ઑપરેશન સિંદૂર નામ સાંભળીને હું ખૂબ રડી; મોદીજીને દિલથી થૅન્ક્યુ, તેમણે ૧૫ દિવસમાં જ ન્યાય અપાવ્યો

08 May, 2025 09:19 AM IST  |  Pune | Gujarati Mid-day Correspondent

પહલગામમાં પિતાને ગુમાવનારી પુણેની આશાવરી જગદાળેએ કહ્યું...

પહલગામના આતંકવાદી હુમલામાં પિતા સંતોષ જગદાળેને ગુમાવનારી પુણેની આશાવરી જગદાળે

પહલગામના આતંકવાદી હુમલામાં પિતા સંતોષ જગદાળેને ગુમાવનારી પુણેની આશાવરી જગદાળેએ કહ્યું હતું કે ‘આ ઑપરેશનનું નામ સાંભળીને હું ખૂબ રડી હતી. મોદીજીને દિલથી થૅન્ક યુ. તેમણે પહલગામમાં જીવ ગુમાવનારા લોકોના પરિવારોને ન્યાય અપાવ્યો છે. આ એક વાસ્તવિક શ્રદ્ધાંજલિ છે.’

ન્યુઝ-ચૅનલો સાથેની વાતચીતમાં આશાવરી જગદાળેએ જણાવ્યું હતું કે ‘અમને ‘ઑપરેશન સિંદૂર’ વિશે ન્યુઝ-ચૅનલો દ્વારા અને અમારા પરિવારજનોના ફોન આવતાં જાણકારી મળી હતી. ત્યારે અમને ખબર પડી કે ભારતે પહલગામ હુમલાનો બદલો લીધો છે અને ઍર સ્ટ્રાઇક કરીને પાકિસ્તાનને જવાબ આપ્યો છે. આ મિશનનું નામ સાંભળીને હું ખૂબ રડી હતી. શ્રીનગરમાં ગૃહપ્રધાન અમિત શાહ હુમલામાં જીવ ગુમાવનારાઓને શ્રદ્ધાંજલિ આપવા અને પરિવારોને મળવા આવ્યા હતા ત્યારે બહેનોએ કહ્યું હતું કે અમે ભારતની બહેનો છીએ, તમારી બહેનો છીએ; અમારી પાસેથી અમારા પતિઓને છીનવી લેવામાં આવ્યા છે, અમારું સિંદૂર છીનવી લેવામાં આવ્યું છે. મને લાગે છે કે એને કારણે જ આ ઑપરેશનનું નામ ઑપરેશન સિંદૂર રાખવામાં આવ્યું હશે. જે લોકોએ પહલગામ હુમલામાં જીવ ગુમાવ્યો હતો તેમનું વીર મરણ એળે ગયું નથી. તેમને સાચી શ્રદ્ધાંજલિ આપવામાં આવી છે. મોદીજીને દિલથી થૅન્ક યુ. તેમણે ૧૫ દિવસમાં જ અમારા જે લોકોએ જીવ ગુમાવ્યો છે તેમને ન્યાય અપાવ્યો છે.’

Pahalgam Terror Attack terror attack pune pune news operation sindoor Pakistan occupied Kashmir Pok pakistan indian army indian air force indian navy indian government narendra modi mumbai mumbai news