26 February, 2024 07:14 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
અંધેરી પૂર્વ-પશ્ચિમને જોડતો ગોપાળ કૃષ્ણ ગોખલે બ્રિજ
અંધેરી પૂર્વ-પશ્ચિમને જોડતો ગોપાળ કૃષ્ણ ગોખલે બ્રિજ આજે વાહનોની અવરજવર માટે ખુલ્લો મૂકવામાં આવશે. લાંબા સમયથી બ્રિજની એક લેન શરૂ કરવાની ડેડલાઇન ચૂકી જવાતી હતી એટલે લોકોએ નારાજગી દર્શાવી હતી. જોકે હવે બીએમસીના ઍડિશનલ મ્યુનિસિપલ કમિશનર (પ્રોજેક્ટ્સ) પી. વેલારાસુના કહેવા પ્રમાણે આજે સાંજે ૬ વાગ્યાથી બ્રિજ વાહનચાલકો માટે સુલભ થઈ જશે. શરૂઆતમાં વાહનો માટે માત્ર એક જ લેન ચાલુ રહેશે, કારણ કે બીજી લેન માટે ગર્ડરનું કામ બાકી છે. આ ગર્ડરનું ઍસેમ્બલિંગ કામ પહેલેથી જ ચાલી રહ્યું છે અને એને ચોમાસાની મધ્યમાં શરૂ કરવાની અપેક્ષા રખાઈ રહી છે.
ગયા વર્ષે ડિસેમ્બરના પ્રથમ સપ્તાહમાં આ બ્રિજનો પ્રારંભિક ગર્ડર લૉન્ચ કરવામાં આવ્યો હતો અને ત્યાર બાદ રોડ સર્ફેસિંગની પ્રવૃત્તિ શરૂ કરવામાં આવી હતી. કેબલ અને પેવર બ્લૉક્સના ઉપયોગને પરિણામે કાટ લાગવાથી અને ઓવરલોડને કારણે ૨૦૧૮ની ૩ જુલાઈએ ગોખલે બ્રિજનો પગપાળા જવાનો હિસ્સો તોડી પડાયો હતો અને એ ૨૦૨૨ની ૩ નવેમ્બરથી બંધ છે. બીએમસીના બ્રિજ વિભાગના અધિકારીઓને બ્રિજના ઉદ્ઘાટન માટે તૈયાર કરવાની સૂચના આપવામાં આવી હતી અને મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન એકનાથ શિંદે સમારોહમાં હાજર રહીને બ્રિજ ખુલ્લો મૂકે એવી અપેક્ષા છે.
મુંબઈગરાઓની સેવા માટે ગોખલે બ્રિજની એક સાઇડ શરૂ કરવામાં આવશે એવા સમાચાર અનેક વખત આવ્યા છે અને આશરે સાત વખત એની ડેડલાઇન પણ બદલાતી રહી છે એથી આ બ્રિજની એક લેન ખરેખર ક્યારે શરૂ થશે એવો પ્રશ્ન લોકો પૂછી રહ્યા હતા. જોકે હવે આ બ્રિજની એક લેનનું કામ લગભગ પૂરું થઈ ગયું છે અને હાલમાં બ્રિજ પર સાફસફાઈનું કામ હાથ ધરાઈ રહ્યું હતું. અંધેરી-પૂર્વના વિધાનસભા મતવિસ્તારનાં વિધાનસભ્ય ઋતુજા રમેશ લટકેએ મુંબઈ મ્યુનિસિપલ કમિશનરને વારંવાર પત્ર લખીને ગોખલે બ્રિજને ટ્રાફિક માટે ખુલ્લો કરવાની વિનંતી કરી હતી. જોકે સત્રમાં ગોખલે બ્રિજનો મુદ્દો ઉઠાવવામાં આવ્યો હતો અને આ મુદ્દે ગૃહના સભ્યોનું ધ્યાન દોરવામાં આવ્યું હતું. બીએમસીના અધિકારીઓ સાથે ગોખલે બ્રિજની પણ તેમણે મુલાકાત લીધી હતી. ગોખલે બ્રિજનો વન-વે રોડ ટ્રાફિક માટે ખુલ્લો કરવામાં આવશે તો અંધેરી-પૂર્વ અને પશ્ચિમ, જોગેશ્વરી અને વિલે પાર્લેના પ્રવાસીઓને ટ્રાફિક જૅમમાંથી મુક્તિ મળશે એવી આશા બીએમસીની છે, પણ સ્થાનિકોનું માનવું છે કે એક જ લેન શરૂ થવાની હોવાથી પિક અવર્સમાં ટ્રાફિક જૅમમાંથી છૂટકારો નહીં મળે.