✕

News In Shorts: સમયે મદદ મળી, મોટી ઘાત ટળી

23 November, 2026 07:41 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

નવી મુંબઈના તળોજામાં એક મોટો અકસ્માત થતા રહી ગયો હતો. રસ્તાની એક બાજુથી આવતા અને લેફ્ટ ટર્ન લેતા ડમ્પર અને રિક્ષાની ટક્કર થઈ હતી

વાઇરલ વિડીયોમાંથી સ્ક્રીનશૉટ

નવી મુંબઈના તળોજામાં એક મોટો અકસ્માત થતા રહી ગયો હતો. રસ્તાની એક બાજુથી આવતા અને લેફ્ટ ટર્ન લેતા ડમ્પર અને રિક્ષાની ટક્કર થઈ હતી. ટર્ન લેતી રિક્ષા ડમ્પરની આગળથી નીકળવા જતાં રિક્ષાનો પાછળનો ભાગ ડમ્પરને અથડાયો હતો જેને પગલે રિક્ષા એક તરફ નમી ગઈ હતી. રિક્ષામાં એક મહિલા અને એક યુવતી બેઠી હતી જે સમય રહેતાં જ ઊતરી ગઈ હતી. જોકે રિક્ષા-ડ્રાઇવર તથા મહિલા પર રિક્ષા ઊંધી વળી જાય એવી પરિસ્થિતિ ઊભી થઈ હતી ત્યારે ડ્યુટી પર હાજર ટ્રાફિક-કૉન્સ્ટેબલ તથા મહારાષ્ટ્ર સિક્યૉરિટી ફોર્સ (MSF)ના જવાનોએ સમયસર આવીને રિક્ષાને ઊંધી વળતાં બચાવી લીધી હતી. ટ્રાફિક-કૉન્સ્ટેબલ, MSFના જવાનો તથા અન્યો રિક્ષાને પોતાના હાથ વડે પકડીને ઊંધી થતા બચાવે છે જેના કારણે જાનહાનિ કે મોટી દુર્ઘટના થતા બચે છે. વાઇરલ થયેલા આ વિડિયોમાં લોકો ટ્રાફિક-કૉન્સ્ટેબલ અને MSFના જવાનોએ દાખવેલી સમયસૂચકતાનાં વખાણ કરી રહ્યાં છે.

કાળા નભમાં ભગવા ઇતિહાસનો પ્રકાશ, પવઈના પહેલા ફાઉન્ટન શોએ લોકોને અંજાવ્યા

પવઈ લેકને ટૂરિસ્ટ સ્પૉટ તરીકે વિકસાવવા માટે ગણેશ ઘાટ પર ૩૦ કરોડ રૂપિયાના ખર્ચે તૈયાર કરવામાં આવેલા ૧૮૦ મીટર લાંબો ફાઉન્ટન શો પ્રોજેક્ટ તૈયાર કરવામાં આવ્યો છે જેનું ઉદ્ઘાટન ગઈ કાલે સાંજે ૭ વાગ્યે મહારાષ્ટ્રના કૌશલ્ય વિકાસ ખાતાના પ્રધાન મંગલ પ્રભાત લોઢાએ કર્યું હતું. ઉદ્ઘાટન વખતે પહેલી જ વખત આ ટૂરિસ્ટ સ્પૉટ લોકોના આકર્ષણનું કેન્દ્ર કઈ રીતે બની શકશે એની ઝાંકી દર્શાવવામાં આવી હતી. અહીં મુંબઈગરાઓએ પહેલી જ વખત મ્યુઝિકલ ફાઉન્ટન ઍન્ડ મલ્ટિમીડિયા શોની ભવ્યતા માણી હતી. પહેલા શો દરમ્યાન આકાશ મરાઠા સામ્રાજ્ય તથા છત્રપતિ શિવાજી મહારાજ તથા મુંબઈના ઇતિહાસની ગાથાથી ઝગમગી ઊઠ્યું હતું. ટૂરિસ્ટ માટે ૧૮૦ મીટર લાંબા પટ્ટા પર ૪૦ મીટરના વૉટર જેટ્સ, ૨૭ ફાયર જેટ્સ તથા લેઝર પ્રોજેક્શન્સનો ઉપયોગ કરીને આ ફાઉન્ટન શોનું નિર્માણ કરવામાં આવ્યું છે જેના દરરોજ ૩ શો લોકો માટે યોજવામાં આવશે. તસવીરોઃ સતેજ શિંદે

બિસલેરીના પાણીમાં મળ્યું કૅન્સરજન્ય તત્ત્વ : કાયદાકીય પગલાં લેવાની મંજૂરી

ફૂડ સેફ્ટી ઍન્ડ સ્ટાન્ડર્ડ્‍સ ઑથોરિટી ઑફ ઇન્ડિયા (FSSAI)એ ગઈ કાલે જાણીતી પૅકેજ્ડ ડ્રિન્કિંગ વૉટરની બ્રૅન્ડ બિસલેરી ઇન્ટરનૅશનલ વિરુદ્ધ કાયદાકીય પગલાં લેવાની મંજૂરી આપી હતી. કથિત અનસેફ ડ્રિન્કિંગ વૉટરના વેચાણ બદલ બિસલેરી ઇન્ટરનૅશનલ વિરુદ્ધ કાયદાકીય કાર્યવાહી કરવાની મંજૂરી આપવામાં આવી છે. લૅબોરેટરીમાં ટેસ્ટ કરવામાં આવેલા બિસલેરીના પાણીનાં સૅમ્પલમાં કૅન્સરકારક તત્ત્વો મળી આવતાં આ મંજૂરી આપવામાં આવી હતી. FSSAI દ્વારા બૅવરેજ કંપનીઓ વિરુદ્ધ શરૂ કરવામાં આવેલી ઝુંબેશ અંતર્ગત આ નિર્ણય લેવામાં આવ્યો છે. બિસલેરીના પાણીનાં સૅમ્પલમાં મર્યાદા કરતાં વધુ પ્રમાણમાં બ્રોમૅટ મળી આવ્યું હોવાનું જણાયું હતું જે ફૂડ સેફ્ટી ઍન્ડ સ્ટાન્ડર્ડ્‍સ ઍક્ટ, ૨૦૦૬ મુજબ અનસેફ છે અને કૅન્સર થવા માટે જવાબદાર તત્ત્વમાંનું એક ગણાય છે.

mumbai news mumbai navi mumbai road accident