24 February, 2025 02:09 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
ઊંઘમાં જ જીવ ગુમાવનાર દોઢ વર્ષનો વરદાન લોંઢે, દીકરાને ગુમાવનાર પ્રિયા લોંઢેએ મોબાઇલમાં દીકરાનો ફોટો બતાવ્યો હતો.
વડાલાના બલરામ ખાંડેકર રોડ પરની ફુટપાથ પર સૂઈ રહેલી મહિલા અને તેના દોઢ વર્ષના દીકરા પર મોત કાર બનીને ત્રાટક્યું હતું. દીકરાનું ઑન ધ સ્પૉટ મૃત્યુ થયું હતું જ્યારે માતા બચી ગઈ હતી અને તેને મામૂલી ઈજા થઈ હતી.
અકસ્માતની આ ઘટના શનિવારે મધરાત બાદ સાડાબાર વાગ્યે બની હતી. નિખિલ લોંઢે અને તેનો પરિવાર ફુટપાથ પર જ રહેતો હતો. ઘટના બની ત્યારે તે પોતે દાદર ખાવાનું લેવા ગયો હતો, જ્યારે તેની પત્ની પ્રિયા તેમનાં બે બાળકો પાંચ વર્ષના સ્વરૂપ અને દોઢ વર્ષના વરદાન સાથે ફુટપાથ પર જ સૂતી હતી. એ વખતે વડાલા ભવ્ય હાઇટ્સમાં રહેતા કમલ વિજય રિયાએ કાર પરથી કન્ટ્રોલ ગુમાવ્યો હતો આને કાર ફુટપાથ પર ચડી ગઈ હતી. વરદાનનું ગંભીર ઈજા થવાથી ઘટનાસ્થળે જ મોત થયું હતું જ્યારે પ્રિયાને પણ નાનીમોટી ઈજા થઈ હતી પણ તે બચી ગઈ હતી. બન્નેને તરત જ KEM હૉસ્પિટલ લઈ જવામાં આવ્યાં હતાં જ્યાં ડૉક્ટરે વરદાનને મૃત જાહેર કર્યો હતો.
રફી અહમદ કિડવાઈ (RAK) માર્ગ પોલીસે કમલ રિયા સામે ગુનો નોંધી કાર્યવાહી કરી હતી. પ્રાથમિક તપાસમાં અકસ્માત થયો ત્યારે કમલ રિયાએ દારૂ નહોતો પીધો એવું જણાઈ આવ્યું હતું.