ઑફિસની બહેનપણીએ બોલવાનું બંધ કર્યું એમાં ગુજરાતી યુવાનને પડ્યો બે લાખ રૂપિયાનો ફટકો

03 August, 2026 09:24 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

ઇન્ટરનેટ પર જ્યોતિષી શોધવા ગયો એમાં કોઈ ઠગ ભટકાયો અને ખંખેરી ગયો

પ્રતીકાત્મક તસવીર

ભાંડુપ-વેસ્ટના ઉત્કર્ષનગરમાં રહેતા અને ઘાટકોપરની એક જાણીતી કંપનીમાં નોકરી કરતા ૨૯ વર્ષના ગુજરાતી યુવાનને ઑફિસની બહેનપણી સાથે ફરી દોસ્તી કરાવવાના નામે એક ઑનલાઇન બોગસ બાબાએ બે લાખ રૂપિયા પડાવી લીધા હોવાની ચોંકાવનારી માહિતી પ્રકાશમાં આવી છે.

આ મામલે ગુજરાતી યુવકે શુક્રવારે ભાંડુપ પોલીસ-સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતાં પોલીસે બોગસ બાબાના અકાઉન્ટ સંબંધી વિગતો ભેગી કરવાની તપાસ તેજ કરી છે. ગુજરાતી યુવકની ઑફિસની ફ્રેન્ડે કોઈ કારણોસર તેની સાથે વાતચીત કરવાનું બંધ કરીને સોશ્યલ મીડિયા પર તેને બ્લૉક કરી દીધો હતો. દોસ્તી ફરી સુધારવાના ચક્કરમાં યુવકે સોશ્યલ મીડિયા પર ઑનલાઇન જ્યોતિષીની શોધ કરી હતી જે તેને ભારે પડી ગઈ હતી. આ કેસ બાદ પોલીસે ઑનલાઇન પરેશાની પર સમાધાન આપતા બાબાઓથી સાવચેત રહેવાની લોકોને અપીલ કરી છે.

શું હતો ઘટનાક્રમ?

ભાંડુપમાં રહેતા ગુજરાતી યુવક સાથે તેની ઑફિસમાં કામ કરતી યુવતીએ એકાએક વાતચીત બંધ કરીને સોશ્યલ મીડિયા પર તેને બ્લૉક કરી દેતાં તે ભારે ચિંતિત હતો. 
૧૨ જુલાઈએ સાંજે ગુજરાતી યુવકને રીલ્સ જોતી વખતે એક ઍસ્ટ્રોલૉજરનું પેજ દેખાયું હતું, જ્યાંથી તેને એક વૉટ્સઍપ-નંબર મળ્યો હતો.
યુવકે એ વૉટ્સઍપ-નંબર પર સંપર્ક કરીને સહકર્મી યુવતી વાત ન કરતી હોવાનું કહેતાં સામેવાળી વ્યક્તિએ પોતાનું નામ સતીષ જોશી ઉર્ફે બાબા બતાવીને વિશેષ પૂજા અને ધાર્મિક વિધિથી સમસ્યા દૂર કરવાનો દાવો કર્યો હતો.
બાબા હોવાનો દાવો કરનાર વ્યક્તિએ શરૂઆતમાં ૨૫૧ રૂપિયા રજિસ્ટ્રેશન-ફી અને ૫૧૦૦ રૂપિયા પૂજાના નામે લીધા હતા. ત્યાર બાદ ૨૧ જુલાઈ સુધીમાં વિવિધ પૂજાવિધિના બહાને યુવક પાસેથી ટુકડે-ટુકડે ૧,૪૧,૬૩૩ રૂપિયા લેવામાં આવ્યા હતા.
પોતાના ખાતામાં બૅલૅન્સ પૂરું થઈ જતાં યુવકે તેના મિત્ર પાસેથી ૫૮,૩૬૭ રૂપિયા લઈને બાબાને મોકલ્યા હતા.
પૂજા પૂરી થઈ હોવાનું કહીને આરોપીએ વિધિ બંધ કરવા માટે વધુ ૫૦,૦૦૦ રૂપિયાની માગણી કરી હતી. યુવકે પૈસા આપવાની ના પાડતાં આરોપીએ તેની ચૅટ અને અંગત માહિતી ઇન્સ્ટાગ્રામ પર વાઇરલ કરવાની ધમકી આપી હતી.
અંતે પોતાની સાથે થયેલી છેતરપિંડી સમજાતાં યુવકે ભાંડુપ પોલીસ-સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી.
ભાંડુપ પોલીસે બોગસ બાબાના ઇન્સ્ટાગ્રામ અકાઉન્ટ અને 
બૅન્ક-અકાઉન્ટની માહિતી ભેગી કરીને વધુ તપાસ શરૂ કરી છે. આ છેતરપિંડી બાદ ઑનલાઇન પરેશાની પર સમાધાન આપતા બાબાઓથી સાવચેત રહેવાની પોલીસે અપીલ કરી છે.

mumbai news mumbai bhandup cyber crime mumbai crime news Crime News