News In Shorts: અંધેરીની સોસાયટીમાં સિનિયર સિટિઝન મહિલાને કૂતરાએ બચકું ભર્યું

18 August, 2026 10:01 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

CCTV કૅમેરાનાં ફુટેજમાં દેખાય છે એ મુજબ એક સિક્યૉરિટી ગાર્ડ એ કૂતરાઓ તરફ દોડી તેમને વારંવાર ભગાડી રહ્યો હતો

પ્રતીકાત્મક તસવીર

અંધેરી-ઈસ્ટના રાજમાતા જીજાબાઈ રોડ પર પમ્પ હાઉસ ખાતે વાસ્તુ શિલ્પ કો-ઑપરેટિવ હાઉસિંગ સોસાયટીમાંના ત્રણ કૂતરાઓએ ૭૫ વર્ષનાં ભૂતપૂર્વ સ્કૂલ-ટીચરને ઘેરી લીધાં હતાં અને ત્યાર બાદ એમાંનો એક તેમને કરડ્યો હતો. આ ઘટના સોસાયટીના ક્લોઝ્ડ સર્કિટ ટેલિવિઝન (CCTV) કૅમેરામાં ઝિલાઈ ગઈ હતી. સુવર્ણા કુલકર્ણી દૂધ અને બૅટરી સેલ ખરીદીને બે બૅગ લઈને જઈ રહ્યાં હતાં ત્યારે અચાનક એક કૂતરો તેમના ડાબા પગની ઘૂંટીમાં કરડ્યો હતો. CCTV કૅમેરાનાં ફુટેજમાં દેખાય છે એ મુજબ એક સિક્યૉરિટી ગાર્ડ એ કૂતરાઓ તરફ દોડી તેમને વારંવાર ભગાડી રહ્યો હતો. સુવર્ણા કુલકર્ણીને હોલી ફૅમિલી હૉસ્પિટલમાં લઈ જવામાં આવ્યાં હતાં. સુવર્ણા કુલકર્ણીએ કહ્યું હતું કે ‘કૂતરાઓ હજી પણ સોસાયટીના કમ્પાઉન્ડમાં છે. મને આશા છે કે અધિકારીઓ અને સોસાયટી જરૂરી સાવચેતી રાખશે જેથી મારી સાથે જે બન્યું એ બીજા કોઈ સાથે ન બને.’

ઍર ઇન્ડિયાના બીજા બે પાઇલટ ડ્રગ-સ્ક્રીનિંગ ટેસ્ટમાં ફેલ થયા: ફુકેત-દિલ્હી ફ્લાઇટની ઘટના બાદ ૩૦૦થી ૪૦૦ પાઇલટ્સની તપાસ કરવામાં આવી છે

ફુકેતથી દિલ્હી આવી રહેલી ઍર ઇન્ડિયાની ફ્લાઇટ એકાએક ૩૦૦ ફુટ નીચે આવી જવાની ઘટનામાં પાઇલટ ગાંજો પીને વિમાન ઉડાવી રહ્યો હતો એવું બહાર આવ્યા બાદ ઍર ઇન્ડિયાએ ૧૩ ઑગસ્ટથી એના તમામ પાઇલટ્સ માટે સાયકોઅૅક્ટિવ પદાર્થ માટેની ટેસ્ટ ફરજિયાત કર્યાના થોડા દિવસો બાદ બે પાઇલટ્સ ડ્રગ-સ્ક્રીનિંગ ટેસ્ટમાં ફેલ ગયા હતા. અત્યાર સુધીમાં લગભગ ૩૦૦-૪૦૦ પાઇલટ્સનું સ્ક્રીનિંગ કરવામાં આવ્યું છે અને પરીક્ષણ-પ્રક્રિયા ચાલુ છે. જે બે પાઇલટ્સ ડ્રગ-સ્ક્રીનિંગ ટેસ્ટમાં ફેલ ગયા હતા તેમના નમૂના હવે કન્ફર્મેશન માટે મોકલવામાં આવ્યા છે અને અંતિમ પરિણામોની રાહ જોવાઈ રહી છે. 

ઉત્તર પ્રદેશના સેશન્સ જજે ૪ મહિનામાં બાવીસ દોષીને ફાંસીની સજા ફટકારી : અગાઉ બરેલીમાં ૧૩ લોકોને આવી સજા આપી હતી

ઉત્તર પ્રદેશના વારાણસીમાં જ્ઞાનવાપી મસ્જિદ સંકુલના વિડિયોગ્રાફિક સર્વે માટે ૨૦૨૨માં તેમના આદેશ બાદ જેમનું નામ સૌપ્રથમવાર રાષ્ટ્રીય સ્તરે ચર્ચામાં આવ્યું હતું એવા ઍડિશનલ ડિસ્ટ્રિક્ટ અને સેશન્સ જજ રવિકુમાર દિવાકરે મુઝફ્ફરનગરમાં કાર્યભાર સંભાળ્યા પછી ૪ મહિનામાં ૧૦ કેસમાં બાવીસ દોષીને ફાંસીની સજા ફટકારી છે. રવિકુમાર દિવાકરે અગાઉ બરેલીમાં તેમના પોસ્ટિંગ દરમ્યાન ૧૩ દોષીને ફાંસીની સજા ફટકારી હતી, જેનાથી અત્યાર સુધીમાં તેમણે ફાંસીની સજા ફટકારવામાં આવેલા દોષીની કુલ સંખ્યા ૩૫ થઈ ગઈ છે. ચુકાદાઓની ગતિ અને ગંભીરતાએ ફાંસીના કેસોમાં રૅરેસ્ટ ઑફ રૅર સિદ્ધાંતના ઉપયોગ વિશે ચર્ચા જગાવી છે. જોકે કાયદા હેઠળ હાઈ કોર્ટે આ સજાને કન્ફર્મેશન આપવું જરૂરી છે.

૧૩ લાખ ફૉલોઅર્સ ધરાવતી પાકિસ્તાનની જાણીતી ટિકટૉકર આયશા ગિલમાનાની ગોળી મારીને હત્યા

પાકિસ્તાનની ૨૮ વર્ષની ટિકટૉકર શમસુ બીબીની ૧૪ ઑગસ્ટે ગોળી મારીને હત્યા કરવામાં આવી હતી. ૧૩ લાખ ફૉલોઅર્સ ધરાવતી શમસુ બીબી સોશ્યલ મીડિયા પર આયેશા ગિલમાના તરીકે જાણીતી હતી. આ ઘટના ૧૪ ઑગસ્ટે ઇસ્લામાબાદ નજીક તક્ષશિલા શહેરમાં બની હતી. હુમલાખોરોએ તેની કારને નિશાન બનાવીને ગોળીબાર કર્યો હતો. આ હુમલામાં તેની ૧૫ વર્ષની નાની બહેન પણ ગંભીર રીતે ઘાયલ થઈ હતી. 

મુલુંડમાં કૉલેજિયન યુવતીની છેડતી કરનારો પકડાઈ ગયો

મુલુંડમાં ૬ ઑગસ્ટે કૉલેજમાં જતી એક યુવતી પર જાતીય હુમલો કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. યુવતી કૉલેજ જતી હતી ત્યારે આરોપી વૈશાલીનગર રોડ નજીકના એકાંત વિસ્તારમાં તેનો પીછો કરીને તેને ઝાંડીઝાંખરાંમાં ઢસડી ગયો હતો અને તેના પર જાતીય હુમલો કરવાનો પ્રયાસ કર્યો હતો. યુવતીએ બૂમાબૂમ કરી મૂકી હતી અને ત્યાર બાદ તેની મમ્મીને ફોન કરતાં તે ઘટનાસ્થળે દોડી ગઈ હતી જેને કારણે આરોપી ભાગી ગયો હતો. જોકે એ ઝપાઝપીમાં યુવતીને ઈજા થઈ હતી.મુલુંડ પોલીસે થાણેના વાગળે એસ્ટેટના સી. પી. તલાવ વિસ્તારના ૩૧ વર્ષના અનિલ કરોટિયાને તપાસ કરીને ઝડપી લીધો હતો. પોલીસે એ માટે ૬ ઇન્વેસ્ટિગેશન ટીમ બનાવીને લગભગ ૨૫૦ CCTV કૅમેરાનાં ફુટેજની તપાસ કરી હતી તથા લગભગ ૧૨૦ કલાકના ફુટેજ તેમ જ ટેક્નિકલ તપાસ અને પોલીસ-રેકૉર્ડનું ઍનૅલિસિસ કર્યું હતું. CCTV કૅમેરાનાં ફુટેજ દ્વારા શંકાસ્પદ આરોપીને શોધી કાઢવામાં આવ્યો હતો અને ૧૪ ઑગસ્ટે તેની ધરપકડ કરવામાં આવી હતી.

ટૅક્સી પર ઝાડ પડ્યું

ગઈ કાલે ચર્ચગેટ સ્ટેશન પાસે ભારે વરસાદને પગલે એક ટૅક્સી પર ઝાડ તૂટી પડ્યું હતું.

mumbai news mumbai andheri churchgate