ્વેલર્સની દુકાન અને એનો કર્મચારી જીતુ ચૌધરી.

પરેલના બાબાસાહેબ આંબેડકર રોડ પર આવેલી એ. દલીચંદ જ્વેલર્સનો કર્મચારી સોમવારની રજાનો ગેરલાભ લઈને ડુ​​પ્લિકેટ ચાવીથી તિજોરી ખોલીને ચાર કિલો સોનાના દાગીના લઈને રફુચક્કર થઈ ગયો છે. આ બનાવથી પરેલના જ્વેલરોમાં સોપો પડી ગયો છે.

આ બાબતની માહિતી આપતાં પરેલ-ભોઈવાડા પોલીસ-સ્ટેશનના સિનિયર પોલીસ-ઇન્સપેક્ટર દત્તાત્રય ઠાકુરે ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘એ. દલીચંદ જવેલર્સના ૬૯ વર્ષના માલિક અરવિંદ સંઘવીએ કરેલી ફરિયાદ પ્રમાણે મૂળ રાજસ્થાનના પાલી જિલ્લાના સાદડા ગામનો ૨૩ વર્ષનો જીતુ ચૌધરી છેલ્લા દસ દિવસથી તેમની દુકાનમાં નોકરી કરતો હતો. એ પહેલાં તે દસ મહિના આ જ દુકાનમાં નોકરી કરી ગયો હતો. અરવિંદ સંઘવી અને જીતુ બન્ને રાજસ્થાનના છે. જીતુનું મુંબઈમાં ઘર ન હોવાથી તે રાતે દુકાનમાં જ સૂતો હતો. સોમવારે બપોરે બે વાગ્યા પછી દુકાન બંધ હોવાનો ફાયદો ઉઠાવીને જીતુ દુકાનના લોખંડના કબાટમાં રહેલી તિજોરીને ડુ​​પ્લિકેટ ચાવીથી ખોલીને ચાર કિલો સોનાના દાગીના લઈને પલાયન થઈ ગયો હતો. ગઈ કાલે સવારે અરવિંદ સંઘવી દુકાને આવ્યા ત્યારે તેમણે જોયું કે જીતુ દુકાનમાં નથી. ત્યાર પછી તેમણે કબાટમાંથી સોનાના દાગીના બહાર કાઢવા માટે કબાટ ખોલીને જોયું તો કબાટમાંની તિજોરીમાંથી રવિવારે રાતે મૂકેલા સોનાના દાગીના પણ ગાયબ હતા. તેમણે તરત જ જીતુની શોધખોળ શરૂ કરી હતી, પરંતુ જીતુ મળ્યો નહોતો. બાજુની લૉજમાં રહેતા દિનેશ પાસેથી તેમને એવી માહિતી મળી હતી કે જીતુ સોમવારે બપોરે બે વા‌ગ્યે તેમની દુકાનમાંથી એક બૅગ લઈને જતો હતો. આથી અરવિંદ સંઘવીને ખાતરી થઈ ગઈ હતી કે જીતુ દુકાનમાંથી સોનાના દાગીનાની લૂંટ કરીને ભાગી ગયો છે એટલે તેમણે ભોઈવાડા પોલીસ-સ્ટેશનમાં લૂંટની ફરિયાદ નોંધાવી હતી. નવાઈની વાત એ છે કે અમારી સતત સૂચનાઓ હોવા છતાં આજે પણ કરોડો રૂપિયાના સોનાના દાગીના રાખનારા જ્વેલરો તેમની દુકાનમાં ક્લોઝ્ડ સર્કિટ ટેલિવિઝન કૅમેરા રાખતા નથી.’

જ્વેલરોને સાવધાન કરતો મેસેજ થયો વાઇરલ
પરેલના એ. દલીચંદ જવેલર્સને ત્યાં લૂંટ થયા પછી પરેલ જ્વેલર્સ અસોસિએશન દ્વારા જ્વેલરોના ગ્રુપમાં જીતુ ચૌધરીના ફોટો સાથે એક મેસેજ વાઇરલ કરવામાં આવ્યો હતો જેમાં તેમણે જણાવ્યું હતું કે ‘સાવધાન, સાવધાન, સાવધાન. જીતુ ચૌધરી નામનો માણસ જે લુણાવા પાસેના સાદડા ગામનો રહેવાસી છે તે પરેલની એ. દલીચંદ જ્વેલર્સમાંથી સોમવાર ૮ સપ્ટેમ્બરે પૂરી દુકાન લૂંટીને ફરાર થઈ ગયો છે. આ મેસેજ બધાં ગામોમાં વધારેમાં વધારે ગ્રુપમાં ફૉર્વર્ડ કરો કે જેથી આ લૂંટારો જલદી પકડાઈ જાય અને તેને એવો સબક મળે કે જિંદગીભર તે અને તેનો પરિવાર યાદ રાખે અને કોઈ આવું કરવાની હિંમત ન કરે.’

parel crime news mumbai crime news news mumbai mumbai police mumbai news