12 September, 2025 12:10 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
ગઈ કાલે એલ્ફિન્સ્ટન બ્રિજ પર રાબેતા મુજબ વાહનોની અવરજવર ચાલુ હતી. (તસવીર : આશિષ રાજે)
એલ્ફિન્સ્ટન બ્રિજને તોડી પાડીને નવો બનાવવામાં આડે આવી રહેલાં બે બિલ્ડિંગો લક્ષ્મી નિવાસ અને હાજી નૂરાની ચાલના ૮૩ રૂમધારકોને હવે મહારાષ્ટ્ર હાઉસિંગ ઍન્ડ એરિયા ડેવલપમેન્ટ ઑથૉરિટી (MHADA-મ્હાડા)નાં બિલ્ડિંગોમાં ફ્લૅટ આપવામાં આવે એવો પ્રસ્તાવ નાયબ મુખ્ય પ્રધાન અને અર્બન ડેવલપમેન્ટ મિનિસ્ટર એકનાથ શિંદેએ માન્ય રાખ્યો છે. એને પગલે હવે એલ્ફિન્સ્ટન બ્રિજ આજે મધરાતથી બંધ કરવામાં આવશે.
કોસ્ટલ રોડના વરલી કનેક્ટરને શિવડીના અટલ સેતુ સાથે જોડવા બની રહેલા એલિવેટેડ રોડના બાંધકામમાં એલ્ફિન્સ્ટન બ્રિજ અંતરાય બની રહ્યો હતો એટલે વર્ષો જૂના બ્રિજને તોડીને નવો બનાવવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો. એથી બ્રિજની પાસે આવેલાં કુલ ૧૯ બિલ્ડિંગોના રહેવાસીઓ ચિંતામાં હતા. જોકે એ પછી MMRDAએ એના પ્લાનમાં ફેરફાર કરતાં હવે માત્ર બે જ બિલ્ડિંગો તોડવાં પડે એમ છે. લક્ષ્મી નિવાસના ૬૦ અને હાજી નૂરાની ચાલના ૨૩ રહેવાસીઓને હવે તેમની માગણી મુજબ એ જ વિસ્તારની મ્હાડાની ઇમારતોમાં ફ્લૅટ આપવામાં આવશે. ૩૦૦ સ્ક્વેરફુટથી ઓછો એરિયા ધરાવતા રૂમધારકોને ૩૦૦ સ્ક્વેરફુટ પ્લસ ૩૫ ટકા એટલે કુલ મળીને ૪૦૫ સ્ક્વેરફુટની જગ્યા મળશે, જ્યારે ૩૦૦થી ૧૨૯૨ સ્ક્વેરફુટનો એરિયા ધરાવનારાઓને અત્યારની જગ્યા જેટલી જગ્યા પ્લસ ૩૫ ટકા જગ્યા આપવામાં આવશે.