17 July, 2025 11:08 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
ગઈ કાલે વિધાનભવનની બહાર ટૉવેલ અને બનિયાનમાં વિરોધ પક્ષના નેતાઓ.
મહારાષ્ટ્ર વિધાનસભાના ચોમાસુ સત્ર દરમ્યાન વિરોધ પક્ષે પોતાની વાત રજૂ કરવા નાટ્યાત્મક રસ્તો અપનાવ્યો હતો. શિવસેનાના ધારાસભ્ય સંજય ગાયકવાડે થોડા દિવસ પહેલાં MLA કૅન્ટીનના મૅનેજરની મારઝૂડ કરી હતી એના વિરોધમાં શિવસેના (ઉદ્ધવ બાળાસાહેબ ઠાકરે-UBT) અને NCP-SPના નેતાઓએ સંજય ગાયકવાડે મારપીટ કરતી વખતે પહેર્યાં હતાં એ ટૉવેલ-બનિયાન પહેરીને વિધાનસભાગૃહની બહાર ‘મહારાષ્ટ્રને લૂંટતી ચડ્ડી-બનિયાન ગૅન્ગને ધિક્કાર છે’ એવો સૂત્રોચ્ચાર કર્યો હતો.
ગયા અઠવાડિયે MLA કૅન્ટીનમાં વાસી ભોજન મળતાં સંજય ગાયકવાડે કૅન્ટીનના મૅનેજરની મારઝૂડ કરી હતી. મુખ્ય પ્રધાન સહિત અનેક નેતાઓએ આ કૃત્યની ટીકા કરી હતી પરંતુ સંજય ગાયકવાડે કૅન્ટીનમાં વર્ષોથી આવું જ ફૂડ મળે છે એમ કહીને જો ફરીથી ખરાબ ફૂડ મળશે તો ફરીથી આ જ રીતે શિવસેના-સ્ટાઇલમાં જવાબ આપવામાં આવશે એવું કહ્યું હતું. આ મામલે મરીન ડ્રાઇવ પોલીસે બિનજામીનપાત્ર ગુનો દાખલ કર્યો છે, પરંતુ કૅન્ટીનના કૉન્ટ્રૅક્ટર કે મૅનેજરે હજી સુધી ફરિયાદ નોંધાવી નથી એટલે સંજય ગાયકવાડ વિરુદ્ધ કાર્યવાહી થાય એવી માગણી સાથે વિરોધ પક્ષે આ ગતકડું અપનાવ્યું હતું.
શિવસેના-UBTના અંબાદાસ દાનવે અને NCP-SPના જિતેન્દ્ર આવ્હાડે આ વિરોધ-પ્રદર્શનનું નેતૃત્વ કર્યું હતું. અંબાદાસ દાનવેએ કહ્યું હતું કે ‘મહારાષ્ટ્રમાં ચડ્ડી-બનિયાન ગૅન્ગે કેર વર્તાવ્યો છે. કોઈ કૅન્ટીનમાં જઈને કર્મચારીની મારઝૂડ કરે છે, તો કોઈ સિગારેટ પીતાં-પીતાં સૂટકેસ ભરીને પૈસા બતાવે છે તો કોઈ ચડ્ડી-બનિયન પહેરીને ઘરે બેસીને ‘ૐ ફટ્’ કહે છે. પહેલાં ચડ્ડી-બનિયન ગૅન્ગ ખેતરોમાં અને લોકોના ઘરમાં ધાડ પાડતી હતી, હવે આ ગૅન્ગ મહારાષ્ટ્રમાં લૂંટફાટ કરી રહી છે.’