09 July, 2025 12:12 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
દેવેન્દ્ર ફડણવીસ, નિશિકાંત દુબે
મરાઠી ભાષાના મુદ્દે હાલ ચાલી રહેલા આંદોલનમાં બિહારના ભારતીય જનતા પાર્ટી (BJP)ના સંસદસભ્ય નિશિકાંત દુબેએ કરેલી કમેન્ટને કારણે મરાઠી માણૂસ વધુ ભડક્યો છે ત્યારે દેવેન્દ્ર ફડણવીસે પણ કહેવું પડ્યું છે કે તેમણે જે કહેલું છે કે મહારાષ્ટ્ર GDPમાં કંઈ આપતું નથી એ યોગ્ય નથી.
વિધાનસભાના મૉન્સૂનસત્રમાં હાજરી આપવા આવેલા દેવેન્દ્ર ફડણવીસને પત્રકારોએ ગેટ પર જ રોકીને સવાલ પૂછતાં તેમણે કહ્યું હતું કે ‘જો તમે નિશિકાંત દુબેની આખી સ્પીચ સાંભળશો તો તમને ખ્યાલ આવી જશે કે તેઓ એક ઑર્ગેનાઇઝેશન માટે આ બોલ્યા છે, સામાન્ય મરાઠી જનતા માટે નહીં. એમ છતાં મારા મત પ્રમાણે આવી કમેન્ટ કરવી યોગ્ય નથી. એનો અર્થ લોકો અલગ-અલગ રીતે કાઢતા હોય છે અને એથી લોકોના મનમાં કન્ફ્યુઝન ઊભું થાય છે. GDPમાં સૌથી વધુ મહારાષ્ટ્ર કૉન્ટ્રિબ્યુટ કરે છે. મહારાષ્ટ્ર અને મરાઠી માણૂસ દ્વારા દેશના ઇતિહાસમાં અને હાલ પણ આપવામાં આવતા યોગદાનને કોઈ પણ ઠુકરાવી ન શકે. જો કોઈ ઠુકરાવે છે તો મને લાગે છે કે એ ખોટું છે. જ્યારે દેશ પર બહારનાઓએ આક્રમણ કર્યું ત્યારે છત્રપતિ શિવાજી મહારાજ, છત્રપતિ સંભાજી મહારાજ અને મરાઠાઓ દેશ માટે લડ્યા હતા. પાણીપતની ત્રીજી લડાઈ વખતે અબ્દાલી સંધિ કરવા તૈયાર હતો, પણ મરાઠાઓએ એ નહોતી થવા દીધી.’
તેને હિન્દીનો દ્વારપાલ કોણે બનાવ્યો? : પ્રિયંકા ચતુર્વેદી
શિવસેના (ઉદ્ધવ બાળાસાહેબ ઠાકરે-UBT)નાં સંસદસભ્ય પ્રિયંકા ચતુર્વેદીએ આ મુદ્દે કહ્યું હતું કે ‘કોણે તેમને (નિશિકાંત દુબેને) હિન્દીના દ્વારપાલ બનાવ્યા? ઇન્ડસ્ટ્રિયલિસ્ટના પ્રવક્તા કોણે બનાવ્યા? શું દેવેન્દ્ર ફડણવીસજી તેમની જ પાર્ટીના સંસદસભ્યની રાજ્યના મહેનતકશ મરાઠીઓને હલકા ચીતરતી કમેન્ટ સાથે સહમત છે?’