News in Shorts: મુંબઈ-પુણેના જૂના હાઇવે પર કન્ટેનરે ટ્રાફિક જૅમ કર્યો

25 February, 2026 09:44 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

News in Shorts: મુંબઈમાં ૧૦૦૦થી વધુ કન્સ્ટ્રક્શન સાઇટને સ્ટૉપ વર્કની નોટિસ; મહારાષ્ટ્રમાં બે વર્ષમાં ૮૦,૦૦૦થી વધુ ગુમ થયેલી મહિલાઓ અને છોકરીઓ શોધી કાઢવામાં આવી અને વધુ સમાચાર

મુંબઈ-પુણે હાઇવે પર કન્ટેનરની ઊંચાઈ વધુ હોવાથી ગ્રેડ સેપરેટરની છતમાં ટ્રકનો એક ભાગ ઘૂસી ગયો હતો.

મંગળવારે સવારે મુંબઈ-પુણેના જૂના હાઇવે પર પિંપરી-ચિંચવડ શહેરના મોરવાડી ચોક વિસ્તારમાં હાઇવે પરથી ક્રૉસ થતા ફ્લાયઓવર નીચેના ભાગમાં જેને ગ્રેડ સેપરેટર કહે છે એમાં એક કન્ટેનર ફસાઈ જતાં ટ્રાફિક જૅમની સમસ્યા સર્જાઈ હતી. ટ્રાફિક-પોલીસે આપેલી માહિતી મુજબ ગ્રેડ સેપરેટરની જગ્યા કરતાં વધુ ઊંચાઈ ધરાવતું કન્ટેનર એમાંથી પસાર થતાં સેપરેટરની છતને અડી ગયું અને એક બાજુથી ફસાઈ ગયું, જેને કારણે મોરવાડી ચોકથી નાશિક ફાટા અને ચિંચવડ ગામ તરફ જતો ટ્રાફિક થંભી ગયો હતો. થોડી જ વારમાં વાહનોની લાંબી કતારો લાગી ગઈ હતી. ક્રેનની મદદથી ફસાયેલા કન્ટેનરને દૂર કરવાનું કામ હાથ ધરવામાં આવ્યું હતું પણ કન્ટેનરને હટાવતાં દોઢ કલાક જેટલો સમય લાગ્યો હતો. આ ઘટના બાદ અનેક મુસાફરોએ ગ્રેડ સેપરેટરની ઊંચાઈ દર્શાવતાં બોર્ડ લગાવવાની માગણી કરી હતી.

મહારાષ્ટ્રમાં બે વર્ષમાં ૮૦,૦૦૦થી વધુ ગુમ થયેલી મહિલાઓ અને છોકરીઓ શોધી કાઢવામાં આવી

મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસે મંગળવારે વિધાનસભામાં માહિતી આપી હતી કે ૨૦૨૪ અને ૨૦૨૫માં ગુમ થયેલી ૮૬,૨૨૮ મહિલાઓ અને છોકરીઓને પોલીસે શોધી કાઢી હતી. ગૃહમંત્રાલય સંભાળતા ફડણવીસે આપેલી માહિતી મુજબ છેલ્લાં બે વર્ષમાં ગુમ થયેલી ૯૩,૯૪૦ મહિલાઓમાંથી ૬૭,૪૫૮ મહિલાઓ મળી આવી હતી. એ જ રીતે આ સમયગાળા દરમિયાન ગુમ થયેલી ૨૩,૪૨૯ છોકરીઓમાંથી ૧૮,૭૭૦ છોકરીઓને શોધી કાઢી તેમના પરિવાર સાથે મિલન કરાવવામાં આવ્યું હતું. 

મુંબઈમાં ૧૦૦૦થી વધુ કન્સ્ટ્રક્શન સાઇટને સ્ટૉપ વર્કની નોટિસ

મહારાષ્ટ્ર સરકાર અને બૃહન્મુંબઈ મ્યુનિસિપલ કૉર્પોરેશન (BMC)એ મુંબઈમાં ઍર પૉલ્યુશન સામે કડક કાર્યવાહી શરૂ કરી છે. પૉલ્યુશનને લગતા નૉર્મ્સનું ઉલ્લંઘન કરવા બદલ શહેરમાં ૧૦૦૦થી વધુ કન્સ્ટ્રક્શન સાઇટ પર સ્ટૉપ વર્કની નોટિસ ફટકારવામાં આવી છે એમ રાજ્ય મંત્રી પંકજા મુંડેએ મંગળવારે જણાવ્યું હતું.

બારમા ધોરણના પેપર-લીકની તપાસ માટે SITની રચના

મહારાષ્ટ્ર બોર્ડ દ્વારા લેવામાં આવતી બારમા ધોરણની પરીક્ષાનાં ફિઝિક્સ અને કેમિસ્ટ્રીનાં ક્વેશ્ચન પેપર લીક થવાની ઘટનાની તપાસ માટે પોલીસે એક સ્પેશ્યલ ઇન્વેસ્ટિગેશન ટીમ (SIT)ની રચના કરી છે એમ એક અધિકારીએ મંગળવારે જણાવ્યું હતું. છ સભ્યોની SIT લીક થયેલાં પેપરોના સ્રોતને શોધી કાઢશે અને એમાં સામેલ તમામ વ્યક્તિઓની ઓળખ કરશે. ૧૮ ફેબ્રુઆરીએ નાગપુરની સેન્ટ ઉર્સુલા હાઈ સ્કૂલમાં કેમિસ્ટ્રીની પરીક્ષા દરમ્યાન આ મામલો સામે આવ્યો હતો. પરીક્ષા શરૂ થાય એ પહેલાં એક સુપરવાઇઝરને એક વિદ્યાર્થીના મોબાઇલ ફોન પર પ્રશ્નપત્ર મળી આવ્યું હતું. પોલીસે અત્યાર સુધીમાં કોચિંગ ઇન્સ્ટિટ્યૂટના સંચાલક શિક્ષક સહિત ૪ આરોપીઓની ધરપકડ કરી છે. 

હોલી આયી રે આયી

તસવીર : આશિષ રાજે

મસ્જિદ બંદરની એક દુકાનમાં ધુળેટીનો રંગીન ધમધમાટ જોવા મળ્યો હતો.

બૉમ્બે હાઈ કોર્ટે માનહાનિની ​​ફરિયાદ સામેની રાહુલ ગાંધીની અરજી પર આદેશ અનામત રાખ્યો

કૉન્ગ્રેસના નેતા રાહુલ ગાંધી દ્વારા વડા પ્રધાન નરેન્દ્ર મોદી વિરુદ્ધ કરવામાં આવેલી કમેન્ટ બદલ થયેલી માનહાનિની ​​ફરિયાદ રદ કરવાની માગણી કરતી અરજી પર બૉમ્બે હાઈ કોર્ટે મંગળવારે આદેશ અનામત રાખ્યો હતો. ભારતીય જનતા પાર્ટીના સભ્ય મહેશ શ્રીશ્રીમલ દ્વારા ઑગસ્ટ ૨૦૧૯માં ગિરગામની મૅજિસ્ટ્રેટ કોર્ટમાં રાહુલ ગાંધી વિરુદ્ધ માનહાનિનો દાવો દાખલ કરવામાં આવ્યો હતો. ફરિયાદીના જણાવ્યા મુજબ રાહુલ ગાંધીએ સપ્ટેમ્બર ૨૦૧૮માં રાજસ્થાનમાં એક રૅલીમાં વડા પ્રધાન નરેન્દ્ર મોદી વિરુદ્ધ માનહાનિભર્યાં નિવેદનો આપ્યાં હતાં. મૅજિસ્ટ્રેટ કોર્ટે રાહુલ ગાંધીને સમન્સ જાહેર કર્યો હતો. રાહુલ ગાંધીએ ફરિયાદને વ્યર્થ અને હેરાન કરનારી ગણાવીને હાઈ કોર્ટમાં એને પડકાર્યો હતો.

સ્વામી અવિમુક્તેશ્વરાનંદે કરી આગોતરા જામીન માટે અરજી

સ્વામી અવિમુક્તેશ્વરાનંદ સરસ્વતી અને અન્ય આરોપીઓ સામે સગીર બાળકોના જાતીય શોષણના કેસમાં પ્રોટેક્શન ઑફ ચિલ્ડ્રન ફ્રૉમ સેક્સ્યુઅલ ઑફેન્સિસ (POCSO) કાયદા હેઠળ પ્રયાગરાજના ઝુંસી પોલીસ-સ્ટેશનમાં ફર્સ્ટ ઇન્ફર્મેશન રિપોર્ટ (FIR) નોંધવામાં આવ્યા બાદ ગઈ કાલે સ્વામી અવિમુક્તેશ્વરાનંદે અલાહાબાદ હાઈ કોર્ટમાં આગોતરા જામીન માટે અરજી કરી હતી. આ અરજી તેમના વકીલો, રાજર્ષિ ગુપ્તા, સુધાંશુકુમાર અને શ્રી પ્રકાશ દ્વારા દાખલ કરવામાં આવી હતી. આ કેસ તુલસી પીઠાધીશ્વર સ્વામી રામભદ્રાચાર્યના શિષ્ય આશુતોષ બ્રહ્મચારીની ફરિયાદ બાદ શરૂ કરવામાં આવ્યો હતો. ટૂંક સમયમાં સુનાવણી થવાની અપેક્ષા છે.

mumbai mumbai news bombay high court rahul gandhi holi devendra fadnavis maharashtra news maharashtra mumbai pune expressway brihanmumbai municipal corporation 12th exam result