News In Shorts: મહિલા દસમા માળથી પડીને ઝાડમાં ફસાઈ એટલે બચી ગઈ

27 August, 2026 09:32 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

ફાયર-બ્રિગેડના જવાનોએ સીડી ગોઠવીને અને દોરડું બાંધીને તેને વધુ ઈજા ન થાય એ બાબતનું ધ્યાન રાખીને બહુ જ સાવચેતીથી નીચે ઉતારીને સારવાર માટે હૉસ્પિટલમાં મોકલી હતી. 

વાઇરલ વિડીયોમાંથી સ્ક્રીનશૉટ

મૉન્સૂનમાં મુંબઈ સહિત અનેક જગ્યાએ ઝાડ પડવાને કારણે લોકોનાં મૃત્યુ થયાં હોવાની ઘટનાઓ બની હતી. જોકે હવે ઝાડને કારણે જીવ બચી ગયો હોવાની ઘટના બહાર આવી છે. ભાંડુપ-વેસ્ટના સોનાપુર પાસે આવેલા સનશાઇન બિલ્ડિંગના દસમા માળથી એક મહિલા નીચે પડી હતી. જોકે તેનું નસીબ બળવાન કે તે પડી તો ખરી, પણ બિલ્ડિંગ પાસે આવેલા ઝાડમાં ફસાઈ ગઈ હતી જેને કારણે તે જમીન પર નહોતી પડી પણ ઝાડની ડાળીઓમાં જોશભરે પટકાઈને ફસાઈ જતાં તેને ઈજા થઈ હતી પણ બચી ગઈ હતી. ઝાડ પર પડવાથી તે બેભાન થઈ ગઈ હતી. આ વિશે ફાયર-બ્રિગેડને જાણ કરવામાં આવતાં ફાયર-બ્રિગેડના જવાનોએ સીડી ગોઠવીને અને દોરડું બાંધીને તેને વધુ ઈજા ન થાય એ બાબતનું ધ્યાન રાખીને બહુ જ સાવચેતીથી નીચે ઉતારીને સારવાર માટે હૉસ્પિટલમાં મોકલી હતી. 

લોકલ ટ્રેનમાં મારામારીનો સિલસિલો ચાલુ: બે દિવસમાં મારપીટના બે બનાવ બન્યા

મુંબઈની લોકલ ટ્રેનમાં નજીવી બાબતે મારપીટ અને તીક્ષ્ણ હથિયારોથી હુમલો કરવાની ઘટનાઓનો સિલસિલો ચાલુ જ છે. ફરી એક વખત બે પૅસેન્જર વચ્ચે કોઈ બાબતે બોલાચાલી થવાને પગલે છુટ્ટા હાથની મારામારી થઈ હોવાની ઘટના સામે આવી છે. બે પૅસેન્જર કોઈ બાબતે વિવાદ થતાં મારામારી કરતા હોવાનો વિડિયો સોશ્યલ મીડિયા પર પણ વાઇરલ થયો છે. 
અગાઉ બદલાપુર અને છત્રપતિ શિવાજી મહારાજ ટર્મિનસ (CSMT) દરમ્યાન ચાલતી લોકલમાં બે મહિલા વચ્ચે મારામારી થઈ હોવાની ઘટના લેડીઝ કમ્પાર્ટમેન્ટમાં બની હતી. હવે પુરુષોના કમ્પાર્ટમેન્ટમાં પણ આવી એક ઘટના સામે આવતાં લોકલ ટ્રેનમાં પૅસેન્જરો વચ્ચે થતી મગજમારી અને એને કારણે થતા ક્રાઇમનો મુદ્દો ફરી ચગ્યો છે. વાઇરલ વિડિયોમાં બે જણ છુટ્ટા હાથે એકબીજાને પંચ મારતા અને મારામારી કરતા દેખાય છે. આ મામલે હજી સુધી કોઈ પોલીસ-ફરિયાદ કરવામાં આવી નથી કે નથી કોઈ સત્તાવાર કાર્યવાહી કરવામાં આવી.

ચેમ્બુરમાં કન્ટેનર ચડ્યું ડિવાઇડર પર, ટ્રાફિકના હાલ થયા બેહાલ

ચેમ્બુર નજીક ઈસ્ટર્ન એક્સપ્રેસ હાઇવે પરથી જઈ રહેલી એક કન્ટેનર ટ્રક ડિવાઇડર પર ચડી જતાં ટ્રાફિકની સમસ્યા ઊભી થઈ હતી. આ ટ્રક થાણે તરફ જતી હતી ત્યારે આ ઘટના બની હતી અને એને કારણે સવારે જે લોકો કામે જતા હતા તેમને હાલાકી થઈ હતી. પોલીસે આપેલી માહિતી મુજબ આ ઘટનામાં કોઈને ઈજા થઈ નહોતી. ઘટના વહેલી સવારે સાડાપાંચ વાગ્યે બની હતી. પ્રાથમિક તપાસ મુજબ ડ્રાઇવરે વાહન પરનો કાબૂ ગુમાવ્યો હોવાને કારણે આ દુર્ઘટના બની હોવાનું જણાય છે. આ મામલે પોલીસે ગુનો નોંધીને આગળની તપાસ શરૂ કરી છે.

વસઈમાં ખાડાના કારણે ટેમ્પો પલટી થયો: રસ્તાની દુર્દશાથી વાહનચાલકોની સુરક્ષા સામે સવાલ

વસઈ-વેસ્ટમાં રસ્તા પરના ખાડાના કારણે એક ટેમ્પો પલટી જવાની ઘટના સામે આવી છે. ટેમ્પોનું ટાયર રસ્તા પરના એક ઊંડા ખાડામાં ફસાઈ જતાં ડ્રાઇવરે વાહન પરનો કાબૂ ગુમાવ્યો હતો જેના કારણે ટેમ્પો રોડ પર જ ઊંધો વળી ગયો હતો. આ ઘટનાનો વિડિયો સોશ્યલ મીડિયા પર વાઇરલ થતાં જ વસઈના બિસમાર રસ્તાઓ અને ખાડાઓની સમસ્યા ફરી એક વાર ભારે ચર્ચામાં આવી છે. આ અકસ્માતે સ્થાનિક તંત્રની નિષ્ક્રિયતા છતી કરીને મોટરિસ્ટોની સુરક્ષા સામે ગંભીર સવાલો ઊભા કર્યા છે. 

mumbai news mumbai monsoon news mumbai police road accident chembur