16 November, 2026 08:57 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
વાઇરલ વિડીયોમાંથી સ્ક્રીનશૉટ
ગઈ કાલે સાંજે પોણાપાંચ વાગ્યાની આસપાસ મુંબઈ-પુણે એક્સપ્રેસ હાઇવે પર પુણેથી ગુજરાત જઈ રહેલા ટ્રેઇલરનો અકસ્માત થયો હતો. ટ્રેઇલરના ડ્રાઇવરે ટ્રેઇલર પરથી કાબૂ ગુમાવતાં આ અકસ્માત સર્જાયો હતો. આ વિશે હાઇવે પોલીસે આપેલી માહિતી અનુસાર ટ્રેઇલરનો ડ્રાઇવર અલ્લાઉદ્દીન પઠાણ ડ્રાઇવ કરી રહ્યો હતો ત્યારે અચાનક તેનો કાબૂ ટ્રેઇલર પરથી છૂટ્યો હતો અને ટ્રેઇલર જઈને ડિવાઇડર પર ચડી ગયું હતું. આ ઘટનામાં ડિવાઇડરનો ખાસ્સો ભાગ તૂટી ગયો હતો અને ટેલરનો પણ વચ્ચેનો ભાગ છૂટો પડી ગયો હોવાથી દોઢ કલાક માટે અહીં ટ્રાફિક જૅમ રહ્યો હતો અને ત્યાર બાદ ધીમે-ધીમે વાહનવ્યવહાર ફરી શરૂ થઈ ગયો હતો. આ ઘટનામાં કોઈ પણ જખમી થયું નહોતું. આ મામલે વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.
નવી મુંબઈના બેલાપુર સેક્ટર ૨૦માં સ્પોર્ટ્સ કૉમ્પ્લેક્સ બનાવવા માટે મહારાષ્ટ્ર સરકાર દ્વારા ૨૦ કરોડ રૂપિયાનું ભંડોળ મંજૂર કરવામાં આવ્યું છે. આ કૉમ્પ્લેક્સમાં બૅડ્મિન્ટન, ટેબલ ટેનિસ, બાસ્કેટબૉલ, વૉલીબૉલ, જિમ્નેશ્યમ તથા યોગા સેન્ટર જેવી સુવિધા તૈયાર કરવામાં આવશે. આ કૉમ્પ્લેક્સનું કામ સિટી ઍન્ડ ઇન્ડસ્ટ્રિયલ ડેવલપમેન્ટ કૉર્પોરેશન (CIDCO) દ્વારા જમીન નવી મુંબઈ મ્યુનિસિપલ કૉર્પોરેશન (NMMC)ને ટ્રાન્સફર કરવામાં આવે ત્યાર બાદ શરૂ કરાશે.ઉલ્લેખનીય છે કે બેલાપુરનાં વિધાનસભ્ય મંદા મ્હાત્રે દ્વારા આ પ્રોજેક્ટ બનાવવાનો પ્રસ્તાવ મૂકવામાં આવ્યો હતો. આ કૉમ્પ્લેક્સના કારણે સ્થાનિક પ્લેયરોને તેમની પ્રતિભાનો વિકાસ કરવા માટે તથા ટ્રેઇનિંગ માટે યોગ્ય ઇન્ફ્રાસ્ટ્રક્ચર મળી રહેશે અને સ્પર્ધાઓની તૈયારી વધુ સારી રીતે કરી શકશે.
ઉલ્લેખનીય છે કે બેલાપુર સેક્ટર ૨૦માં આવેલી એન્વાયર્નમેન્ટલ ઍન્ડ વૉટર ટેસ્ટિંગ લૅબોરેટરીની પાછળ આવેલા ખુલ્લા પ્લૉટ પર આ કૉમ્પ્લેક્સ બનાવવામાં આવશે. જમીનના ટ્રાન્સફરની પ્રક્રિયા ઝડપી બનાવવાના પ્રયાસ પણ ચાલી રહ્યા હોવાનું મંદા મ્હાત્રેએ જણાવ્યું હતું. ત્યાર પછી ડીટેલ્ડ પ્રોજેક્ટ રિપોર્ટ (DPR) તૈયાર કરવામાં આવશે.
મુંબઈના ગોરેગામ-ઈસ્ટની આરે મિલ્ક કૉલોનીના બિરસા મુંડા ચોક ખાતે આદિવાસી સ્વતંત્રતાસેનાની ભગવાન બિરસા મુંડાની ગઈ કાલે ૧૫૧મી જન્મજયંતી નિમિત્તે આદિવાસી સમુદાયના સભ્યો અને ભારતીય જનતા પાર્ટી (BJP)ના કાર્યકરો એકત્ર થયા હતા. BJPના રાષ્ટ્રીય સહ-સંગઠન મહામંત્રી શિવ પ્રકાશ, વિધાનસભ્ય અમીત સાટમ, વિધાનસભ્ય મુરજી પટેલ, મુંબઈ BJPના મહામંત્રી આચાર્ય પવન ત્રિપાઠી, કૉર્પોરેટર પ્રીતિ સાટમ અને અન્ય કાર્યકરોએ વડા પ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા સંબોધિત ‘જનજાતીય ગૌરવ દિવસ’ના વર્ચ્યુઅલ કાર્યક્રમમાં ભાગ લીધો હતો. તસવીર: સતેજ શિંદે
થાણે જિલ્લામાં પશુઓના એક શેડમાં લાગેલી આગમાં આશરે ૪૫ બકરાનાં મોત નીપજ્યાં છે. આ આગ શૉર્ટ સર્કિટને કારણે લાગી હોવાની શંકા છે એમ એક અધિકારીએ શનિવારે જણાવ્યું હતું. કલ્યાણના તહસીલદાર વિકાસ ગરુડકર દ્વારા જાહેર કરાયેલા સત્તાવાર નિવેદન અનુસાર આ ઘટના શુક્રવારે બપોરે કલ્યાણ નજીક આવેલા આમ્બિવલી તારગાવ ખાતે બની હતી.
આગ ઝડપથી ફેલાઈ ગઈ અને પ્રાણીઓ અંદર ફસાઈ ગયાં હતાં. આગ પર કાબૂ મેળવવામાં આવે એ પહેલાં જ લગભગ ૪૫ બકરાનાં મોત નીપજ્યાં હતાં. માલિકોને થયેલા આર્થિક નુકસાનનું મૂલ્યાંકન કરવા માટે સ્થળતપાસની વ્યવસ્થા કરવામાં આવી છે. સ્થાનિક સત્તાવાળાઓ સંભવિત શૉર્ટ સર્કિટ વિશેના ચોક્કસ સંજોગોની તપાસ કરી રહ્યા છે.
મુંબઈમાં ચોપાટી નજીક મરીન ડ્રાઇવ પર રવિવારે ૧૫ નવેમ્બરે ડસ્ટ-સક્શન, મિસ્ટિંગ અને વૉટર-સ્પ્રિંકલર સિસ્ટમથી સજ્જ બૃહન્મુંબઈ મ્યુનિસિપલ કૉર્પોરેશન (BMC)નું મલ્ટિપર્પઝ વ્હીકલ જોવા મળ્યું હતું, કારણ કે BMC ધૂળને કન્ટ્રોલ કરવા અને ઍર-પૉલ્યુશન સામે લડવા માટે પગલાં લઈ રહ્યું છે. મુંબઈમાં ગરમી અને ધુમ્મસભરી સ્થિતિનો અનુભવ થઈ રહ્યો છે. દિવસનું તાપમાન ૩૫ સેલ્સિયસને સ્પર્શી રહ્યું છે. શહેરનો ઍર ક્વૉલિટી ઇન્ડેક્સ (AQI) વિવિધ મૉનિટરિંગ નેટવર્ક પર ૧૬૯થી ૨૬૧ની વચ્ચે છે જેમાં AQI.in અને IQAir યુએસ AQI સ્તર ૧૬૯–૧૭૮ (અનહેલ્ધી) દર્શાવે છે, જ્યારે ભારતીય મૉનિટરિંગ પ્લૅટફૉર્મ ૨૪૦–૨૬૦થી વધુ રીડિંગ્સ રેકૉર્ડ કરે છે જે પુઅરથી સિવિયર સુધી છે. ધુમ્મસ અને બગડતી ઍર ક્વૉલિટી શહેરના ઘણા ભાગોને અસર કરી રહી છે. તસવીરઃ આશિષ રાજે