27 March, 2022 01:58 PM IST | Mumbai | Karan Negandhi
ફાઇલ તસવીર
મુંબઈ યુનિવર્સિટીએ ઓફલાઇને પરીક્ષા લઈ રહેલી સ્વાયત્ત કૉલેજો માટે ગઇકાલે દિશાનિર્દેશ જાહેર કર્યા છે. અધિકૃત સર્ક્યુલરમાં મુંબઈ યુનિવર્સિટીએ સ્વાયત્ત કૉલેજોને ચાર મુદ્દા પર ધ્યાન આપવા કહ્યું છે. આ સર્ક્યુલરમાં મુંબઈ યુનિવર્સિટીએ કેટલાક વિદ્યાર્થીલક્ષી નિર્ણય લીધા છે. જોકે, ઓનલાઇન પરીક્ષા લેવા બાબતે કોઈ ટિપ્પણી કરવામાં આવી નથી.
સર્ક્યુલરમાં લખવામાં આવ્યું છે કે “મુંબઈ યુનિવર્સિટીના અધિકારક્ષેત્ર હેઠળની સ્વાયત્ત કૉલેજોમાં અભ્યાસ કરતા વિવિધ વિદ્યાર્થીઓની વિનંતી પર, સ્વાયત્ત કૉલેજોના આચાર્યોને જાણ કરવામાં આવે છે કે આર્ટસ, કૉમર્સ અને સાયન્સ (માર્ચ/એપ્રિલ 2022) ત્રીજા વર્ષની અંતિમ પરીક્ષા લેતી વખતે સંબંધિત કૉલેજોના આચાર્યોએ નીચે મુજબ બાબતોનું ધ્યાન રાખવું.
૧. ઓટોનોમસ કૉલેજોએ વિદ્યાર્થીઓને ઑફલાઇન પરીક્ષામાં જવાબો લખવા માટે વધારાનો સમય આપવો.
૨. બે પેપર વચ્ચે પૂરતો સમય રાખવો અને તે મુજબ સમયપત્રકનું આયોજન કરવું જોઈએ.
૩. પરીક્ષાનો સમય વિદ્યાર્થીઓને કૉલેજમાં પહોંચવા માટે અનુકૂળ હોવો જોઈએ.
૪. કૉલેજોએ કોવિડ-19ના નિવારક પગલાં/માર્ગદર્શિકા મુજબ મહારાષ્ટ્રના અન્ય ભાગો તેમ જ પરરાજ્યથી આવતા વિદ્યાર્થીઓની કાળજી લેવાની વ્યવસ્થા કરવી જોઈએ.”
ઉલ્લેખનીય છે કે શહેરમાં મીઠીબાઈ, એનએમ, સેંટ ઝેવિયર્સ અને જય હિન્દ જેવી નામાંકિત સ્વાયત્ત કૉલેજો ઓફલાઇન પરીક્ષા લઈ રહી છે. આ કૉલેજના વિદ્યાર્થીઓ તરફથી સખત વિરોધ કરવામાં આવ્યો હતો, પરંતુ કૉલેજો પોતાના નિર્ણય પર અડગ રહી હતી અને કોરોનાના સમયગાળા પહેલાં જેમ પરીક્ષા લેવાતી તે મુજબ જ પરીક્ષા લેવાનું નક્કી કર્યું હતું. હાલ આમાંની કેટલીક કૉલેજની પરીક્ષા શરૂ થઈ ગઈ છે. હવે મુંબઈ યુનિવર્સિટીના આ દિશાનિર્દેશનું કૉલેજો કઈ રીતે પાલન કરે છે તે જોવું રહ્યું.
નોંધવું રહ્યું કે આ સમાચાર લખાય છે ત્યાં સુધી કૉલેજોએ પોતાના પરીક્ષાના સમયપત્રકમાં કોઈ બદલાવ કર્યો નથી.
આ પણ વાંચો: Offline Exam: વિદ્યાર્થીઓનું અનોખું વિરોધ પ્રદર્શન, કૉલેજના ટ્રસ્ટીને મોકલ્યા પુષ્પગુચ્છ, લખ્યું GetWellSoon