મુંબઈનાં જળાશયોમાં માત્ર ૩૩ ટકા સ્ટૉક

17 April, 2026 07:35 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

BMC ઑગસ્ટ સુધી પાણી પૂરું પાડવા ઍક્શન મોડમાં, રિઝર્વ સ્ટૉકનો ઉપયોગ કરવાનો પ્રસ્તાવ

પ્રતીકાત્મક તસવીર

આ વર્ષે સામાન્ય કરતાં ઓછા વરસાદની આગાહીને પગલે બૃહન્મુંબઈ મ્યુનિસિપલ કૉર્પોરેશન (BMC)એ મુંબઈગરાઓને ઑગસ્ટ મહિના સુધી પાણી પૂરું પાડવા માટે માસ્ટર પ્લાન તૈયાર કર્યો છે. હાલમાં મુંબઈને પાણી પૂરું પાડતાં ૭ જળાશયોમાં કુલ ક્ષમતાનો માત્ર ૩૩.૬૦ ટકા પાણીનો જથ્થો બાકી હોવાથી તંત્ર હરકતમાં આવ્યું છે.

રાજ્ય સરકારના નિર્દેશ મુજબ BMCએ સંભવિત પાણીની અછતને પહોંચી વળવા ઑગસ્ટ સુધીનું આયોજન કર્યું છે. ભાતસા લેકમાંથી ૧.૪૭ લાખ મિલ્યન લીટર અને અપર વૈતરણામાંથી ૯૦,૦૦૦ મિલ્યન લીટર વધારાનો પાણીનો જથ્થો અનામત સ્ટૉકમાંથી આપવા માટે સરકાર સમક્ષ દરખાસ્ત મૂકી છે.

૧૫ એપ્રિલ સુધીના આંકડા મુજબ સાતેય તળાવોમાં ૪.૮૬ લાખ મિલ્યન લીટર પાણી ઉપલબ્ધ છે. જોકે આ જથ્થો ગયા વર્ષના ૩૦.૨૪ ટકા કરતાં થોડો વધુ છે, પરંતુ ચિંતાનો વિષય વધતું તાપમાન છે. ગરમીને કારણે બાષ્પીભવનની પ્રક્રિયા ઝડપી બની રહી છે, જેનાથી જળાશયોનું સ્તર ઝડપથી નીચે જઈ શકે છે.

ભારતીય હવામાન વિભાગે આ વર્ષે ઓછો વરસાદ પડવાની સંભાવના વ્યક્ત કરી છે. BMCના વરિષ્ઠ અધિકારીએ જણાવ્યું હતું કે ‘જો સરકાર વધારાનો અનામત જથ્થો ફાળવી દેશે તો શહેરમાં પાણીકાપની શક્યતા ટાળી શકાય એમ છે. અમારો ઉદ્દેશ હાલના સ્ટૉકને ઑગસ્ટ સુધી ચલાવવાનો છે.’

કયા જળાશયમાં કેટલો પુરવઠો છે?
મુંબઈને દરરોજ ૪૦૦૦ મિલ્યન લીટર પાણીની જરૂરિયાત રહે છે. ભાતસામાં ૨.૩૫ લાખ, અપર વૈતરણામાં ૭૭,૦૦૦ અને મિડલ વૈતરણામાં ૬૯,૦૦૦ મિલ્યન લીટર જેટલો જથ્થો ઉપલબ્ધ છે. મુંબઈની પાણીપુરવઠા વ્યવસ્થા ૬૫૦ કિલોમીટર મેઇન લાઇન અને ૬૦૦૦ કિલોમીટર લાંબા પાઇપલાઇન નેટવર્ક પર નિર્ભર છે. જો વરસાદ ખેંચાશે તો BMCએ પાણીકાપ જેવો કડક નિર્ણય લેવો પડી શકે છે.

mumbai news mumbai brihanmumbai municipal corporation Water Cut mumbai water levels