10 September, 2026 08:42 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
પ્રતીકાત્મક તસવીર
ગણેશોત્સવ દરમ્યાન થાણે ટ્રાફિક-વિભાગ દ્વારા થાણે અને આસપાસમાંથી પસાર થતા ૩ નૅશનલ હાઇવે અને એક સ્ટેટ હાઇવે પર ૧૫, ૧૮, ૧૯, ૨૦ અને પચીસ સપ્ટેમ્બરે ભારે વાહનોના પ્રવેશ પર સંપૂર્ણ પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. દર વર્ષે વિસર્જન-સરઘસો અને ભારે વાહનોની અવરજવરને કારણે થતા ભારે ટ્રાફિક જૅમને લીધે સામાન્ય નાગરિકો તેમ જ ઇમર્જન્સી વાહનોને મોટી મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે. ગયા વર્ષે એક ઍમ્બ્યુલન્સ ટ્રાફિકમાં ફસાઈ જવાની ઘટના બની હતી. આ બાબતને ગંભીરતાથી લઈને અલર્ટ થયેલા ટ્રાફિક-વિભાગે અને થાણેના પોલીસ-કમિશનર આશુતોષ ડુંબરેએ સુચારુ વાહનવ્યવહાર માટે ૨૦૨૫ની પહેલી ઑક્ટોબરના જૂના નોટિફિકેશનમાં સુધારો કરતું નવું નોટિફિકેશન બહાર પાડ્યું છે. આ આદેશ મુજબ થાણે પોલીસ કમિશનરેટના તમામ આંતરિક અને મુખ્ય માર્ગો પર ચોક્કસ સમયગાળા માટે ભારે માલવાહક વાહનો પર પ્રતિબંધ લાદવામાં આવ્યો છે, જેથી વિસર્જન દરમ્યાન શ્રદ્ધાળુઓ અને નાગરિકોને કોઈ તકલીફ ન પડે.
નવા જાહેર કરાયેલા નિયમો અનુસાર વિસર્જનના મુખ્ય દિવસો એટલે કે ૧૫, ૧૮, ૧૯ અને ૨૦ સપ્ટેમ્બરે રાત્રે એક વાગ્યાથી લઈને વિસર્જન-સરઘસ પૂરું થાય ત્યાં સુધી ભારે વાહનો માટે પ્રવેશ બંધ રહેશે. વધુમાં ૨૪ સપ્ટેમ્બરે રાત્રે એક વાગ્યાથી ૨૬ સપ્ટેમ્બરે સવારે ૧૨ વાગ્યા સુધી આ પ્રતિબંધ અમલમાં રહેશે. જોકે ઉત્સવના બાકીના દિવસો દરમ્યાન એટલે કે વિસર્જન સિવાયના દિવસો દરમ્યાન ટ્રાફિક હળવો રહે એ માટે રાત્રે ૧૨ વાગ્યાથી સવારે ૬ વાગ્યા સુધી જ ભારે વાહનોને અવરજવર કરવાની છૂટ આપવામાં આવશે.