12 August, 2026 07:33 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
એને સેફલી પકડી લીધા બાદ નજીકના અશોક ચક્રવર્તી પ્લેગ્રાઉન્ડમાં ખુલ્લામાં છુટ્ટો મૂકી દેવામાં આવ્યો હતો. તસવીરઃ સતેજ શિંદે
કાંદિવલી-ઈસ્ટના આકુર્લી રોડ પર આવેલા સ્કાયવૉકના પિલર પર એક સાપ જોવા મળતાં પહેલાં લોકોમાં ગભરાટ ફેલાયો હતો. એ પછી ત્યાં ધંધો કરતા કેટલાક ફેરિયાઓએ હિંમત કરીને એને ખેંચી કાઢવાનો પ્રયાસ કર્યો હતો, પણ એ છટકી ગયો હતો. એ પછી એ ઉપરની તરફ સ્કાયવૉક પર ચડી ગયો હતો. ત્યાંથી એને ઝડપી લેવાનો પ્રયાસ કરવામાં આવતાં એ નીચે પટકાયો હતો અને નીચે બિરયાની વેચતા એક ફેરિયાના સ્ટૉલમાં ઘૂસી ગયો હતો. એ પછી એને પકડવાના પ્રયાસ હાથ ધરાયા હતા અને પોણો કલાકે એ સાપને પકડી લીધો હતો. એ સાપ સામાન્ય રીતે આખા ભારતમાં જોવા મળતો ધામણ જાતિનો સાપ હતો. એને સેફલી પકડી લીધા બાદ નજીકના અશોક ચક્રવર્તી પ્લેગ્રાઉન્ડમાં ખુલ્લામાં છુટ્ટો મૂકી દેવામાં આવ્યો હતો. તસવીરઃ સતેજ શિંદે
નાણાકીય શિસ્ત જાળવવા અને બિનજરૂરી ખર્ચ પર અંકુશ મેળવવાના હેતુથી મહારાષ્ટ્ર સરકારે એક મહત્ત્વપૂર્ણ નિર્ણય લીધો છે. રાજ્ય સરકારે સ્પષ્ટ કર્યું છે કે જો સરકારી અધિકારીઓ કે કાર્યાલયો સરકારી વાહનો માટે VIP કે ફૅન્સી રજિસ્ટ્રેશન નંબર પસંદ કરશે તો અેનો વધારાનો ખર્ચ રાજ્ય સરકારની તિજોરીમાંથી ચૂકવવામાં નહીં આવે. આ વિશે મહારાષ્ટ્રના નાણાવિભાગ દ્વારા એક રેઝલ્યુશન બહાર પાડવામાં આવ્યું છે જેમાં નોંધવામાં આવ્યું છે કે કેટલાક સરકારી વિભાગો અને અધિકારીઓ વાહનો માટે રીજનલ ટ્રાન્સપોર્ટ ઑફિસ (RTO)માંથી ખાસ રજિસ્ટ્રેશન નંબર મેળવવા માટે મોટી રકમનો ખર્ચ કરી રહ્યા હોવાનું ધ્યાનમાં આવ્યું છે. સરકારી નિયમો મુજબ અધિકૃત વાહનો માટે આવો કોઈ વિશેષ નંબર લેવાનો આદેશ નથી અેથી આ પ્રકારનો ખર્ચ રાજ્ય સરકારના ખાતામાં ઉધારી શકાય નહીં. નાણાવિભાગે સ્પષ્ટ શબ્દોમાં ચેતવણી આપી છે કે જો કોઈ અધિકારી કે કાર્યાલય સરકારી વાહન માટે ફૅન્સી નંબર મેળવવા પાછળ પૈસા ખર્ચશે તો કોઈ પણ સંજોગોમાં અે રકમ મંજૂર કરવામાં આવશે નહીં કે સરકારી ભંડોળમાંથી રીઇમ્બર્સ કરવામાં આવશે નહીં.