19 April, 2026 08:27 AM IST | raigad | Gujarati Mid-day Correspondent
રાયબા યાત્રાની ‘દેવકાઠી’
રાયગડ જિલ્લાના પેણ તાલુકાના રાવે ગામના લોકો આજે પણ ૧૦૦ વર્ષ જૂની પરંપરાને જાળવી રાખીને રાયબાદેવીની યાત્રાની જોરદાર ઉજવણી કરે છે. એમાં ભક્તિ, શક્તિ અને મસ્તીનો જોરદાર માહોલ સર્જાય છે. ગામના નાના-મોટા યુવાનોની અલગ-અલગ ટીમ બનાવવામાં આવે છે અને એ લોકો દેવકાઠી (ભગવાનની લાકડી) બનાવે છે. આ દેવકાઠીમાં અલગ-અલગ વાંસને જોડીને વાંસનો ૧૫૦થી ૨૦૦ ફુટ ઊંચો ફ્લેક્સિબલ થાંભલો બનાવવામાં આવે છે અને પછી એ થાંભલા પર યુવાનો ચડતા હોય છે. વળી વાંસના એ હાલતા-ડોલતા થાંભલાને અલગ-અલગ દોરીઓ બાંધી નીચેથી ટીમના બીજા સહાયકો બને એટલો સ્થિર રાખવાનો પ્રયાસ કરતા હોય છે. રાયબાદેવીના નામના જયજયકાર સાથે ઢોલનગારાં વગાડીને આ સ્પર્ધા શરૂ થાય છે અને અલગ-અલગ ટીમ તેમની બનાવેલી દેવકાઠી પર આરોહણ કરતા હોય છે. વળી કોની દેવકાઠી મોટી એની એ સ્પર્ધા હોય છે. શુક્રવારે આ વર્ષની રાયબાયાત્રા યોજાઈ ત્યારે આ ભવ્ય અને અનોખી ઉજવણી જોવા આજુબાજુનાં અનેક ગામોના લોકો રાવે ગાવ પહોંચી ગયા હતા.