સીએમ કે પીએમ નહીં, તમારા પરિવારનો સભ્ય છું

11 February, 2023 10:22 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ગઈ કાલે મુંબઈની મુલાકાત દરમ્યાન સૌથી પહેલાં સીએસએમટી રેલવે સ્ટેશન પહોંચીને મુંબઈ-સોલાપુર અને મુંબઈ-સાંઈનગર શિર્ડીની બે વન્દે ભારત એક્સપ્રેસ ટ્રેનને લીલી ઝંડી દેખાડી હતી.

વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ગઈ કાલે મુંબઈની મુલાકાત દરમ્યાન સૌથી પહેલાં સીએસએમટી રેલવે સ્ટેશન પહોંચીને મુંબઈ-સોલાપુર અને મુંબઈ-સાંઈનગર શિર્ડીની બે વન્દે ભારત એક્સપ્રેસ ટ્રેનને લીલી ઝંડી દેખાડી


મુંબઈ ઃ વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ગઈ કાલે મુંબઈની મુલાકાત દરમ્યાન સૌથી પહેલાં સીએસએમટી રેલવે સ્ટેશન પહોંચીને મુંબઈ-સોલાપુર અને મુંબઈ-સાંઈનગર શિર્ડીની બે વન્દે ભારત એક્સપ્રેસ ટ્રેનને લીલી ઝંડી દેખાડી હતી. આ સમયે જ તેમણે મુંબઈમાં મુંબઈ મેટ્રોપૉલિટન રીજન એરિયા ડેવલપમેન્ટ (એમએમઆરડીએ) દ્વારા નિર્માણ કરવામાં આવેલા સાંતાક્રુઝ-ચેમ્બુર લિન્ક રોડના એક્સ્ટેન્શન બ્રિજ અને મલાડમાં નવેસરથી બનાવવામાં આવેલા સબ-વેનાં કામનાં લોકાર્પણ કર્યાં હતાં. ત્યાર બાદ વડા પ્રધાને મરોલમાં દાઉદી વહોરા સમાજ દ્વારા નિર્માણ કરવામાં આવેલી અરેબિયા શૈક્ષણિક સંસ્થાનું ઉદ્ઘાટન 
કર્યું હતું.
દાઉદી વહોરા સમાજ ગુજરાતી ભાષા બોલે છે અને તેઓ મોટે ભાગે બિઝનેસ કરતા હોય છે. વડા પ્રધાન નરેન્દ્ર મોદીનો આ સમાજ સાથે જૂનો સંબંધ છે એટલે તેઓ દિલ્હીમાં સંસદનું બજેટ સત્ર ચાલુ હોવા છતાં આ સમાજના આમંત્રણથી ખાસ મુંબઈ પધાર્યા હતા અને દાઉદી વહોરા સમાજની શૈક્ષણિક સંસ્થાનું ઉદ્ઘાટન કર્યું હતું. આ સમયે તેમની સાથે મુખ્ય પ્રધાન એકનાથ શિંદે અને નાયબ મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસ પણ હતા.
પરિવારનો સભ્ય છું
વડા પ્રધાને દાઉદી વહોરા સમાજે મરોલમાં આયોજિત કાર્યક્રમ વખતે એક વિડિયો ડૉક્યુમેન્ટરી ‍રજૂ કરી હતી. એ જોયા બાદ વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું હતું કે ‘ડૉક્યુમેન્ટરીમાં સતત મને મુખ્ય પ્રધાન અને વડા પ્રધાન તરીકે સંબોધવામાં આવ્યા છે એ મારા હિસાબે બરાબર નથી. હું દાઉદી વહોરા પરિવારનો એક સભ્ય છું. દાઉદી વહોરા સમાજના ધર્મગુરુ સૈયદનાસાહેબની ચાર પેઢી સાથે મારો સંબંધ રહ્યો છે એ મારી ખુશનસીબી છે. કોઈ પણ સમાજની ઓળખાણ તેની પ્રાસંગિકતા અને સંગઠન પરથી થાય છે. દાઉદી વહોરા સમાજ કાયમ સમયની સાથે પરિવર્તન કરતો આવ્યો છે. દાઉદી સમાજના ધર્મગુરુ સૈયદનાસાહેબે ૧૫૦ વર્ષ પહેલાં જ્યારે ભારત ગુલામ હતો ત્યારે મહિલાઓ અને બાળકોને શિક્ષિત કરવા માટે સપનું જોયું હતું એનું શ્રેષ્ઠ ઉદાહરણ છે. આ સમાજ કાયમ આગળ વધવાનો જ વિચાર કરે છે.’


પાણી-શિક્ષણ માટે મોટું કામ
વડા પ્રધાને આગળ કહ્યું હતું કે ‘દાઉદી વહોરા સમાજના ધર્મગુરુ સૈયદનાસાહેબ ૯૯ વર્ષની ઉંમરે ૮૦૦થી ૧૦૦૦ બાળકોને ભણાવતા હતા એ જોઈને મારું દિલ ભરાઈ ગયું હતું. બાળકોને શિક્ષિત કરવા માટેનું આવું કમિટમેન્ટ ભાગ્યે જ જોવા મળે. હું સૈયદનાસાહેબને અનેક વખત મળ્યો હતો. એક વખત તેમણે મને કહ્યું હતું કે તેમને લાયક કોઈ કામ હોય તો કહો. તેઓ પહેલેથી જ ઘણું કામ કરી રહ્યા હતા એટલે મારાથી તેમને કોઈ કામ ન સોંપાય. આમ છતાં તેમણે બહુ આગ્રહ કર્યો હતો કે કંઈક કામ બતાવો. આથી મેં એ સમયે ગુજરાત પાણીની સમસ્યાથી ત્રસ્ત હતું એટલે પાણી બચાવવા પર કામ કરવાનું સૂચન કર્યું હતું. એ દિવસ અને આજનો દિવસ; દાઉદી વહોરા સમાજ પાણી બચાવવામાં સૌથી આગળ રહ્યો છે. બીજું, આ સમાજ હંમેશાં મહિલાઓ અને બાળકોને શિક્ષિત કરવામાં અગ્રેસર છે. આજે મુંબઈમાં તેમણે ભારતની બીજી અને દુનિયાની ચોથી શૈક્ષણિક સંસ્થા ઊભી કરી છે. એક સમાજ અને સરકાર કેવી રીતે ખભેખભા મિલાવીને કામ કરી શકે એ આ સમાજ પરથી જણાઈ આવે છે.’
દાંડી જરૂર જજો
મહાત્મા ગાંધીએ મીઠા પર અંગ્રેજોએ નાખેલા કરને રદ કરવા માટે દાંડીયાત્રા કરી હતી. ગાંધીજી એ યાત્રા વખતે દાંડીમાં આવેલા દાઉદી વહોરા સમાજના ધર્મગુરુ સૈયદનાસાહેબના બંગલામાં રોકાયા હતા. આ વિશે વડા પ્રધાને કહ્યું હતું કે ‘મહાત્મા ગાંધીની દાંડીયાત્રા બધા જાણે છે, પણ તેઓ દાંડીમાં સૈયદનાસાહેબના બંગલામાં રોકાયા હતા એ બહુ ઓછા લોકો જાણતા હતા. લોકોને આની જાણ થાય એ માટે મેં સૈયદનાસાહેબને બંગલામાં દાંડીયાત્રાનું સ્મારક બનાવવાની વાત કરી હતી. 
તેમણે એક મિનિટનો પણ વિચાર કર્યાં વિના સમુદ્રકિનારા પર આવેલો તેમનો બંગલો ગુજરાત સરકારને સોંપી દીધો હતો. આજે એ બંગલામાં દાંડીયાત્રાનું ભવ્ય સ્મારક છે. બહુ ઓછા લોકો આ જાણે છે એટલે મુંબઈ અને સુરતના લોકોને અપીલ કરું છું કે એક વાર આ દાંડી-સ્મારક જોવા જજો.’
કૉલેજ-યુનિવર્સિટી પર ફોકસ
વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું હતું કે ‘અત્યારની સરકારનું ફોકસ વધુ ને વધુ કૉલેજ અને યુનિવર્સિટી શરૂ કરવા પર છે. અત્યારે દર અઠવાડિયે દેશભરમાં એક યુનિવર્સિટી અને બે કૉલેજ શરૂ થઈ રહી છે. બીજું, અંગ્રેજો આપણા પર અંગ્રેજી શિક્ષણ થોપી ગયા હતા જે કમનસીબે ૭૫ વર્ષ સુધી કાયમ રહ્યું. ભારતનો ગરીબમાં ગરીબ અને છેવાડાનો હોશિયાર બાળક માતૃભાષામાં શિક્ષણ મેળવી શકે એ માટે સરકારે હવે શિક્ષણનીતિમાં ધરખમ ફેરફાર કર્યો છે. આ નીતિથી યુવાનો શિક્ષિત થશે અને તેઓ દુનિયાની સાથે કદમ મિલાવી શકશે.’
વન્દે ભારત એક્સપ્રેસને લીલી ઝંડી
વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ સીએસએમટી રેલવે સ્ટેશન પર સીએસએમટી-સોલાપુર અને સીએસએમટી-સાઈંનગર શિર્ડી વચ્ચે બે નવી વન્દે ભારત એક્સપ્રેસ ટ્રેનોને લીલી ઝંડી આપી હતી. આ સાથે ભારતમાં વન્દે ભારત એક્સપ્રેસ ટ્રેનોની સંખ્યા ૧૦ થઈ છે. મહારાષ્ટ્રને આ નવી બે 
એક્સપ્રેસ ટ્રેન મળવાથી રાજ્યના ધાર્મિક સ્થળોની યાત્રા લોકો આરામદાયક પ્રવાસથી કરી શકશે. સીએસએમટીથી શિર્ડી પાંચ કલાક અને ૨૫ મિનિટમાં તો સીએસએમટીથી સોલાપુર છ કલાક અને ૩૦ મિનિટમાં પહોંચી શકાશે. વન્દે ભારત એક્સપ્રેસ ટ્રેન મળવાથી આ બન્ને રૂટમાં પર્યટનની સાથે ધાર્મિક ટૂરોને પ્રોત્સાહન મળશે.
બે પ્રોજેક્ટથી સમય બચશે
વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ બે વન્દે ભારત એક્સપ્રેસ ટ્રેનને લીલી ઝંડી દેખાડવાની સાથે એમએમઆરડીએ દ્વારા નિર્માણ કરવામાં આવેલા બે પ્રોજેક્ટનું પણ ગઈ કાલે લોકાર્પણ કર્યું હતું. એક પ્રોજેક્ટ કુર્લાથી વાકોલા વાયા સીએસટી અને હંસબુર્ગ માર્ગે ઈસ્ટર્ન અને વેસ્ટર્ન એક્સપ્રેસ વેને જોડતા બ્રિજનું લોકાર્પણ કર્યું હતું. ૩૦૦ કરોડ રૂપિયાના ખર્ચે બનાવવામાં આવેલા બ્રિજથી ટ્રાફિકની સમસ્યામાં ઘટાડો થશે અને વિવિધ માર્ગથી બીકેસી પહોંચવા માટેના સમયમાં ઘટાડો થશે. લોકોની ૪૫ મિનિટના સમયની સાથે ઈંધનની પણ બચત થશે. 
બીજા પ્રોજેક્ટમાં રાહદારી અને વાહનો માટે મલાડમાં વેસ્ટર્ન એક્સપ્રેસ વે પર આવેલા કુરાર વિલેજ ખાતેના સબ-વેને પહોળો કરવાનું કામ ૨૬ કરોડ રૂપિયાના ખર્ચે કરવામાં આવ્યું હતું. આ નવા સબ-વેથી મલાડ રેલવે સ્ટેશનથી વેસ્ટર્ન એક્સપ્રેસ હાઇવે તરફ અને વિરુદ્ધ દિશામાં જવાનું સરળ બની જશે અને હાઇવે પર થતા ટ્રાફિકથી છુટકારો મળશે.

mumbai news narendra modi shirdi