01 May, 2022 09:10 AM IST | Mumbai | Mehul Jethva
મુલુંડની મહાવિતરણની ઑફિસમાં એક્ઝિક્યુટિવની કૅબિનમાં લાગેલું એસી
મુંબઈ, થાણે અને વસઈ-વિરારમાં છેલ્લા ૧૫ દિવસથી રહેઠાણ વિસ્તોરમાં લોડશેડિંગના નામે કલાકો સુધી પાવરકટની સમસ્યાઓ સામે આવી હતી. ત્યારે મહાવિતરણના કાયદા પ્રમાણે સુપરિન્ટેન્ડેન્ટ અને ચીફ એન્જિનિયરની પોસ્ટ કરતાં માત્ર ઊંચી પોસ્ટના અધિકારીઓની કૅબિનમાં જ એસી (ઍરકન્ડિશનર) એલાઉડ હોવા છતાં મહાવિતરણની તમામ ઑફિસોમાં નાના વર્ગના અધિકારીઓની કૅબિનમાં એસી લાગેલાં છે જેમાં દિવસ દરમ્યાન તેઓ ૬૦થી ૧૨૦ યુનિટ જેટલી વીજળીનો ગેરકાયદે ઉપયોગ કરતા હોવાનું સામે આવ્યું છે.
મુલુંડ, થાણે, ડોમ્બિવલી, કલ્યાણ, વસઈ, વિરાર સહિતના અનેક વિસ્તારોમાં છેલ્લા ૧૫ દિવસથી અનેક રહેઠાણ વિસ્તારોમાં પાવરકટની સમસ્યાઓ સર્જાઈ છે. એવી જ રીતે પાવરનો વધુ વપરાશ થતાં મહાવિતરણ વિભાગે મોટાં બિલ પણ આ મહિને લોકોને આપ્યાં છે. એની સાથે ડિપોઝિટ ભરવા માટેનાં બિલ આપવામાં આવ્યાં હતાં અને બિલ ન ભરનાર સામે કડક પગલાં લેવાનું પણ મહાવિતરણે શરૂ કર્યું છે. એક બાજુ મહાવિતરણનું એમ કહેવું છે કે તેમની પાસે વીજળી નથી. એની સાથે વીજળી વધુ ભાવે એને મળવાથી એણે યુનિટ પાછળ ભાવવધારો કર્યો છે. બીજી બાજુ મહાવિતરણના એક કાયદા પ્રમાણે સુપરિન્ટેન્ડેન્ટ અને ચીફ એન્જિનિયર અધિકારી અને એમની ઉપરની પોસ્ટના અધિકારીઓને તેમની કૅબિનમાં એસી અલાઉડ છે. જોકે મુલુંડ, ભાંડુપ, થાણે, ડોમ્બિવલી સાથે વસઈ-વિરાર વિસ્તારમાં આવેલી મહાવિતરણની ઑફિસમાં નાના વર્ગના અધિકારીઓ જેમ કે સિનિયર એક્ઝિક્યુટિવ અધિકારી, એક્ઝિક્યુટિવ અધિકારીઓની કૅબિનમાં પણ એસી છે અને તેઓ દિવસ દરમ્યાન ૬૦થી ૧૨૦ યુનિટ જેટલી વીજળીનો ઉપયોગ કરતા હોય છે જેનું બિલ મહાવિતરણ ચૂકવતું હોય છે.
થાણેના વાગલે એસ્ટેટ વિસ્તારમાં રહેતા કેતન મહેતાએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘મારી થાણે સ્ટેશન નજીક કપડાંની દુકાન છે. મને ગયા અઠવાડિયાથી રોજ બેથી ત્રણ કલાક પાવરકટની સમસ્યા થઈ રહી છે. એના માટે કારણ પૂછતાં મહાવિતરણના અધિકારીઓનું કહેવું છે કે હાલમાં ગરમીને કારણે લોડશેડિંગ કરવામાં આવ્યું છે. બીજી બાજુ લાઇટબિલ પણ વધારે આવ્યું છે.’
મહાવિતરણના ચીફ પીઆરઓ અનિલ કાંબળેએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે કાયદા પ્રમાણે સુપરિન્ટેન્ડેન્ટ અને ચીફ એન્જિનિયર આ બન્ને પોસ્ટ અને એનાથી મોટી પોસ્ટના અધિકારીઓની કૅબિનમાં એસી વાપરવાની પરવાનગી અપાઈ છે.
જોકે મિડ-ડે પાસે ફોટો છે જેમાં મહાવિતરણની ઑફિસમાં એક્ઝિક્યુટિવની કૅબિનમાં એસી લાગેલું સ્પષ્ટ દેખાય છે. ફોટો મોકલાવીને આ એસી વિશે અનિલ કાંબળેને પૂછ્યું તો તેમણે કહ્યું હતું કે, આ ગ્રેડના અધિકારીઓ માટે એસી વાપરવાનું કાયદેસર નથી.