ભારતીય રેલવેમાં મહિલા કર્મચારીઓની સંખ્યા ૧.૧૩ લાખ થઈ

13 March, 2025 06:55 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

દેશભરમાં ૧૬૯૯ મહિલા સ્ટેશન-માસ્ટર તહેનાત છે. છેલ્લાં ૧૦ વર્ષમાં લોકો-પાઇલટ અને સ્ટેશન-માસ્ટરની સંખ્યામાં પાંચ ગણો વધારો થયો છે.

પ્રતીકાત્મક તસવીર

ભારતીય રેલવેમાં કામ કરતી મહિલા કર્મચારીઓની સંખ્યા છેલ્લાં ૧૦ વર્ષમાં સતત વધી છે અને એ ૧.૧૩ લાખનો આંક વટાવી ગઈ છે. રેલવેના કુલ વર્કફોર્સમાં ૨૦૧૪માં મહિલા કર્મચારીઓની સંખ્યાની ટકાવારી ૬.૬ ટકા હતી જે હવે વધીને ૮.૨ ટકા થઈ છે.

રેલવે નેટવર્કમાં મુખ્ય કાર્યકારી નોકરીમાં મહિલાઓ મોટી ભૂમિકા ભજવી રહી છે. એક સત્તાવાર નિવેદન અનુસાર ૨૧૬૨ મહિલાઓ લોકો-પાઇલટ તરીકે કામ કરી રહી છે, જ્યારે ૭૯૪ મહિલાઓ ટ્રેન મૅનેજર (ગાર્ડ)ની ભૂમિકામાં છે. દેશભરમાં ૧૬૯૯ મહિલા સ્ટેશન-માસ્ટર તહેનાત છે. છેલ્લાં ૧૦ વર્ષમાં લોકો-પાઇલટ અને સ્ટેશન-માસ્ટરની સંખ્યામાં પાંચ ગણો વધારો થયો છે.

ઑપરેશનલ ભૂમિકા સિવાય પણ મહિલાઓ વહીવટી અને જાળવણી ક્ષેત્રોમાં નોંધપાત્ર પ્રભાવ પાડી રહી છે. ભારતીય રેલવેમાં ૧૨,૩૬૨ મહિલા ઑફિસ-સ્ટાફમાં અને ૨૩૬૦ મહિલા સુપરવાઇઝર છે. જ્યાં પુરુષોની સંખ્યા વધારે હોય એવા ટ્રૅકની જાળવણીના કામમાં પણ ૭૭૫૬ મહિલાઓ કાર્યરત છે અને ટ્રેનોના સલામત સંચાલનને સુનિશ્ચિત કરવા માટે કાર્યરત છે.

રેલવેમાં ૪૪૪૬ મહિલાઓ ટિકિટચેકર છે અને ૪૪૩૦ મહિલાઓ પૉઇન્ટ્સમૅન તરીકે કાર્યરત છે.

એ ઉપરાંત માટુંગા, ન્યુ અમરાવતી, અજની અને ગાંધીનગર રેલવે-સ્ટેશનો પર તમામ સ્ટાફ મહિલાઓનો છે.

ભારતીય રેલવે એ વિશ્વમાં સૌથી વધુ નોકરી આપતો એકમ છે જેના વિશાળ નેટવર્કમાં ૧૨.૩ લાખ કર્મચારીઓ કામ કરે છે.

indian railways mumbai railway vikas corporation mumbai railways news western railway mumbai mumbai news