02 June, 2025 11:34 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
પ્રતીકાત્મક તસવીર
પનવેલ સ્ટેશનની બહાર ફુટપાથ પર રહેતા પરિવારની માત્ર સાડાત્રણ મહિનાની બાળકીને શુક્રવારે બપોરે ૩થી ૩.૩૦ વચ્ચે કોઈ ઉપાડી ગયું હતું. આ બાબતે તેના પરિવારે પોલીસ-ફરિયાદ કરતાં પોલીસે ઝડપી કાર્યવાહી કરી બાળકીને ૨૪ કલાકની અંદર જ પાછી મેળવી તેના પરિવારને સોંપી હતી.
પોલીસે ઘટનાસ્થળની આજુબાજુના ક્લોઝ્ડ સર્કિટ ટેલિવિઝન (CCTV) કૅમેરાનાં ફુટેજ ચેક કર્યાં હતાં જેમાં એક મહિલા એ બાળકીને ઉપાડીને લઈ જતી જોવા મળી હતી. એ મહિલા ત્યાર બાદ પુણે જતી ટ્રેનમાં બેસી હતી. એથી તેને ઝડપી લેવા પનવેલ પોલીસે પાંચ ટીમ બનાવી હતી. આ પોલીસ ટીમ કર્જત, લોનાવલા, દૌંડ અને પુણેના અલગ-અલગ વિસ્તારોમાં ગઈ હતી. એ પછી ખબર મળી કે બાળકીને લઈ ગયેલી મહિલા પનવેલ પાછી ફરી છે. એથી ફરી ઝીણવટભરી તપાસ કરી આખરે તે મહિલાને કળંબોલી ફાયર-સ્ટેશન પાસેથી બાળકી સાથે ઝડપી લેવાઈ હતી. બાળકીનું અપહરણ કરનારી ૩૫ વર્ષની રોશની વાગેશ્રી પનવેલ સ્ટેશનની સામે આવેલી ઝૂંપડપટ્ટીમાં જ રહે છે. તેણે બાળકીનું અપહરણ શા માટે કર્યું એની તપાસ પોલીસ ચલાવી રહી છે.