21 November, 2025 07:54 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
પ્રતીકાત્મક તસવીર
સરકારી સ્કૂલોના ટીચરો વિદ્યાર્થીઓ પાસે પર્સનલ કામ કરાવતા હોવાની વાત જગજાહેર છે, પણ પાલઘર જિલ્લાના જવ્હાર તાલુકામાં આવેલા જાંભુળમાથા ગામની પ્રાથમિક શાળાના ટીચરોએ હદ કરી નાખી. સ્કૂલના વિદ્યાર્થીઓને સ્કૂલથી એક કિલોમીટર દૂર પાણી ભરવા મોકલ્યા અને વિદ્યાર્થીઓ મોડા પડ્યા એટલે ટીચરોએ વિદ્યાર્થીઓની ધુલાઈ કરી. ટીચરોના આવા વર્તનથી નારાજ વિદ્યાર્થીઓ સ્કૂલનો સમય પૂરો થાય ત્યાં સુધી જંગલમાં ભાગીને છુપાઈ ગયા હતા. શિક્ષકો સામે કડક કાર્યવાહી થાય એવી માગણી આ વિદ્યાર્થીઓએ કરી છે, જેને પગલે વાલીઓએ જિલ્લા પરિષદને ફરિયાદ કરતું મેમોરેન્ડમ સોંપ્યું છે. શિક્ષણ વિભાગે જિલ્લા પરિષદની આ સ્કૂલમાં બનેલી ઘટનાની તપાસ શરૂ કરી છે.
બનાવ બન્યો એ સ્કૂલમાં એકથી આઠ ધોરણના વર્ગો ચાલે છે. સ્કૂલ સવારે ૧૦.૩૦ વાગ્યે શરૂ થાય છે, પરંતુ ટીચર ૧૧.૩૦ વાગ્યે આવે છે અને ત્યાર પછી પણ મોબાઇલ પર જ વ્યસ્ત હોય છે એવી ફરિયાદ પણ વાલીઓએ કરી છે. આ રીતે જો બાળકો ચાલુ સ્કૂલે જંગલમાં જાય તો તેમની સુરક્ષા જોખમાય એવી ચિંતા પણ વાલીઓએ વ્યક્ત કરી હતી. ગયા શુક્રવારે બનેલા આ બનાવ બાદ એક અઠવાડિયા સુધી ટીચર કે સ્કૂલ સામે કોઈ કાર્યવાહી થઈ ન હોવાથી વાલીઓએ આંદોલન કરવાની ચીમકી આપી છે.