વિધાનસભામાં વિરોધ પક્ષના નેતાની નિમણૂક ન થઈ હોવાથી સરકાર સામે વિરોધ-પ્રદર્શન

09 July, 2025 12:33 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

મૂળ મહારાષ્ટ્રના જ અને ભારતની સર્વોચ્ચ અદાલતના ચીફ જ​સ્ટિસ ભૂષણ આર. ગવઈ હાલ મહારાષ્ટ્રની મુલાકાતે આવ્યા છે. એથી સરકાર દ્વારા વિધાનભવનમાં તેમનો સત્કાર કરવાનું આયોજન કરવામાં આવ્યું હતું

ગઈ કાલે વિધાનભવનનાં પગથિયાં પર બેસીને વિરોધ કરતા વિરોધ પક્ષના નેતાઓ. તસવીર : સૈયદ સમીર અબેદી

રાજ્યમાં નવી સરકાર સ્થપાયા પછી આ બીજું અધિવેશન ચાલી રહ્યું છે છતાં વિધાનસભામાં વિરોધ પક્ષના નેતાની નિમણૂક ન કરાઈ હોવાથી વિરોધ પક્ષે ગઈ કાલે વિધાનભવનનાં પગથિયાં પર બેસીને વિરોધ-પ્રદર્શન કર્યું હતું. મહા વિકાસ આઘાડીના વિવિધ પક્ષોના વિધાનસભ્યો એ માટે વારંવાર માગણી કરી રહ્યા છે. તેમણે આ સંદર્ભે સ્પીકર રાહુલ નાર્વેકરને પત્ર પણ લખ્યા છે છતાં તેઓ આ બાબતને નજરઅંદાજ કરી રહ્યા છે એવા આક્ષેપો થઈ રહ્યા છે.  

ગઈ કાલે અધિવેશનના સાતમા દિવસે શિવસેના (ઉદ્ધવ બાળાસાહેબ ઠાકરે-UBT)ના વિધાનસભ્યો આ બાબતે આક્રમક થયા હતા અને વિધાનભવનનાં પગથિયાં પર બેસીને તેમણે આંદોલન કર્યું હતું. તેમણે તેમના નેતા તરીકે ભાસ્કર જાધવના નામની ભલામણ કરી છે, પણ સ્પીકર રાહુલ નાર્વેકરે એના પર નિર્ણય નથી લીધો.

મૂળ મહારાષ્ટ્રના જ અને ભારતની સર્વોચ્ચ અદાલતના ચીફ જ​સ્ટિસ ભૂષણ આર. ગવઈ હાલ મહારાષ્ટ્રની મુલાકાતે આવ્યા છે. એથી સરકાર દ્વારા વિધાનભવનમાં તેમનો સત્કાર કરવાનું આયોજન કરવામાં આવ્યું હતું. તેઓ જ્યારે વિધાનભવનમાં આવ્યા ત્યારે વિરોધ પક્ષના વિધાનસભ્યોએ ‘ન્યાય આપો, ન્યાય આપો’ એવા નારા લગાવી વિધાનસભાના વિરોધ પક્ષના નેતાપદની માગ કરી હતી. એ વખતે તેમની સાથે રાષ્ટ્રવાદી કૉન્ગ્રેસ પાર્ટી અને કૉન્ગ્રેસ પાર્ટીના નેતાઓ પણ હાજર રહ્યા હતા. તેમણે હાથમાં પોસ્ટકાર્ડ લઈને નારાબાજી કરી વિરોધ પક્ષના નેતાપદની માગ કરી હતી.’

maharashtra maharashtra news political news maha vikas aghadi assembly elections vidhan bhavan congress nationalist congress party news mumbai mumbai news