ન્યૂઝ શોર્ટમાં: વિરાર સ્ટેશન પર ડેક કૉન્ક્રીટિંગનું કાર્ય પૂર્ણ

03 August, 2026 10:22 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

આ કામગીરી વિરાર-દહાણુ રોડ ક્વોડ્રપ્લિંગ પ્રોજેક્ટ તેમ જ બોરીવલી-વિરાર પાંચમી અને છઠ્ઠી રેલવેલાઇન પ્રકલ્પનો જ એક ભાગ છે.

ડેક કૉન્ક્રીટિંગ

મુંબઈ રેલ વિકાસ કૉર્પોરેશન (MRVC) દ્વારા શનિવાર અને રવિવારની વચ્ચેની રાતે વિરાર સ્ટેશન પર ૮૫૦ ચોરસ મીટરના વિસ્તારમાં ડેક કૉન્ક્રીટિંગનું કાર્ય સફળતાપૂર્વક પૂર્ણ કરી લેવામાં આવ્યું છે. આ કામગીરી વિરાર-દહાણુ રોડ ક્વોડ્રપ્લિંગ પ્રોજેક્ટ તેમ જ બોરીવલી-વિરાર પાંચમી અને છઠ્ઠી રેલવેલાઇન પ્રકલ્પનો જ એક ભાગ છે. 

અમેરિકાના ઇડાહોની રેસ્ટોરાંમાં બંદૂકધારીનો ગોળીબાર ત્રણ લોકોએ જીવ ગુમાવ્યા: હુમલાખોરનું પણ થયાં મૃત્યુ

અમેરિકાના ઇડાહોના ટ્વિન ફૉલ્સમાં શનિવારે બપોરે ઇન-ઍન-આઉટ બર્ગર રેસ્ટોરાંમાં કરવામાં આવેલા ગોળીબારમાં ૩ લોકોએ જીવ ગુમાવ્યો હતો અને ૭ જણ ઘાયલ થયા હતા. ગોળીબાર કરનારા હુમલાખોરનું પણ મૃત્યુ થયું છે. આ ઘટના વિશે પોલીસે જણાવ્યું હતું કે આ ‘ગોળીબાર શહેરના સૌથી વ્યસ્ત બિઝનેસ ડિસ્ટ્રિક્ટમાં થયો હતો. ઘટના સમયે રેસ્ટોરાંમાં અને એની આસપાસ મોટી સંખ્યામાં લોકો હાજર હતા. અનેક પોલીસ-એજન્સીઓ અને કટોકટી ટીમો ઘટનાસ્થળે પહોંચી હતી. ’ 

પેરુમાં ટૂરિસ્ટ પ્લેન ક્રૅશ થયું, ૧૩ લોકોએ જીવ ગુમાવ્યો

સાઉથ અમેરિકાના દેશ પેરુમાં શનિવારે નાઝકા શહેર નજીક એક ટૂરિસ્ટ વિમાન-દુર્ઘટનામાં ૧૧ વિદેશી પ્રવાસીઓ અને બે ક્રૂ સભ્યો સહિત ૧૩ લોકોએ જીવ ગુમાવ્યો હતો. જીવ ગુમાવનારાઓમાં બે જર્મન, બે સ્પૅનિશ અને ૭ ઇટાલિયન પ્રવાસીઓનો સમાવેશ છે. વિશ્વવિખ્યાત નાઝકા લાઇન્સ જોવા માટે પ્રવાસીઓને લઈ જતું વિમાન ખેતરમાં ક્રૅશ થયું હતું. નાઝકા લાઇન્સ પેરુના રણમાં કોતરવામાં આવેલાં વિશાળ ભૂસ્તરીય ચિત્રો છે જેમને સેંકડો વર્ષો પહેલાં સ્થાનિક લોકો દ્વારા બનાવવામાં આવ્યાં હતાં. આ વિશાળ આકૃતિઓ વિવિધ પ્રાણીઓનું ચિત્રણ કરે છે અને એને ફક્ત વિમાનો અથવા ખાસ વ્યુઇંગ ટાવર્સથી જ સંપૂર્ણપણે જોઈ શકાય છે. પેરુની ખાનગી ઍરલાઇન એરોડિયાના દ્વારા સંચાલિત વિમાને ઇકા શહેરથી ઉડાન ભરી હતી. આ કંપની છેલ્લાં ૧૪ વર્ષથી સેસ્ના ગ્રૅન્ડ કારવાં ઍરક્રાફ્ટનો ઉપયોગ કરીને નાઝકા લાઇન્સ પર ફ્લાઇટ્સ ઉડાવે છે.

રાજસ્થાનમાં નકલી લશ્કરી યુનિફૉર્મના નેટવર્કનો પર્દાફાશ  : આર્મીના કૉમ્બૅટ પૅટર્નના ૧૦૦૦ મીટર કાપડનો જથ્થો જપ્ત

ભારતીય સેનાના ગુપ્તચર એકમો અને રાજસ્થાન પોલીસે રાજસ્થાનના શ્રીગંગાનગર જિલ્લામાં એક કથિત નકલી લશ્કરી યુનિફૉર્મ સપ્લાય નેટવર્કનો પર્દાફાશ કર્યો હતો, જેમાં લગભગ ૧૦૦૦ મીટર ગેરકાયદે લશ્કરી પૅટર્નના કાપડનો જથ્થો જપ્ત કરવામાં આવ્યો હતો. જૂનમાં બરેલીમાં જપ્તી બાદ તપાસ શરૂ થઈ હતી અને સપ્લાય-ચેઇન એક સ્થાનિક કંપનીને મળી હતી જે સમગ્ર પ્રદેશમાં નકલી લશ્કરી પૅટર્નના કાપડનું વિતરણ કરતી હતી. અધિકારીઓએ જણાવ્યું હતું કે નકલી કાપડ સુરક્ષા માટે જોખમ ઊભું કરે છે કારણ કે એનો ઉપયોગ સશસ્ત્રદળોના કર્મચારીઓ તરીકે થઈ શકે છે. હવે આ કેસમાં આખા નેટવર્કનો પર્દાફાશ કરવા તપાસ ચાલુ છે. આ મુદ્દે અધિકારીઓ કહે છે કે પરવાનગી વિના લશ્કરી ગણવેશ જેવી પૅટર્નવાળાં કપડાં રાખવાં, વેચવાં અથવા વાપરવાં એ ફોજદારી ગુનો છે. આવાં કપડાંનો દુરુપયોગ કરીને કોઈ વ્યક્તિ લશ્કરી સૈનિક હોવાનો ઢોંગ કરવાનો પ્રયાસ કરી શકે છે. 

આગળ ગુંડાઓ ઊભા છે, દાગીના કાઢી લે: બે ગઠિયાઓએ ભાંડુપમાં વાતોમાં ભોળવીને ટીનેજર પાસેથી ૧૭ ગ્રામ સોનું પડાવી લીધું

ભાંડુપ-વેસ્ટના વિલેજ રોડ પર વાતોમાં ભોળવીને તેમ જ હાથચાલાકી કરીને ૧૬ વર્ષના ટીનેજર પાસેથી દોઢ લાખ રૂપિયાના દાગીના સેરવી લેવામાં આવ્યા હોવાની ચોંકાવનારી ઘટના બની છે. ભાંડુપ પોલીસ-સ્ટેશનના એક સિનિયર અધિકારીએ આ ઘટના વિશે ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘શુક્રવારે સાંજે રસ્તામાં મળેલા બે યુવાનોએ ૧૬ વર્ષના એક ટીનેજરને ડરાવ્યો હતો કે આગળ ગુંડાઓ ઊભા છે અને તેઓ તેના ગળામાં પહેરેલી સોનાની ચેઇન ઝૂંટવી શકે છે. ટીનેજરે ડરના માર્યા પોતાની આશરે ૧૨ ગ્રામ વજનની સોનાની ચેઇન અને પાંચ ગ્રામની સોનાની વીંટી થેલીમાં મૂકી દીધી હતી. ત્યાર બાદ ઠગે ચાલાકી વાપરીને ટીનેજરની થેલી શાકભાજી વેચતી એક મહિલાના સ્ટૉલ પાસે રખાવી દીધી હતી અને ટીનેજરને નાહૂર રેલવે-સ્ટેશન નજીક રાહ જોવા કહ્યું હતું. ટીનેજરને ત્યાં જ બેસાડીને આરોપીઓ પોલીસને બોલાવી લાવું છું એમ કહીને ત્યાંથી રફુચક્કર થઈ ગયા હતા. આશરે ૨૦ મિનિટ રાહ જોયા બાદ પણ તે માણસો પાછા ન આવતાં ટીનેજરે થેલી ચકાસી હતી, પરંતુ એમાંથી સોનાની ચેઇન અને વીંટી ગાયબ હતી. હાથચાલાકીથી દાગીના ચોરાઈ ગયાનું માલૂમ પડતાં ટીનેજરે પોતાના પરિવારને જાણ કરી હતી. પચીસથી ૩૦ વર્ષની વય ધરાવતા બે લોકો સામે અમે ફરિયાદ નોંધીને તપાસ શરૂ કરી છે.’

કેન્દ્રની ઉત્તન-વિરાર સી-લિન્કને દિલ્હી-મુંબઈ એક્સપ્રેસવે સાથે જોડવાની સૈદ્ધાંતિક મંજૂરી

મિનિસ્ટ્રી ઑફ રોડ ટ્રાન્સપોર્ટ ઍન્ડ હાઇવે (MoRTH) દ્વારા પ્રસ્તાવિત ઉત્તન-વિરાર સી-લિન્કને વિરાર નજીક ખાર્ડી ખાતે દિલ્હી-મુંબઈ એક્સપ્રેસવે સાથે જોડવા માટે સૈદ્ધાંતિક મંજૂરી આપી દેવામાં આવી છે. મુંબઈ-વાઢવણ એક્સપ્રેસવે કૉરિડોર (MVEC), વડોદરા-મુંબઈ એક્સપ્રેસવે અને જવાહરલાલ નેહરુ પોર્ટ ટ્રસ્ટ (JNPT)-વાઢવણ પોર્ટ લિન્ક સાથે મળીને આશરે ૧૨૦ કિલોમીટર લાંબો કોસ્ટલ કૉરિડોર તૈયાર કરવામાં આવશે. આ નેટવર્ક કાર્યરત થતાં જ દક્ષિણ મુંબઈથી વસઈ, વિરાર, પાલઘર અને નિર્માણાધીન વાઢવણ પોર્ટ સુધીનું વાહનવ્યવહાર-જોડાણ વિના અવરોધે શક્ય બનશે. કુલ ૫૫.૧૨ કિલોમીટર લંબાઈ ધરાવતા ઉત્તન-વિરાર સી-લિન્ક પ્રોજેક્ટમાં ૨૪.૩૫ કિલોમીટર લાંબો મુખ્ય સી-લિન્ક અને ૩૦.૭૭ કિલોમીટરના હાઈ-સ્પીડ કનેક્ટર માર્ગનો સમાવેશ થાય છે. આ પ્રકલ્પનું નિર્માણકાર્ય પૂરું થતાં જ ૨૪.૩૫ કિલોમીટરનો આ મુખ્ય પુલ ભારતનો સૌથી લાંબો સી-લિન્ક બનશે.

વેસ્ટર્ન રેલવે દ્વારા બાંદરા-ખાર બ્રિજ ૪૫  દિવસમાં જ ફરી ઊભો કરી દેવામાં આવશે

હાર્બર લાઇન પર મુસાફરોને ઓછી હાલાકી પડે એવા હેતુથી વેસ્ટર્ન રેલવે દ્વારા બાંદરા અને ખાર વચ્ચેના રેલવે બ્રિજના પુનઃ નિર્માણનું કામ હવે ૩ મહિનાને બદલે માત્ર ૪૫ દિવસમાં જ પૂરું કરવા ગંભીરતાથી વિચારણા કરવામાં આવી રહી છે. મુંબઈ સેન્ટ્રલથી બોરીવલી સુધી બની રહેલી છઠ્ઠી લાઇનના આ પ્રોજેક્ટ અંતર્ગત બાંદરા અને ગોરેગામ વચ્ચે રોડ ઓવર બ્રિજ ફરી બાંધવાની યોજના છે. જોકે આ માટે હાર્બર લાઇનની ટ્રેન-સર્વિસ સંપૂર્ણપણે બંધ રાખવી પડે એમ હોવાથી સમયમર્યાદા ઘટાડવા માટેની નવી યોજના ઘડી કાઢવામાં આવી રહી છે. એક વરિષ્ઠ અધિકારીએ માહિતી આપતાં જણાવ્યું હતું કે મુસાફરોની સુવિધા અને વાહનવ્યવહાર પર ઓછામાં ઓછી અસર પડે એ ધ્યાનમાં રાખીને આ સમગ્ર કામગીરી આશરે દોઢ મહિનાના સમયગાળામાં જ આટોપી લેવા માટેના તમામ શક્ય વિકલ્પો ચકાસવામાં આવી રહ્યા છે.

અસ્વચ્છતા જણાતાં મુંબઈ સેન્ટ્રલ પર આવેલું IRCTCનું જનઆહાર આઉટલેટ બંધ કરાયું

મુંબઈ સેન્ટ્રલ રેલવે સ્ટેશન પર ઇન્ડિયન રેલવે કૅટરિંગ અૅન્ડ ટૂરિઝમ કૉર્પોરેશન (IRCTC) દ્વારા ચલાવાતું જનઆહર આઉટલેટ તાત્કાલિક અસરથી બંધ કરી દીધું છે, કારણ કે ફૂડ ક્વૉલિટી, સ્વચ્છતા અને મુસાફરોની સેવાઓમાં ગંભીર ખામીઓ જણાઈ આવી છે. આઉટલેટ ચલાવતા કૉન્ટ્રૅક્ટરને પણ લગભગ અેક લાખનો દંડ ફટકારવામાં આવશે. IRCTCએ જણાવ્યું હતું કે ફરિયાદોના આધારે કરાયેલા નિરીક્ષણમાં સ્વચ્છતા, હાઉસકીપિંગ અને ઑપરેશનલ સ્ટાન્ડર્ડ્સના ઉલ્લંઘનો જણાઈ આવ્યા બાદ તાત્કાલિક કાર્યવાહી કરવામાં આવી હતી. 

ગિરગામ ચોપાટીના ફૂડ-સ્ટૉલવાળા હવે એપ્રન પહેરવા માંડ્યા

મહારાષ્ટ્ર ફૂડ ઍન્ડ ડ્રગ ઍડ્‍મિનિસ્ટ્રેશન (FDA)ની ગાઇડલાઇન્સ મુજબ ગિરગામ ચોપાટીના સ્ટ્રીટ-ફૂડ વેન્ડર્સે ફૂડ સેફટી ઍન્ડ સ્ટાન્ડર્ડ્‍સ ઑથોરિટી ઑફ ઇન્ડિયા 
(FSSAI)ના લોગોવાળા ખાસ એપ્રન પહેરવાનું શરૂ કર્યું છે. FDA દ્વારા સ્પષ્ટ ચેતવણી આપવામાં આવી છે કે જે વેન્ડર્સ આ ગાઇડલાઇન્સનું ઉલ્લંઘન કરશે અને એપ્રન વિના જોવા મળશે તેમની સામે કાનૂની કાર્યવાહી કરવામાં આવશે અને દંડ ફટકારવામાં આવશે. મુંબઈમાં FDA દ્વારા શરૂ કરાયેલી આ કડક ઝુંબેશની સકારાત્મક અસર ચોપાટી પર સ્પષ્ટપણે જોવા મળી રહી છે. વેન્ડર્સ હવે યોગ્ય સ્વચ્છતા જાળવી રહ્યા છે અને નિયમ મુજબ એપ્રન પહેરીને ગ્રાહકોને ફૂડ પીરસી રહ્યા છે. સોશ્યલ મીડિયા પ્લૅટફૉર્મ્સ પર આ વાઇરલ તસવીરને લોકો વખાણી રહ્યા છે.

રાજાધિરાજ નાશિકચા ગણરાજ

ગણપતિના આગમનને હવે જ્યારે દોઢ જ મહિનો બાકી રહ્યો છે ત્યારે ગઈ કાલે પરેલના વર્કશૉપમાંથી ‘નાશિકચા ગણરાજ’ની ગણેશમૂર્તિને મંડળના કાર્યકરો વાજતેગાજતે લઈ જઈ રહ્યા હતા. જમણા હાથનો પંજો સોનાનો અને ડાબા હાથમાં શંકર ભગવાનના વાહન વૃષભ (બળદ)ની પ્રતિકૃતિ ધરાવતું ત્રિશૂળ અને વળી ગણેશજીની પાછળ પણ વૃષભનું વાંકડિયા શિંગડાવાળું કદાવર બૅકડ્રૉપ ઓપી રહ્યું હતું. એમાં પણ ગણેશજીની ઉપર બીજના ચંદ્ર પર બિરાજમાન એક બાજુ શંકર ભગવાન અને બીજી બાજુ માતા પાર્વતી આરામ ફરમાવી રહ્યાં હોવાના ભાવ બહુ જ સુંદર રીતે મૂર્તિકારે કંડાર્યા હતા. એ સુંદર મૂર્તિ જોઈને રસ્તા પરથી પસાર થતા ભાવિકો પણ એને નમન કરી લેતા હતા. તસવીરઃ અતુલ કાંબળે

નાલાસોપારાના તળાવમાં ટીનેજર ડૂબ્યો

નાલાસોપારા-ઈસ્ટના ગાલાનગર પાસે આવેલા નાગેલા તળાવમાં માછીમારી કરવા ગયેલા ૧૯ વર્ષના સોહેલ શેખનું ગઈ કાલે ડૂબી જવાથી મોત થયું હતું. સ્થાનિક લોકોનું કહેવું હતું કે આ પહેલાં પણ તળાવમાં લોકોની ડૂબી જવાની ઘટના બની છે છતાં વસઈ-વિરાર મ્યુનિસિપલ કૉર્પોરેશન આ બાબતે કોઈ સાવચેતીનાં પગલાં નથી લઈ રહ્યું. તળાવ પર ચેતવણી આપતું બોર્ડ કે રેસ્ક્યુ માટે લાઇફ ગાર્ડ, CCTV કૅમેરા કે પછી સિક્યૉરિટી ગાર્ડ નીમવાની દરકાર પણ રાખી નથી.

જયસિંગપુરચા સમ્રાટ

કોલ્હાપુર અને સાંગલીની વચ્ચે આવેલા જયસિંગપુરના સાર્વજનિક ગણેશોત્સવ મંડળના કાર્યકરો ગઈ કાલે તેમના બાપ્પા જયસિંગપુરચા સમ્રાટની મૂર્તિ પરેલના વર્કશૉપમાંથી જયસિંગપુર વાજતેગાજતે લઈ જઈ રહ્યા હતા. એ વખતે લોકો ઊભા રહી પોતાના મોબાઇલમાં સમ્રાટના ફોટો અને વિડિયો પાડી ખુશ થતા હતા. તસવીરઃ અતુલ કાંબળે

mumbai news mumbai mumbai railway vikas corporation borivali virar mumbai local train irctc