20 July, 2025 06:53 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
પનવેલના વિસ્તારોમાં પ્રૉપર્ટી-ટૅક્સમાં રાહત આપવા માટે ડેપ્યુટી ચીફ મિનિસ્ટર અજિત પવારને આવેદનપત્ર આપી રહેલા ફામના અધ્યક્ષ જિતેન્દ્ર શાહ તેમના અન્ય પદાધિકારીઓ તેમ જ કૅબિનેટ પ્રધાન મંગલ પ્રભાત લોઢા સાથે.
પનવેલ મ્યુનિસિપલ કૉર્પોરેશન (PMC)એ ગઈ કાલથી વન ટાઇમ અભય યોજના જાહેર કરી હતી જેના અંતર્ગત મહાનગરપાલિકાએ પ્રૉપર્ટી-ટૅક્સની પેનલ્ટી અને વ્યાજમાં ૯૦ ટકાથી ૨૫ ટકા સુધીની સ્થાનિક રહેવાસીઓ અને વેપારીઓને છૂટ આપી હતી. પનવેલના વિસ્તારોમાં જે વેપારીઓની જમીન અને ગોડાઉનો આવેલાં છે તેઓ ઘણા લાંબા સમયથી આ નિર્ણયની રાહ જોતા હતા, તેમને સરકારના આ નિર્ણયથી બહુ મોટી રાહત થઈ છે.
પનવેલ મહાનગરપાલિકાના કમિશનર મંગેશ ચિતળેએ આ યોજનાની માહિતી આપતાં ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘અમારી પાસે ઘણા લાંબા સમયથી અનેક વેપારી સંસ્થાઓ, સોસાયટીઓ, રાજનેતાઓ, સ્થાનિક નગરસેવકોની પ્રૉપર્ટી-ટૅક્સમાં રાહત આપવાની માગણી હતી એને કારણે અમે અભય યોજનાની જાહેરાત કરી છે. જે લોકો તેમની પ્રૉપર્ટી-ટૅક્સની રકમ ૧૮ જુલાઈથી ૧૫ ઑગસ્ટ સુધીમાં ક્લિયર કરશે તેમને પેનલ્ટી અને વ્યાજમાં ૯૦ ટકાની છૂટ આપવામાં આવશે. ૧૬ ઑગસ્ટથી ૩૧ ઑગસ્ટ સુધી ૭૫ ટકા, ૧ સપ્ટેમ્બરથી ૧૦ સપ્ટેમ્બર સુધી ૫૦ ટકા અને ૧૧ સપ્ટેમ્બરથી ૨૭ સપ્ટેમ્બર સુધીમાં ૨૫ ટકાની છૂટ આપવામાં આવશે. સ્થાનિક રહેવાસીઓ અને વેપારીઓ આ અભય યોજનાનો લાભ વધુમાં વધુ લે. આ વર્ષનો પ્રૉપર્ટી-ટૅક્સ જે લોકો ૩૧ જુલાઈ સુધીમાં ભરી દેશે તેમને પાંચ ટકા ડિસ્કાઉન્ટ આપવામાં આવશે. જે લોકો મહાનગરપાલિકાની ઍપ પર ઑનલાઇન પેમેન્ટ કરશે તેમને બે ટકા ડિસ્કાઉન્ટ આપવામાં આવશે જેથી લોકો આનો વધુ ને વધુ લાભ લે.’
પનવેલ મહાનગરપાલિકાની આ યોજનાથી પનવેલના વિસ્તારના તમામ પ્રૉપર્ટી-ઓનરોને મોટી રાહત મળશે. આ ફેડરેશન ઑફ અસોસિએશન્સ ઑફ મહારાષ્ટ્ર (FAM-ફામ)ની એક મોટી સફળતા છે એમ જણાવતાં ફામના અધ્યક્ષ જિતેન્દ્ર શાહે ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘અમે આ મુદ્દે સરકાર પાસે સતત ફૉલોઅપ અને મજબૂત રજૂઆત કરતા રહ્યા હતા જેમાં અમને મહારાષ્ટ્રના કૅબિનેટ પ્રધાન મંગલ પ્રભાત લોઢાનું સમર્થન મળ્યું હતું. તેમણે અમને ડેપ્યુટી ચીફ મિનિસ્ટર અજિત પવાર, પનવેલના ભારતીય જનતા પાર્ટી (BJP)ના વિધાનસભ્ય પ્રશાંત ઠાકુર તેમ જ PMCના કમિશનર મંગેશ ચિતળે સાથે મહત્ત્વની મીટિંગ કરાવી આપી હતી એને પરિણામે મહારાષ્ટ્ર સરકારે મહાનગરપાલિકાને પ્રૉપર્ટી ટૅક્સ પરની પેનલ્ટી અને વ્યાજમાં ૯૦ ટકા સુધીની છૂટ આપવાની મંજૂરી આપી હતી. પનવેલના વિસ્તારોમાં જે વેપારીઓની જમીન અને ગોડાઉન આવેલાં છે તેઓ ઘણા લાંબા સમયથી આ નિર્ણયની રાહ જોતા હતા, તેમને બહુ મોટી રાહત થઈ છે. ફામની વિનંતીને સમર્થન આપવા અને હજારો મિલકત-માલિકોને ન્યાય સુનિશ્ચિત કરવા બદલ અમે મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસ અને મંગલ પ્રભાત લોઢાનો હૃદયપૂર્વક આભાર માનીએ છીએ. હવે અમે બધા મિલકત-માલિકોને વિનંતી કરીએ છીએ કે તેઓ આ ઉદાર માફી યોજનાનો સંપૂર્ણ લાભ લેવા માટે તેમના બાકી રહેલા PMCના મિલકતવેરા વહેલી તકે ભરી દે.’