06 August, 2026 09:06 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
નીતિન ગડકરીએ સોશ્યલ મીડિયા પ્લૅટફૉર્મ X, ગૂગલ અને અન્ય સાઇટ્સ વિરુદ્ધ કોર્ટમાં ધા નાખી હતી
બૉમ્બે હાઈ કોર્ટે કેન્દ્રના હાઇવેઝ અને ટ્રાન્સપોર્ટ મિનિસ્ટર નીતિન ગડકરી દ્વારા દાખલ કરવામાં આવેલી અરજી બાબતે ચુકાદો આપતાં સોશ્યલ મીડિયા પ્લૅટફૉર્મ્સને તેમના વિરુદ્ધ E20 પેટ્રોલ એટલે કે એથનૉલ મિિશ્રત પેટ્રોલ વિશેની બધી જ પોસ્ટ હટાવવાનો આદેશ આપ્યો છે. ઉલ્લેખનીય છે કે નીતિન ગડકરીએ સોશ્યલ મીડિયા પ્લૅટફૉર્મ X, ગૂગલ અને અન્ય સાઇટ્સ વિરુદ્ધ કોર્ટમાં ધા નાખી હતી. અરજીમાં નીતિન ગડકરીએ તેમના વિરુદ્ધ ખોટી માહિતી ફેલાવતા આર્ટિફિશ્યલ ઇન્ટેલિજન્સ (AI) જનરેટેડ વિડિયો ઉપરાંત અન્ય સામગ્રી હટાવવાનું જણાવ્યું હતું.
મહારાષ્ટ્રમાં વરસાદના કારણે જુલાઈ મહિનામાં ૧૩૭ જણનાં મૃત્યુ થયાં હોવાનું સ્ટેટ ડિઝૅસ્ટર રિસ્પૉન્સ ફોર્સ (SDRF) દ્વારા બહાર પાડવામાં આવેલા આંકડાઓમાં જણાવવામાં આવ્યું હતું. અેમાં પણ સૌથી વધુ ૫૩ જણનાં મૃત્યુ વીજળી પડવાના કારણે થયાં હોવાનું SDRFના અહેવાલમાં જણાવવામાં આવ્યું હતું. આ ઉપરાંત ભેખડો ધસી પડવાના કારણે, પૂરમાં વહી જવાના કારણે, ઝાડ તૂટી પડવાથી પણ લોકોનાં મૃત્યુ થયાં હતાં. આ ઉપરાંત ૫૦૫ પ્રાણીઓનાં પણ મૃત્યુ થયાં હતાં.
આ કારણોસર થયાં મૃત્યુ
વીજળી પડવાથી ૫૩ જણનાં મૃત્યુ
દીવાલ તૂટી પડવાથી ૩૫ જણનાં મૃત્યુ
ઝાડ તૂટી પડવાથી ૨૧ જણનાં મૃત્યુ
પૂરમાં વહી જવાથી ૨૧ જણનાં મૃત્યુ
ભેખડ ધસી પડવાથી ૭ જણનાં મૃત્યુ
કુલ મૃત્યુ ૧૩૭
રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (RSS)ના વડા મોહન ભાગવત જેન-ઝીને સંબોધવા માટે આજે મુંબઈ આવવાના છે ત્યારે મુંબઈ મેટ્રોપૉલિટન રીજનમાં વિવિધ ઠેકાણે સરકારના સમર્થનમાં જેન-ઝી દ્વારા બૅનરો લગાવવામાં આવ્યાં હતાં. આ બૅનરોમાં ‘નેશન ફર્સ્ટ, આઇ સ્ટૅન્ડ વિથ સ્ટુડન્ટ્સ, આઇ રિસ્પેક્ટ માય રિલિજન’ તથા ‘આઇ સપોર્ટ સ્ટુડન્ટ્સ, આઇ રિસ્પેક્ટ માય PM’ એવું લખવામાં આવ્યું હતું. જોકે ખરેખર આ બૅનરો કોણે લગાવ્યા તે જાણી શકાયું નહોતું.
મોત બનીને ખડકાયેલા મુંબઈ-નાશિક હાઇવેના ખાડા.
મુંબઈ-નાશિક હાઇવે પર ખાડાના કારણે થતા વારંવાર અકસ્માત અને અેના કારણે લોકોના જતા જીવનો મુદ્દો ગંભીર બની રહ્યો છે અને રાજકીય સ્તરે પણ અેની નોંધ લેવામાં આવી રહી છે. રસ્તાઓની બિસમાર હાલતના કારણે અનેક લોકોના જીવ ગયા હોવાના કારણે હવે પ્રશાસને તાત્કાલિક કાર્યવાહી કરીને ખાડાઓને પૂરવાનું શરૂ કરવું જોઈએ એવી માગણી થઈ રહી છે.
વરસાદ દરમ્યાન રસ્તાના ખાડાના કારણે થયેલા અકસ્માતમાં મુંબઈ-નાશિક હાઇવે પર અનેકે જીવ ગુમાવ્યાના અહેવાલ છે ત્યારે ઘોડબંદર રોડ પર પણ સાત ફુટ મોટા ખાડાના કારણે લોકો સાવચેતીથી વાહન ચલાવીને પોતાનો જીવ બચાવી રહ્યા છે. આટલા મોટા ખાડાના કારણે ભાઈંદરના કાજુપાડાથી વસઈ-વિરાર જતા રસ્તે ટ્રાફિકની ભારે સમસ્યા પણ થઈ રહી છે
બુધવારે નાલાસોપારા અને વસઈ દરમ્યાન દોડતી ટ્રેનની સામે અચાનક એક માથાફરેલ સામે આવી ગયો હતો અને તેણે ટ્રેનની સામે આવીને આત્મહત્યા કરવાનો પ્રયાસ કર્યો હતો. આ ઘટનાનો વિડિયો સોશ્યલ મીડિયા પર વાઇરલ થયો હતો. મોટરમૅને સામે ટ્રૅક પર ઊભેલી વ્યક્તિને જોઈને તરત જ ટ્રેન થોભાવી દેતાં તેનો જીવ બચ્યો હતો. વિડિયોમાં માથાફરેલ વ્યક્તિને ટ્રેનમાંથી એક પ્રવાસી ઊતરીને ખખડાવતો અને બાજુમાં લઈ જતો પણ જોવા મળે છે. રેલવે પ્રોટેક્શન ફોર્સ (RPF)એ તે વ્યક્તિની ધરપકડ કરી આગળની કાર્યવાહી હાથ ધરી હોવાની જાણકારી મળી હતી.
SIRની પ્રક્રિયાને ૧૭ ઑગસ્ટ સુધીનું એક્સ્ટેન્શન, અંતિમ મતદારયાદી ૨૭ ઑક્ટોબરે જાહેર કરાશે
ઇલેક્શન કમિશને મહારાષ્ટ્રમાં ૨૦૨૬ની ૧ ઑક્ટોબર સુધીમાં હાથ ધરવામાં આવી રહેલા ખાસ સ્પેશ્યલ ઇન્ટેન્સિવ રિવિઝન (SIR)ના કાર્યક્રમના સમયપત્રકમાં સુધારા કર્યા છે. સુધારેલા સમયપત્રક મુજબ બૂથ લેવલ ઑફિસર્સ (BLOs) હવે ઘરે-ઘરે જઈ ૧૭ ઑગસ્ટના સમયગાળા દરમ્યાન મુલાકાત હાથ ધરવામાં આવશે. મતદારયાદીનો મુસદ્દો ૨૦૨૬ની ૨૪ ઑગસ્ટે પ્રકાશિત કરવામાં આવશે. ત્યાર બાદ ૨૪ ઑગસ્ટથી ૨૩ સપ્ટેમ્બરના સમયગાળા દરમ્યાન દાવાઓ અને વાંધાઓ સ્વીકારવામાં આવશે. પ્રાપ્ત દાવાઓ અને વાંધાઓની સુનાવણી અને નિકાલની પ્રક્રિયા ૨૪ ઑગસ્ટથી બાવીસ ઑક્ટોબરના સમયગાળા દરમ્યાન થશે. બધી પ્રક્રિયાઓ પૂર્ણ થયા પછી ૨૦૨૬ની ૨૭ ઑક્ટોબરે ઇલેક્શન કમિશન દ્વારા અંતિમ મતદારયાદી પ્રકાશિત કરવામાં આવશે.
મરીન ડ્રાઇવ પર આવેલા એક બિલ્ડિંગમાં મંગળવારે મધરાત બાદ અઢી વાગ્યાની આસપાસ એક ચોર સિક્યૉરિટી ગાર્ડના જ મોબાઇલ ફોન ચોરી કરી રહ્યો હતો, જેને એક સતર્ક સિક્યૉરિટી ગાર્ડે પકડી પાડ્યો હતો. સિક્યૉરિટી ગાર્ડે ચોરને પકડીને પોલીસ ન આવે ત્યાં સુધી ખુરસી સાથે બાંધી દીધો હતો. આખી ઘટનાનો ક્લોઝ્ડ સર્કિટ ટેલિવિઝન (CCTV) કૅમેરાનો વિડિયો પણ વાઇરલ થયો હતો. લોકોએ સોશ્યલ મીડિયા પર સિક્યૉરિટી ગાર્ડે દાખવેલી ચપળતાનાં ખૂબ વખાણ કર્યાં હતાં.