08 January, 2026 07:30 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
પુસ્તક
બૉમ્બે હાઈ કોર્ટની કોલ્હાપુર બેન્ચના નિર્દેશને અનુસરીને ઑક્સફર્ડ યુનિવર્સિટી પ્રેસ (OUP)એ છત્રપતિ શિવાજી મહારાજના તેરમા વંશજ છત્રપતિ ઉદયનરાજે ભોસલેની માફી માગી છે. ઑક્સફર્ડ યુનિવર્સિટી પ્રેસે જેમ્સ લેઇનના ૨૦૦૩ના પુસ્તક ‘શિવાજી : હિન્દુ કિંગ ઇન ઇસ્લામિક ઇન્ડિયા’નાં ચાર પાનાંમાં યોગ્ય ચકાસણી વગર પ્રકાશિત થયેલાં નિવેદનોને કારણે નારાજ થયેલા અન્ય લોકોની પણ માફી માગી હતી. આ નિવેદનોના વિરોધને કારણે જાન્યુઆરી ૨૦૦૪માં સંભાજી બ્રિગેડના ૧૫૦થી વધુ સભ્યોએ પુણેમાં ભંડારકર ઓરિયેન્ટલ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ (BORI)માં તોડફોડ કરીને પ્રકાશનનો વિરોધ કર્યો હતો, જેમાં લેખક અને પુસ્તક માટેના તેમના સંશોધન સાથે સંસ્થાની સંડોવણીનો આરોપ મૂકવામાં આવ્યો હતો.
અખબારોમાં પ્રકાશિત જાહેર માફી
ઑક્સફર્ડ યુનિવર્સિટી પ્રેસ ઇન્ડિયાએ મંગળવારે અખબારોમાં જાહેર માફી પ્રકાશિત કરી હતી. એમાં કહેવામાં આવ્યું છે કે પુસ્તકનાં પાનાં ૩૧, ૩૩, ૩૪ અને ૯૩ પરનાં કેટલાંક નિવેદનોની ચકાસણી કરવામાં આવી નહોતી. કંપનીએ અફસોસ વ્યક્ત કર્યો કે પ્રિન્ટિંગ સમયે આ વિવાદાસ્પદ ભાગોને ચકાસવામાં આવ્યા નહોતા.
૧૭ ડિસેમ્બરે સુનાવણી થઈ
છત્રપતિ ઉદયરાજે ભોસલેની ફરિયાદ બાદ ૨૦૦૫ની બીજી એપ્રિલે કોર્ટે ઑક્સફર્ડ યુનિવર્સિટી પ્રેસ ઇન્ડિયાના સૈયદ મંજાર ખાન અને અન્ય ૩ લોકો સામે ઇન્ડિયન પીનલ કોડની કલમ ૫૦૦ (માનહાનિ) હેઠળ ફોજદારી માનહાનિની કાર્યવાહી શરૂ કરી હતી. તેમણે હાઈ કોર્ટમાં અપીલ કરી હતી જેને કોલ્હાપુર બેન્ચને રિફર કરવામાં આવી હતી. હાઈ કોર્ટે ગયા વર્ષે ૧૭ ડિસેમ્બરે અરજી પર સુનાવણી કરી હતી.