ફરી એક વાર જૈન વર્સસ અનુપ મંડળ

20 June, 2022 10:35 AM IST  |  Mumbai | Rohit Parikh

ગુજરાતના ડીસામાં જૈન અને હિન્દુ સમાજના વિરોધમાં ઝુંબેશ ચલાવી રહેલા અનોપ મંડળ દ્વારા ગેરકાયદે બાંધવામાં આવેલું મંદિર મહાનગરપાલિકાએ કર્યું ધરાશાયી : આ કાર્યવાહીની સામે અનોપ મંડળે પણ કરી આંદોલનની ઘોષણા

ગુજરાતના ડીસા પાસે આવેલા ભોયણમાં અનોપ મંડળ દ્વારા બાંધવામાં આવેલા મંદિર અને ભુવનને ગયા અઠવાડિયે સ્થાનિક પ્રશાસને તોડી પાડ્યું હતું.

જૈન અને હિન્દુ સમાજના વિરોધમાં ૧૨૦ વર્ષથી ઝુંબેશ ચલાવી રહેલા અનોપ મંડળ દ્વારા ગુજરાતના ડીસામાં ગેરકાયદે રીતે જમીન પચાવી પાડવાના કેસમાં કોર્ટમાં હારી ગયા પછી મંગળવાર, ૧૪ જૂનથી ડીસા મહાનગરપાલિકાએ આ જમીન પર બાંધવામાં આવેલા અનોપ મંડળના ગેરકાયદે મંદિરને ૨૦૦ પોલીસ અને એસઆરપીને સાથે લઈને ડિમોલિશ કરવાની કાર્યવાહી હાથ ધરી હતી. આ મંડળે થોડા દિવસ પહેલાં જ જૈનાચાર્ય વિમલસાગરસૂરીશ્વરજી મહારાજસાહેબને મારી નાખવાની ધમકી આપી હતી. એ દિવસથી ગુજરાત, કર્ણાટક અને રાજસ્થાનની પોલીસ અનોપ મંડળ સામે કાર્યવાહી કરવા માટે સક્રિય બની છે તેમ જ જૈનાચાર્યની સુરક્ષામાં વધારો કર્યો છે. બીજી બાજુ અનોપ મંડળે તેમનું મંદિર ધરાશાયી થવાના વિરોધમાં દેશભરમાં આંદોલન શરૂ કરવાનો નિર્ણય લીધો છે. 

આ માહિતી આપતાં જૈનાચાર્ય વિમલસાગરસૂરીશ્વરજી મહારાજસાહેબ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘ગુજરાતના ડીસા, ધાનેરા અને આસપાસનાં ક્ષેત્રોમાં અનોપ મંડળની અસામાજિક પ્રવૃત્તિઓ ઘણાં વર્ષોથી ચાલી રહી છે. થોડાં વર્ષ પહેલાં અનોપ મંડળે ડીસામાં જૈન સમાજના વિરોધમાં નારાબાજી અને ગાળાગાળી કરતું એક સરઘસ કાઢ્યું હતું. ત્યારથી જૈન સમાજ તરફથી અનોપ મંડળના અપરાધોને ખતમ કરવા માટેના પ્રયાસો ચાલી રહ્યા હતા. ડીસાના કૉર્પોરેટર ‌પિન્કેશ દોશી અને ઍડ્વોકેટ ધર્મેન્દ્ર ફોફાણીના અથાગ પ્રયાસ પછી ધર્મરક્ષાના કાર્યમાં એક મહત્ત્વપૂર્ણ સફળતા મળી છે. અનોપ મંડળે ડીસાથી ચાર કિલોમીટર દૂર ભોયણમાં સરકારી જમીન પચાવીને એના પર મંદિર અને અનોપ ભવન બાંધ્યું હતું. જૈન સમાજના વિરોધમાં કાઢવામાં આવેલા સરઘસના મામલામાં અને ગેરકાયદે જમીન પચાવવાના મામલામાં અનોપ મંડળ સેશન્સ કોર્ટમાં હારી ગયું હતું. ત્યાર પછી આ મંડળે ગુજરાત હાઈ કોર્ટમાં અપીલ કરી હતી. જોકે હાઈ કોર્ટમાં કેસની હકીકતો જોયા પછી અનોપ મંડળે પીછેહઠ કરી હતી અને તેમની અપીલ પાછી ખેંચી લીધી હતી. આ પીછેહઠ પછી ડીસા મહાનગરપાલિકા સફાળી જાગી હતી અને એણે અનોપ મંડળના મંદિર અને ભુવન પર બુલડોઝર ફેરવવાની કાર્યવાહી શરૂ કરી હતી.’

અનોપ મંડળ આંદોલન શરૂ કરશે
અનોપ મંડળના ગુજરાતના અધ્યક્ષ અમૃત પ્રજાપતિએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘આ જમીન પર અનોપદાસ મહારાજની ઝૂંપડી ૭૦ વર્ષ પહેલાં હતી અને ત્યાર બાદ ડીસા ગામના સરપંચ અને અન્ય સરકારી અધિકારીઓની પરવાનગી લઈને આ જગ્યા પર મંદિર અને ભુવનનું નિર્માણ કરવામાં આવ્યું હતું. અચાનક એ જમીન કેવી રીતે સરકારની બની ગઈ એ અમારા માટે આશ્ચર્યની વાત છે. અનોપદાસ મહારાજ ૧૦૦ વર્ષથી માનવતા માટે ઝુંબેશ ચલાવી રહ્યા છે. તેમનો એક જ મત રહ્યો છે કે જે પાપ કરે છે તેનો નાશ થવો જોઈએ. રાવણથી લઈને કંસ જેવા અનેક મહારાજાઓનો સમયે-સમયે નાશ કરવામાં આવ્યો છે. અનોપદાસજી મહારાજની પુસ્તિકામાં લખ્યું છે કે કળિયુગમાં વાણિયાઓ અધર્મ આચરીને પ્રકૃતિ પર રાજ કરી રહ્યા છે. અમે અનોપદાસજી મહારાજના જ સંશોધનના આધારે વાણિયાઓના વિરોધમાં દેશભરમાં પ્રચાર કરી રહ્યા છીએ. આથી જૈન સમાજ અનોપદાસજીનાં મંદિરોને તોડાવવાના પ્રયાસ કરે છે. ડીસાના મંદિરના ડિમોલિશન પાછળ પણ જૈનોનો જ હાથ છે. જોકે અનોપદાસજીના અનુયાયીઓ શાંત બેસશે નહીં. અમે આના વિરોધમાં આંદોલન કરીશું. અમે પહેલાં સરકારને નિવેદનો આપીને અમને જમીન સોંપવાની વિનંતી કરીશું. ત્યાર પછી આંદોલન ઉગ્ર બનાવીશું.’

mumbai mumbai news rohit parikh