04 October, 2023 08:38 AM IST | Mumbai | Urvi Shah Mestry
એસી લોકલ ટ્રેનમાં છતમાંથી પડતું એસીનું પાણી.
મુંબઈ : વિરારથી ચર્ચગેટ જતી સવારે ૭.૫૬ વાગ્યાની એસી લોકલ ટ્રેન બોરીવલી આવી ત્યારે એના બેથી ત્રણ ડબ્બામાં ઉપરથી એસીનું પાણી પડી રહ્યું હતું. અચાનક પાણી ડબ્બાની અંદર પડતાં પ્રવાસીઓને અસુવિધા થઈ હતી. કેટલાક પ્રવાસીઓની ફરિયાદ છે કે આવું તો અવારનવાર બનતું હોય છે. કેટલીયે વખત અચાનક ડબ્બાની અંદર પાણી આવતાં પ્રવાસીઓ ભીંજાઈ જાય છે અથવા સીટ પાણીવાળી થઈ જતાં પ્રવાસીઓ બેસી શકતા નથી. વળી ટ્રેન પંદર દિવસથી રોજ અડધો કલાક મોડી પડતી હોવાથી પ્રવાસીઓને જે-તે સ્થળે પહોંચતાં મોડું થતું હોવાની ફરિયાદ પણ થઈ છે.
રોજ એસી લોકલમાં પ્રવાસ કરતા બોરીવલીના એક પ્રવાસી વીરેન્દ્ર જોષીએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘હું મંગળવારે એસી ટ્રેનમાં પ્રવાસ કરતો હતો ત્યારે અચાનક છતમાંથી પાણી પડવા લાગ્યું હતું. સવારે પીક-અવર્સમાં ટ્રેન ભરેલી હોય છે ત્યારે પાણી પડતાં ભીંજાઈ જવાય નહીં એ માટે પ્રવાસીઓ આમતેમ થતાં થોડી ધક્કામુક્કી પણ થઈ હતી. વળી પાણી પડવાને કારણે ઊભા રહેવામાં પણ તકલીફ થઈ ગઈ હતી. આ તો અવારનવાર બનતું હોય છે. એસી ટ્રેનમાં ચારગણું ભાડું આપીને પણ શાંતિથી પ્રવાસ કરી શકાતો નથી. આ ઉપરાંત આ એસી લોકલ પંદર દિવસથી રોજ ચર્ચગેટ પહોંચતાં અડધો કલાક મોડી થઈ જાય છે. બોરીવલીમાં એનો ૮.૩૨નો સમય છે તો ૮.૩૭ સુધી આવે છે અને ચર્ચગેટ અડધો કલાક મોડી પહોંચાડે છે એટલે ઑફિસમાં પહોંચવામાં પણ રોજ મોડું થઈ રહ્યું છે. એસી લોકલનો ગ્રાન્ટ રોડ પહોંચવાનો ટાઇમ ૯.૧૦ વાગ્યાનો છે અને પોણાદસ વાગ્યે ટ્રેન ગ્રાન્ટ રોડ પહોંચી હતી. લોકોની હેરાનગતિ વધી રહી છે, પરંતુ રેલવેને એની કંઈ પડી નથી.’
અન્ય એક મહિલા પ્રવાસીએ આ બાબતે ફરિયાદ કરતાં ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘મંગળવારે ૮.૩૨ વાગ્યાની એસી લોકલ ટ્રેનમાં હું બોરીવલીથી પ્રવાસ કરતી હતી ત્યારે અચાનક પાણી ડબ્બાની અંદર આવ્યું હતું. આ બાબતે ટ્વીટ કરીને રેલવેને માહિતગાર પણ કરી હતી. હવે તો વરસાદ ગયો હોવા છતાં લાગી રહ્યું છે કે એસી લોકલમાં ટ્રાવેલ કરતી વખતે સાથે રેઇનકોટ કે છત્રી રાખવી પડશે.’
વેસ્ટર્ન રેલવેના પ્રવક્તા સુમિત ઠાકુરે આ બાબતે ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘એસી લોકલ ટ્રેનમાં પાણીના ઇશ્યુ વિશે અને ટ્રેન મોડી પડવા બાબતે હું તપાસ કરીને ત્વરિત ઍક્શન લેવડાવું છું.’